Pages

મહાન વ્યક્તિઓ અને બાળકો / યુવાનો ભાગ ૧ - બાળ વાર્તાઓ ઇતિહાસની વાર્તાઓ


શ્રીરામકૃષ્ણ પરમહંસ

શ્રીરામકૃષ્ણ પરમહંસનું બાળપણ

શ્રીરામકૃષ્ણ પરમહંસના બાળપણનું નામ ગદાધર હતું. બાળપણથી જ તેમને શાળાકીય અભ્યાસ અને દુન્યવી બાબતોમાં રસ પડતો નહિ. તેમ છતાં તેઓ ખુબ જ પ્રતિભાશાળી હતા. તેઓ સારું ગાઈ શકતા અને સારા ચિત્રકાર હતા. સાધુ સંતોની સેવા કરવી અને એમના ઉપદેશોનું પઠન કરવું તેમને ગમતું. ઘણી વખત તેઓ આધ્યાત્મિક વિચારોમાં ડૂબી જતા. તેઓ માત્ર છ જ વર્ષના હતા ત્યારે તેમને એક ગહન સમાધિનો અનુભવ થયો હતો. કાળા વાદળો આગળથી ઊડી રહેલા સફેદ બગલાઓ જોઈને તેઓ ગહન ભાવાવેશમાં સરી પડયા હતા. ઉંમર વધતા સાથે તેમની આવી ભાવાવેશ અવસ્થા પણ તીવ્ર બનતી ગઈ. તેમની સાત વર્ષની ઉંમરે તેમના પિતાનું મૃત્યુ થતાં તેઓ દુનિયાદારીથી અલિપ્ત થતા ગયા.

બાળપણથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસ માનતા કે પ્રત્યેક જીવમાં ઈશ્વરનો વાસ છે. તેમની જનોઈ વિધિ વખતે તેમણે એવું કહી સૌને ચોંકાવી દીધા કે તેઓ દ્વિજ તરીકેની સૌપ્રથમ ભિક્ષા ગામની એક શૂદ્ર જાતિની સ્ત્રી પાસેથી જ સ્વીકારશે. કોઈ પણ દલીલ કે આજીજી તેમનો નિર્ણય બદલાવી શકી નહિ. તેમના પિતાના મૃત્યુ બાદ તેમના મોટાભાઈ રામકુમાર તેમની આ માંગ સાથે સંમત થયા ત્યારે તેમણે જનોઈ લીધી.

શ્રીરામકૃષ્ણ પરમહંસ અને બાળકો / યુવાનો

શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્યોમાં એક ગરીબ સ્ત્રી હતી. એક દિવસ તે સ્ત્રી તેના પુત્રને લઇને તેમની પાસે આવી અને વિનંતી કરી કે, "ગુરુદેવ, મારા પુત્રને રોજ મીઠાઈ ખાવાની આદત છે. આ ટેવથી તેના દાંત બગડે છે અને વળી રોજ મીઠાઈ લાવવાનું મને પોષાય પણ નહિ. મારી સલાહ, ચેતવણી કે માર પણ નિષ્ફળ જાય છે. આપ તેને સલાહ આપો અને આશીર્વાદ આપો જેથી તેની આ કુટેવ છૂટે.”

શ્રીરામકૃષ્ણએ તે બાળક સામે જોયું પણ તેની સાથે કોઈ વાત કરી નહિ. તેમણે એ સ્ત્રીને બે અઠવાડિયા પછી આવવા કહ્યું. તે સ્ત્રી બે અઠવાડિયા પછી તેના પુત્રને લઇને આવી. તે વખતે શ્રીરામકૃષ્ણએ તે બાળકને રોજ મીઠાઈ ન ખાવાની સલાહ આપી અને તેની માતાની સલાહ માનવા સમજાવ્યો. બાળક તરત સંમત થઇ ગયો.

બાળકની માતા અને અન્ય શિષ્યોએ ગુરુદેવને પૂછ્યું કે તેમણે શા માટે બે અઠવાડિયા પછી સલાહ આપી? શ્રીરામકૃષ્ણએ હસીને કહ્યું, "તમે જયારે બે અઠવાડિયા પહેલાં આવ્યા ત્યારે હું પોતે જ રોજ મારા શિષ્યોએ લાવેલી મીઠાઈ ખાતો હતો. આથી હું તેને આવી સલાહ કેવી રીતે આપી શકું? ત્યાર બાદ મેં મીઠાઈ ખાવાનું છોડી દીધું. આના લીધે મને તમારા બાળકને સલાહ આપવાની શક્તિ અને યોગ્યતા મળી. આપણે જે ઉપદેશ આપતા હોઈએ તે મુજબનું આચરણ કરી શકતા હોઈએ તો જ આપણા શબ્દોમાં પ્રામાણિકતા આવે અને સાંભળનારને એની અસર થાય".

એક દિવસ નરેન્દ્ર નામનો એક તેજસ્વી વિદ્યાર્થી શ્રીરામકૃષ્ણને મળવા આવ્યો. અંગ્રેજી ભણતો એક આધુનિક યુવાન હોવા છતાં નરેન્દ્રને ઈશ્વરદર્શનની તીવ્ર ઝંખના હતી. તેને આ માટે મદદ કરે એવા કેટલાય સંતોને તે મળ્યો હતો. પરંતુ તેને કોઈનાથી સંતોષ નહોતો થયો. એક દિવસ તેના અધ્યાપકે શ્રીરામકૃષ્ણનો ઉલ્લેખ કર્યો અને એમને મળવા કહ્યું.

જયારે શ્રીરામકૃષ્ણએ નરેન્દ્રને જોયા ત્યારે તેઓ તરત જ અનુભવી શક્યા કે ઈશ્વરે જ આ યુવાનને ઉમદા કાર્યો કરવા માટે મોકલ્યો છે. શ્રીરામકૃષ્ણ ભાવાવેશમાં આવી ગયા અને નરેન્દ્રના હાથ પકડીને રડવા લાગ્યા. એમણે નરેન્દ્રને પૂછ્યું કે તેણે એમની પાસે આવવામાં આટલું મોડું કેમ કર્યું? એમને ખુબ જ આશ્ચર્ય થયું કે કલકત્તા જેવા આધુનિક શહેરમાં આટલો બધો પવિત્ર અને આધ્યાત્મિક યુવાન હોઈ શકે? શ્રીરામકૃષ્ણએ નરેન્દ્રને એમના શિષ્ય બનાવ્યા જે સ્વામી વિવેકાનંદ તરીકે મશહૂર બન્યા!

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદનું બાળપણ

સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ નરેન્દ્ર હતું. બાળપણમાં જયારે અન્ય બાળકો રમવામાં સમય વ્યતીત કરતા હોય ત્યારે બાળક નરેન્દ્ર ધ્યાન ધરવાની રમત રમતા!  એક વખત તે ગહન ધ્યાનમાં મગ્ન હતા ત્યારે એક કોબ્રા ત્યાં આવ્યો. બીજા બાળકો તો તે ખંડમાંથી બહાર ભાગી ગયા પરંતુ નરેન્દ્ર તો જાણે કાંઈ જ બન્યું નથી તેમ ધ્યાનમાં જ મગ્ન રહ્યા.

બાળક નરેન્દ્ર ઘણા તોફાની હતા અને તેમને શાંત પાડવાનું અત્યંત મુશ્કેલ હતું. જયારે તેમને શાંત પાડવાની બધી જ તરકીબો નાકામયાબ નીવડતી ત્યારે એમના માતા ભુવનેશ્વરીદેવી, "શિવ" નામનું રટણ કરતાં એમના માથા ઉપર ઠંડુ પાણી રેડતાં. નરેન્દ્ર તરત જ શાંત થઇ જતા. કોઈ તેમને કહેતું કે તેઓ શાંત નહિ થાય તો ભગવાન શિવ એમને કૈલાસમાં પ્રવેશવા નહિ દે. નરેન્દ્ર તરત જ શાંત થઇ જતા.
નરેન્દ્ર મોટા થયા ત્યારે એમના માતા એમને શાંત પાડવાની આવી તરકીબની વાત કરી મજાકમાં કહેતાં કે, "મેં ભગવાન શિવ પાસે એક પુત્રની માંગણી કરી પરંતુ એમણે તો મને એક શેતાન (તોફાની બાળક) આપ્યો!"

નરેન્દ્રની માતાએ એમના જવલંત ભવિષ્ય માટે ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એક દિવસ નરેન્દ્રએ એમની માતાને શાળામાં તેમને થયેલા અન્યાયની વાત કરી. માતાએ એમને આશ્વાસન આપતાં કહ્યું, "તું સાચો હો તો આવી બાબતનું શું મહત્વ રહે છે? પરિણામની પરવા કર્યા વગર હંમેશા સત્યનું જ આચરણ કરવું. ઘણી વાર સત્ય આચરણ કરવાથી તને અન્યાય થશે કે દુ:ખ થાય એવી ઘટના બનશે. તેમ છતાં તારે કોઈ પણ સંજોગોમાં સત્ય ન જ છોડવું." વર્ષો પછી સ્વામી વિવેકાનંદે એક સભામાં કહ્યું હતું કે મેં જે કાંઈ પણ જ્ઞાન મેળવ્યું છે તેના માટે હું મારી માતાનો ઋણી છું.

બાળપણમાં નરેન્દ્ર એમના મિત્રના ઘરે ચંપક વૃક્ષ ઉપર ચઢતા. એક દિવસ તેઓ એ વૃક્ષ ઉપર ચઢયા હતા ત્યારે તે ઘરના વૃદ્ધ માલિકે આવી તેમને કહ્યું કે તે ઝાડ પર તો ભૂતોનો વાસ છે અને તેમાંનો એક બ્રહ્માદિત્ય છે.

જો નરેન્દ્ર ઝાડ ઉપરથી નીચે નહિ ઉતરે તો બ્રહ્માદિત્ય તેને ખાઈ જશે. આ સાંભળીને તેઓ તરત જ ઝાડ પરથી નીચે ઉતરી ગયા. પરંતુ જેવા એ વૃદ્ધ ત્યાંથી ગયા કે નરેન્દ્ર પાછા વૃક્ષ ઉપર ચઢી ગયા. આ જોઈ એમના મિત્રએ એમને પૂછ્યું કે તેઓ આવું શા માટે કરે છે? બ્રહ્માદિત્ય ભૂત તેને ખાઈ જશે.
ત્યારે નરેન્દ્રએ હસીને કહ્યું, "મોટાઓ જે કાંઈ પણ કહે તે બધું જ માની નહિ લેવાનું. પોતાની વિવેક બુદ્ધિ પણ વાપરવાની. જો આ ઝાડ પર ભૂત રહેતા હોત તો પોતે ક્યારના મરી ગયા હોત." નરેન્દ્રમાં આવી બહાદુરી અને વિશ્વાસ હતા.

નરેન્દ્રની હિંમત બાબતે એક બીજી વાત પણ છે. એક દિવસ તેઓ વ્યાયામશાળામાં કસરત માટે બે છેડે દોરડા વતી લટકાવેલો એક મોટો દાંડો ગોઠવતા હતા. એક અંગ્રેજ ખલાસી અને બીજા થોડા બાળકો એમને મદદ કરી રહ્યા હતા. ત્યાં અચાનક જ એ દાંડો અંગ્રેજ ખલાસી પર પડયો અને એ બેભાન થઇ ગયો. તે ખલાસી મરી ગયો હશે એવું માનીને અન્ય બાળકો ભાગી ગયા. પરંતુ નરેન્દ્ર ત્યાં જ રહ્યા. એમણે એમના વસ્ત્રમાંથી એક કપડું ફાડીને ખલાસીના ઘા ઉપર બાંધ્યું અને તેનું મોઢું ધોઈ નાખ્યું. પછી તેને નજીકની એક શાળામાં ખસેડયો અને એક અઠવાડિયા સુધી નરેન્દ્રએ તેની સારવાર કરી. ત્યાર બાદ પોતાના મિત્રો પાસેથી થોડા પૈસા ઉઘરાવીને તે ખલાસીને આપ્યા અને તેને વિદાય કર્યો.

સ્વામી વિવેકાનંદ અને બાળકો / યુવાનો

એક વખત અમેરિકામાં સ્વામીજી કેટલાક યુવાનોની રમત જોતા હતા. આ યુવાનો પુલ ઉપર ઉભા ઉભા નદીમાં તરી રહેલા ઈંડાંને બંદૂકની ગોળીથી વીંધવાની કોશિશ કરતા હતા. પરંતુ તેઓ હંમેશા નિશાન ચુકી જતા હતા. સ્વામીજીએ એમની પાસેથી બંદૂક લઈને નિશાન તાક્યું. એમણે બાર વખત ગોળી છોડી અને દરેક વખતે એક એક ઈંડું વીંધ્યું. યુવાનોએ સ્વામીજીને પૂછ્યું, "તમે આવું સચોટ નિશાન કેવી રીતે તાકી શક્યા?" સ્વામીજીએ કહ્યું, "તમે જે કોઈ પણ કામ કરો તે પુરેપુરી એકાગ્રતાથી કરો. તમે નિશાન તાકતા હો તો તમારું મન માત્ર અને માત્ર નિશાન ઉપર જ કેન્દ્રિત થવું જોઈએ. તો તમે ક્યારેય નિશાન ચૂકશો નહિ.
તમે અભ્યાસ કરતા હો ત્યારે માત્ર અભ્યાસનો જ વિચાર કરો. મારા દેશમાં બાળકોને આવી રીતે શીખવવામાં આવે છે."

સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનોને મજબૂત શરીર બનાવવાની સલાહ આપતા. તેઓ કહેતા કે ભગવદ ગીતાનો અભ્યાસ સારી રીતે કરવો હોય તો ઘરના એક ખૂણામાં બેસીને શ્લોકો બોલ્યા કરવા કરતાં મેદાનમાં જઈ ફૂટબોલ રમવું જોઈએ. આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે મજબૂત શરીર વાળી વ્યક્તિ સાચી આધ્યાત્મિકતા કેળવી શકે. આપણે શરીરને આત્માનું નિવાસસ્થાન ગણીએ છીએ તો આપણે આત્માને નબળા શરીરમાં રાખશું?

શ્રી રમણ મહર્ષિ

શ્રી રમણ મહર્ષિનું બાળપણ

શ્રી રમણ મહર્ષિના બાળપણનું નામ વેંકટરમણ હતું. તેઓ ઘણા તાકાતવર હતા અને એમને અભ્યાસ કરતાં રમતમાં વધારે રસ પડતો. એમનામાં એક વિશિષ્ટતા હતી. તેઓ સુઈ જાય ત્યારે એટલી બધી ગાઢ નિદ્રામાં સરી જતા કે કોઈ પણ રીતે એમને ઉઠાડી શકાય નહિ. એમના સહાધ્યાયીઓ આનો ગેરલાભ ઉઠાવતા અને તેઓ ઊંઘતા હોય ત્યારે એમને જુદી જુદી જગ્યાએ લઇ જતા. એમને મારતા પણ ખરા કારણકે જાગતા હોય ત્યારે તો એમની તાકાતથી ડરતા.

વેંકટરમણ ૧૬ વર્ષના હતા ત્યારે એક મહત્વની ઘટના બની જેનાથી એમનામાં ગહન આધ્યાત્મિક શક્તિનો સંચાર થયો. એક દિવસ એમના એક વડીલે પવિત્ર પર્વત અરુણાચલનો ઉલ્લેખ કર્યો. અરુણાચલ એ માત્ર નામ સાંભળતાં જ એમનામાં જાણે કોઈ જાદુઈ અસર થઇ અને તેઓ સમજી પણ ન શક્યા એવો અંત:કરણનો આવેગ સર્જાયો. એમણે અરુણાચલ પર્વત ક્યાં આવ્યો એવું પૂછતાં એમને જાણ થઇ કે આ પવિત્ર પર્વત તિરુવન્નમલાઈમાં આવેલ છે. એમના માનસપટ પર આ પવિત્ર પર્વતની છબી અંકિત થઇ ગઈ અને પાછળથી એમના જીવનની એક ઘટના એમને આ પવિત્ર પર્વત પાસે લઇ ગઈ.

થોડા સમય બાદ વેંકટરમણે ભગવાન શિવના ભક્તોનું જીવનચરિત્ર વાંચ્યું. એમના સંતત્વ અને ત્યાગમય ઉદાહરણીય જીવન વિષે વાંચીને તેઓ ઘણા રોમાંચિત થઇ ગયા અને પોતાના જીવનમાં પણ એમનું અનુકરણ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ વિચારે એમના મનને ઘેરી લીધું અને એમના અંતરનો અવાજ બનવા લાગ્યો. એક વર્ષ બાદ આ વિચારની પરાકાષ્ઠા એક અનુભવમાં પરિણમી જેનાથી એમની જિંદગી તો બદલાઈ ગઈ અને સાથે સાથે એમના સંપર્કમાં આવનાર સૌકોઈની જિંદગી પણ બદલાઈ ગઈ.

એમના સત્તરમા વર્ષે એકદમ તંદુરસ્ત અને જાગૃત અવસ્થામાં એમને મૃત્યુનો ભય લાગ્યો અને એમને ખાતરી થઇ ગઈ કે એમનું મૃત્યુ નિકટ છે. આવી ન સમજી શકાય એવી લાગણી જતી જ નહોતી એટલે તેઓ મૃત્યુ એટલે શું એનું ચિંતન કરવા લાગ્યા. તેઓ એમના ઘરના ઉપરના મજલે એકલા જ હતા એટલે એમણે મૃત્યુનો અભિનય કરીને એનો અર્થ શોધવાનું વિચાર્યું.

તેઓ પોતે મૃત્યુ પામ્યા હોય અને બંને હાથ જકડાઈ ગયા હોય એવી રીતે સુઈ ગયા. એમણે શ્વાસ રોકી લીધો અને સ્વગત બોલવા લાગ્યા, "હવે મારું મૃત્યુ આવી ગયું છે પણ મૃત્યુ થવું એટલે શું? જે મરણ પામે છે તે શું છે? શરીર મરણ પામે છે અને તેને સ્મશાનઘાટ લઇ જવામાં આવે છે જ્યાં તે બળીને રાખ થાય છે. પરંતુ શરીરના મૃત્યુ સાથે 'હું' મૃત્યુ પામે છે? હું શરીર છું? આ શરીર હવે શાંત અને નિષ્ક્રિય છે પરંતુ હું તો મારા અસ્તિત્વ નો અનુભવ કરી શકું છું અને મારા શરીરથી અલગ એવા 'હું'ના અંતરનો અવાજ પણ અનુભવી શકું છું.
તેથી હું તો શરીરની મર્યાદાની બહાર છે એવો આત્મા છું. શરીરનું મૃત્યુ થાય છે પણ તેની મર્યાદાની બહાર છે એવા આત્માને મૃત્યુનો સ્પર્શ થતો નથી. એટલે કે હું અમર આત્મા છું."

જાગૃતિના આ અનુભવ પછી થોડા સમયમાં જ તેઓ ઘર છોડીને અરુણાચલ પર્વત જતા રહ્યા. તેઓ દિવસો સુધી ખાવાપીવાની ચિંતા કર્યા વિના સમાધિમાં બેસી રહેતા. લોકો તેમને એક યુવાન સંત તરીકે જોવા લાગ્યા.

શ્રી રમણ મહર્ષિ અને બાળકો / યુવાનો

એક દિવસ એક બાળક ઓસ્ટ્રેલિયાથી તેના માતાપિતા સાથે શ્રીરમણ મહર્ષિના આશ્રમમાં આવ્યો. આ બાળકને એના દેશ ઓસ્ટ્રેલિયામાં મળતી ભભકાદાર સુખ સગવડ સામે ભારતમાં અનેક અગવડો ભોગવવી પડતી હતી. પરંતુ તે જયારે શ્રીભગવાનને રૂબરૂમાં મળ્યો ત્યારે તેને કોઈ અલૌકિક અનુભવ થયો. તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યા અને તે એની માતાને કહેવા લાગ્યો, "હું ઘણો જ ખુશ છું. હું એમને છોડીને જવા નથી માંગતો. હું એમની સાથે જ રહેવા માંગુ છું."

તેની માતા ઘણી જ બેચેન બની ગઈ. તેણે શ્રીભગવાનને વિનંતી કરી,"સ્વામી, મહેરબાની કરીને મારા દીકરાને મુક્ત કરો. તે મારો એકનો એક દીકરો છે. તેના વિના અમે બહુ જ દુઃખી થઇ જઈશું."

શ્રીભગવાને સ્મિત કરી કહ્યું, "હું એને મુક્ત કરું? મેં એને બાંધી નથી રાખ્યો. તે ખુબ જ પરિપક્વ આત્મા છે. માત્ર એક તણખો લાગતાં જ એના આધ્યાત્મિક જીવનની ચિનગારી પ્રગટી છે." શ્રીભગવાનની સહજ નજરમાં અસાધારણ શક્તિનો ચમકારો હતો.

એમણે તે બાળકને કહ્યું, "તું તારા માતાપિતા સાથે જા. હું હંમેશા તારી સાથે જ રહીશ." તેઓ તો તામિલમાં જ બોલતા હતા અને તે બાળક તો માત્ર અંગ્રેજી જ સમજતો હતો તેમ છતાં તે ભગવાનની વાત બરાબર સમજી શકતો હતો. તેણે ભગવાનના આશીર્વાદ લીધા અને અનિચ્છાએ માતાપિતા સાથે ગયો. પરંતુ સાથે તે અખૂટ આધ્યાત્મિક ખજાનો લઇ જતો હતો.

ભગવાન શ્રીરમણ જાણી શકતા હતા કે એમના ભક્તોના કેટલાક બાળકો એમના આખરી દર્શન કરવા આવ્યા હતા. એમના એક પરમ ભક્ત મહાલક્ષ્મી અમ્માના ત્રણ બાળકો ભગવાનના દર્શન કર્યા બાદ થોડા સમયમાં જ મૃત્યુ પામ્યા હતા. ભગવાન આ બાળકોની નિયતિ જાણી ચુક્યા હતા. એમણે એક ભક્ત જી.વી.સુબ્રમૈઆહની દીકરીને એક મંત્ર શીખવ્યો હતો. બાળકી તે મંત્રનો પાઠ કરતી. થોડા સમયમાં જ તે મૃત્યુ પામી.

મહાપ્રભુ શ્રીચૈતન્ય

મહાપ્રભુ શ્રીચૈતન્યનું બાળપણ

શ્રીચૈતન્યના બાળપણનું નામ નિમાઈ હતું. તેમના બાળપણમાં કેટલાક ચમત્કારિક બનાવો બન્યા હતા. એક વખત જાત્રા કરવા નીકળેલ એક બ્રાહ્મણ એમના ઘરે અતિથિ બન્યા. તેણે પોતાની રસોઈ કરી અને શ્રીકૃષ્ણના ભજન ગાવા લાગ્યો. દરમ્યાનમાં નિમાઈ ત્યાં ગયા અને બ્રાહ્મણે રાંધેલા ભાત ખાઈ ગયા. બ્રાહ્મણને બાળકની આ હરકતથી આશ્ચર્ય થયું. નિમાઈના પિતા જગન્નાથ મિશ્રના કહેવાથી તેણે ફરી રસોઈ કરી.

બ્રાહ્મણ જયારે શ્રીકૃષ્ણનું ધ્યાન ધરીને ભાત ધરાવી રહ્યા હતા ત્યારે નિમાઈ ફરી વાર ભાત ખાઈ ગયા. બ્રાહ્મણને ત્રીજી વખત રસોઈ કરવી પડી. આ વખતે ઘરના બધા જ સદસ્યો સુઈ ગયા હતા. બાળક નિમાઈએ અતિથિને પોતાના શ્રીકૃષ્ણ સ્વરૂપના દર્શન કરાવ્યા. બ્રાહ્મણને તો પોતે જેમની ભક્તિ કરતા હતા તે શ્રીકૃષ્ણના સાક્ષાત દર્શન થતાં પરમાનંદની અનુભૂતિ થઇ.

એક વખત બે ચોર નિમાઈને એના ઘરેથી ઉપાડી ગયા. તેઓ એના ઘરેણાં ચોરી લેવા માંગતા હતા. રસ્તામાં ચોરે નિમાઈને મીઠાઈ ખાવા આપી. નિમાઈએ એમની માયાવી શક્તિ વાપરીને ચોરને રસ્તા ભુલાવી દીધા. તેઓ નિમાઈના ઘર તરફ જ પાછા જવા લાગ્યા. ચોર પકડાઈ જવાની બીકે ગભરાઈ ગયા અને નિમાઈને ત્યાં મૂકીને ભાગી ગયા.

નિમાઈ ચાર વર્ષના હતા ત્યારે એક વાર રસોઈ કરી વપરાયેલા વાસણો પર બેઠા. એમની માતા આવા એંઠા થયેલા વાસણોને અપવિત્ર ગણતી હતી. નિમાઈએ માતાને સમજાવ્યું કે રસોઈ કરીને ફેંકી દીધેલા માટીના વાસણો માટે પવિત્ર અને અપવિત્ર એવું કાંઈ જ ન હોય.

આઠ વર્ષની ઉંમરે નિમાઈને પાઠશાળામાં મોકલવામાં આવ્યા. ફક્ત બે વર્ષમાં જ તેઓ વ્યાકરણ, વક્તૃત્વ, સ્મૃતિ અને ન્યાયશાસ્ત્રમાં વિદ્વાન થઇ ગયા.

મહાપ્રભુ શ્રીચૈતન્ય અને બાળકો / યુવાનો

શ્રીચૈતન્ય નવદ્વીપમાં શ્રી.બાસ મહાશયના બગીચામાં રહેતા હતા. તેઓ દિનભર ભગવદ ભજન અને નૃત્યમાં જ તલ્લીન રહેતા. એક દિવસ શ્રી.બાસના દિવંગત મોટાભાઈની ચાર વર્ષની દીકરી રડતી હતી. તેનું નામ નલિની હતું અને લોકો તેને નારાયણી કહેતા. શ્રીચૈતન્યએ તેને પૂછ્યું કે તે શા માટે રડે છે? પછી એમણે ધીમે રહીને તેને સલાહ આપી,"જો તારે રડવું જ હોય તો ભગવાન શ્રીકૃષ્ણ માટે રડ અને શ્રીકૃષ્ણનું નામસ્મરણ કર." સૌના આશ્ચર્ય વચ્ચે ચાર વર્ષની નાનકડી બાળકી 'હે શ્રીકૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ હે' એમ નામસ્મરણ કરવા લાગી. તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. શ્રીચૈતન્ય ઘણા પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા. તેઓ રોજ તેને પ્રસાદ આપતા.

એક દિવસ એમના ભક્ત શિવાનંદ સેનનો સાત વર્ષનો દીકરો એમના દર્શને આવ્યો. તે એમના પગની એક આંગળી ચાવવા લાગ્યો. શ્રીચૈતન્યએ વારંવાર તેને આંગળી છોડી દેવા કહ્યું પરંતુ બાળક નિરુત્તર રહ્યો. શ્રીચૈતન્ય સમજી ગયા કે તે બાળકને શું જોઈએ છે. શ્રીચૈતન્યએ તેને પોતાના મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. બાળકને શ્રીચૈતન્યમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા. તેણે તરત જ એક કવિતા રચી: "તે કે જે કાનમાં કુંડળ તરીકે રહે છે, જે છાતી પર નીલકંઠ રત્ન અને મોતીના હાર તરીકે રહે છે, જે વ્રજવાસીઓના શરીર પર દુનિયાભરના તમામ પ્રકારના આભૂષણો તરીકે રહે છે તે પરમ કૃપાળુ પરમેશ્વરની મોહિનીનો જય હો!"

શ્રીચૈતન્ય સાત વર્ષના બાળકના મુખે આવી કવિતા સાંભળીને અવાક થઇ ગયા. એમણે તેને આશીર્વાદ આપ્યા અને કવિ કર્ણપુર એવું નામ આપ્યું. પાછળથી આ બાળક પરમાનંદ સેન એક પ્રખ્યાત કવિ બન્યા અને તેમણે વૃંદાવનમાં વૈષ્ણવ સંપ્રદાયના સાહિત્ય અને તત્વજ્ઞાનમાં ઘણું લખ્યું. શ્રીચૈતન્ય હંમેશ માનતા કે આજના બાળકો દેશનું અને મનુષ્ય જાતિનું ભવિષ્ય છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

મહર્ષિ દયાનંદ સરસ્વતીનું બાળપણ

મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસે ટંકારામાં થયો હતો. એમનું બાળપણનું નામ મૂળશંકર હતું. એમના પિતાએ એમને ભગવાન શિવની ઉપાસના કરવાનું શીખવ્યું હતું. તેઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉપવાસ પણ કરતા. મહાશિવરાત્રીના પર્વએ દયાનંદ શિવની ભક્તિ કરવા આખી રાત જાગતા રહેતા. એક વખત એમણે જોયું કે એક ઉંદર શિવલિંગ ઉપર દોડાદોડી કરતો હતો અને શિવને ચઢાવેલો નૈવેદ્ય ખાતો હતો. આ જોઈને નાનકડા દયાનંદે સવાલ કર્યો કે જો ભગવાન શિવ પોતાનું જ એક ઉંદર સામે રક્ષણ નથી કરી શકતા તો તેઓ આટલા વિશાળ વિશ્વના તારણહાર કેવી રીતે થઇ શકે?

એમની નાની બહેન અને કાકાનું કોલેરામાં મૃત્યુ થતાં દયાનંદ જીવન અને મરણ વિષે ચિંતન કરવા લાગ્યા. તેઓ આ વિષે પ્રશ્નો પૂછવા લાગ્યા એટલે એમના માતાપિતાને ઘણી ચિંતા થવા લાગી. એમની કિશોરવયે જ સગાઇ થઇ ગઈ હતી પરંતુ એમને લગ્નબંધનમાં નહોતું બંધાવું તેથી તેઓ ઘર છોડીને ભાગી ગયા.

મહર્ષિ દયાનંદ અને યુવાનો

મહર્ષિ દયાનંદ સંસ્કૃત અને વેદના પ્રકાંડ પંડિત હતા. એમણે વેદિક પરંપરાનું જ્ઞાન આપવા આર્યસમાજની સ્થાપના કરી. ૧૮૭૬માં "ભારતીયો માટેનું ભારત" એવો સ્વરાજનો સંદેશ આપનાર તેઓ સૌપ્રથમ હતા.

તેઓ જયારે યુવાન વયના શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા ત્યારે એમનાથી ઘણા જ પ્રભાવિત થયા. તેઓ એમને વેદ અને સંસ્કૃત શીખવવા ખાસ સમય ફાળવતા. એમણે શ્યામજી વર્માને સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણા આપી. પાછળથી શ્યામજી વર્માએ ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી જે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેનું રહેઠાણ બની ગયું.

એસ.રાધાક્રિશ્નન અને શ્રીઅરવિંદ જેવા યુવાન તત્વચિંતકો દયાનંદની વેદિક વિચારસરણીથી અત્યંત પ્રભાવિત થયા હતા. મેડમ કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, વિનાયક સાવરકર, મદનલાલ ધીંગરા, રામપ્રસાદ બિસ્મિલ, મહાદેવ ગોવિંદ રાનડે, લાલા લાજપતરાય વિ. યુવાન સ્વાતંત્ર્ય સેનાનીઓ એમના પ્રભાવ હેઠળ આવી એમના અનુયાયી બની ગયા હતા. એમના ઘણા બધા પ્રભાવક કાર્યોમાંનું એક એ એમનું પુસ્તક "સત્યાર્થ પ્રકાશ" જેનું ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં અમૂલ્ય પ્રદાન રહ્યું છે.

એમણે શીખવ્યું કે "બધા જ કાર્યો માનવસમાજને ઉપયોગી થાય એવા ધ્યેય સાથે જ કરવા જોઈએ." એમણે મૂર્તિપૂજાનો વિરોધ કર્યો. એમણે સ્ત્રી સમાનતાની પણ હિમાયત કરી. મહર્ષિ દયાનંદ ઓગણીસમી સદીના ઉત્તરાધમાં ભારતના નવયુવકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.

શ્રીમદ્ રાજચંદ્ર

આત્મજ્ઞાની, ઉચ્ચ કોટિના આધ્યાત્મિક પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજી 'મહાત્મા' તરીકે ઓળખાયા તે પહેલાં, જયારે તેઓ માત્ર મોહનદાસ ગાંધી જ હતા ત્યારે તેઓ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્ રાજચંદ્ર એ સદીઓમાં ભાગ્યે જ અવતરે એવી મહાન વિભૂતિ હતા. એમના વિષે વિશેષ જાણકારી એમના પરના પુસ્તકોમાંથી મેળવીને અચૂક વાંચવી.

શ્રીમદ્ રાજચંદ્રનું બાળપણ

શ્રીમદ્ રાજચંદ્રનું બાળપણનું નામ રાયચંદ હતું. એમના માતા જૈન અને પિતા વૈષ્ણવ હોવાથી એમને બંને સંપ્રદાયોની વિશેષ સમજ મળી. બાળપણથી જ એમનું મન આધ્યાત્મિક બાબતો તરફ વળેલું હતું અને એમને સાંસારિક બાબતો પ્રત્યે રુચિ નહોતી.

રાયચંદ સાત વર્ષના હતા ત્યારે ગામના એક સાજાનરવા પુરુષનું સર્પદંશથી મૃત્યુ થયું. રાયચંદને મૃત્યુ એટલે શું તે જાણવાની તાલાવેલી થઇ. એમણે એમના દાદાને આ અંગે પૂછ્યું પરંતુ દાદાએ બાળકને આવી વાત ન કરવા કહ્યું. એમણે જીદ ન છોડી એટલે દાદાએ કહ્યું કે જયારે આત્મા શરીર છોડી જાય ત્યારે મૃત્યુ થયું કહેવાય. રાયચંદ છાનામાના સ્મશાન પહોંચી ગયા અને મૃતદેહના અગ્નિસંસ્કાર થતા જોયા. તેઓ જન્મ, મૃત્યુ, આત્મા સંબંધી ખુબ જ વિચારવા લાગ્યા. એમને એમના આગલા જન્મોની સ્મૃતિ પણ થઇ.
રાયચંદ એક અસાધારણ બુદ્ધિશાળી બાળક હતા. તેઓ સાત વર્ષની વયે શાળામાં દાખલ થયા પરંતુ ફક્ત બે વર્ષમાં જ સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી દીધો. આઠ વર્ષની વયથી તેઓ કાવ્યો લખવા લાગ્યા. એમણે એક વર્ષમાં જ ૫૦૦૦ શ્લોકો લખી નાંખ્યા. નવ વર્ષની વયે એમણે રામાયણ અને મહાભારત પર કાવ્યો લખ્યા. ૧૦ વર્ષની વયે તેઓ જાહેરમાં વ્યાખ્યાન આપતા થઇ ગયા. ૧૧ વર્ષની વયે તેઓ બુદ્ધિપ્રકાશ જેવા સામયિકમાં લખવા લાગ્યા. એમના લેખો અને નિબંધો ખુબજ વખણાયા અને એમને ઘણા ઇનામો મળ્યા. તેઓ યુવા કવિ તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ કચ્છના મહારાજના લહિયા તરીકે પણ જતા અને એમના અક્ષરો ખુબ જ પ્રસંશા પામ્યા. ૧૩ વર્ષે તેઓ પિતાની દુકાને બેઠા. ત્યાં એમણે રામ અને કૃષ્ણ ઉપર કાવ્યો લખ્યા.

શ્રીમદ્ રાજચંદ્ર અને બાળકો / યુવાનો

શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાની હતા. તેઓ એક સાથે જ ૧૦૦ જુદી જુદી ક્રિયાઓ કરી શકતા. મુંબઈમાં એમના શતાવધાનના પ્રયોગો થયા અને એમને ઘણી જ પ્રસિદ્ધિ મળી. પરંતુ એમને પૈસા કે પ્રસિદ્ધિમાં કોઈ જ રસ નહોતો. એમણે વિચાર્યું કે આત્મસાક્ષાત્કારના માર્ગે આવી શતાવધાન જેવી સિદ્ધિઓ કોઈ જ કામની નથી એટલે એમણે આવા પ્રયોગો બતાવવાનું છોડી દીધું.

તેઓ સતત આત્મસાક્ષાત્કાર માટે જ વિચારતા અને એમાં જ મગ્ન રહેતા. તેમજ અન્યને પણ એ બાબતે યોગ્ય માર્ગદર્શન આપતા. તેઓ યુવાનોને મક્કમતાથી સાચી સમજ આપતા. સાઉથ આફ્રિકામાં રહેતા મોહનદાસ ગાંધીને તેઓ પત્ર વ્યવહારથી આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. મોહનદાસને જયારે પણ કોઈ મૂંઝવણ થતી ત્યારે તેઓ શ્રીમદ્ પાસેથી જ માર્ગદર્શન મેળવતા. શ્રીમદ્ રાજચંદ્રએ એમને હિન્દુ ધર્મનો ગહન અભ્યાસ કરવાની પ્રેરણા આપી અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવા શીખવ્યું. ગાંધીજીને અહિંસાના પૂજારી બનાવવામાં શ્રીમદ્ રાજચંદ્રનું જ અમૂલ્ય યોગદાન છે. આમ, મોહનદાસ ગાંધીને સાચા અર્થમાં મહાત્મા બનાવનાર શ્રીમદ્ રાજચંદ્ર હતા!

શ્રીમદ્ બાળકોને પણ અત્યંત સરળતાથી આધ્યાત્મિક સમજ આપી શકતા. એક વખત તેઓ થોડા બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. એમણે બાળકોને પૂછ્યું કે તમે ઘી અને છાશ લઈને જતા હો ત્યારે જો કોઈ એક ચીજ ફેંકી દેવી પડે તો તમે શું ફેંકી દો અને શું બચાવી લો? ગિરધર નામના એક બાળકે ઉત્તર આપ્યો કે છાશ ફેંકી દઈને ઘી બચાવી લેવું જોઈએ કારણકે છાશ તો કોઈ તરત જ આપી દે પણ ઘી જલ્દી ન મળે. શ્રીમદ્એ બાળકોને સમજાવતાં કહ્યું કે આવી જ રીતે આત્મા અને શરીર અંગે વિચારવું જોઈએ. આત્મા એ ઘીની જેમ અતિ કિંમતી છે અને અવિનાશી છે. જયારે શરીર તો નાશવંત છે. આપણે નાશવંત શરીરને જ મહત્વ આપતાં રહીએ અને અવિનાશી આત્મા પ્રત્યે અજ્ઞાન રાખીએ તે બરાબર ન કહેવાય.

મધર ટેરેસા

મધર ટેરેસા નું બાળપણ

મધર ટેરેસાના બાળપણનું નામ એગ્નેસ હતું. તેમનું જન્મ સ્થળ અને વતન ઓટોમન (હવે રિપબ્લિક ઓફ મેસેડોનિયા) હતું. તેઓ ફક્ત આઠ વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. એમના માતાએ એમનો ઉછેર કર્યો હતો. એગ્નેસ રોમન કેથલિક ચર્ચની વિચારસરણીમાં મોટા થયા હતા. એમણે બહુ નાની ઉંમરે જ પોતાનું સમગ્ર જીવન ઈશ્વર કાર્યોમાં જ સમર્પિત કરી દેવાનો નિર્ણય કર્યો હતો. અઢાર વર્ષની ઉંમરે "સિસ્ટર્સ ઓફ લોરેટો" નામના જૂથમાં જોડાયા અને ભારત આવીને ધર્મપ્રચારક બન્યા. ભારત આવતાં પહેલાં તેમણે અંગ્રેજી શીખવું જરૂરી હતું. આથી તેઓ આયર્લેન્ડમાં એક વર્ષ રોકાઈને "લોરેટો એબે"માં અંગ્રેજી શીખ્યાં.

મધર ટેરેસા અને બાળકો / યુવાનો

સિસ્ટર ટેરેસા તરીકેના તેમની શરૂઆતના જીવનમાં તેઓ કલકત્તામાં શ્રીમંત પરિવારોની દીકરીઓ ભણતી તે સેન્ટ મેરી હાઈ સ્કૂલમાં ઇતિહાસ અને ભૂગોળ ભણાવતા. તેઓ ત્યાં ૧૫ વર્ષ રહ્યાં અને તેમને આ શિક્ષણ કાર્ય ગમતું પણ હતું. પરંતુ આજુબાજુના ગરીબ લોકો જોઈને તેઓ સતત દુઃખી રહેતાં.

ઈ.સ.૧૯૪૮થી તેઓ ઝુંપડપટ્ટીમાં જઈને ગરીબ બાળકો માટે કાર્ય કરવા લાગ્યા. ધનિક વર્ગના બાળકોને ભણાવવાના એમના અનુભવને આધારે તેઓ ગરીબ બાળકોને ભણાવવા લાગ્યા. એમની પાસે ભણાવવા માટે કોઈ જ સાધનો નહોતા. તેઓ લાકડીથી કાદવમાં લખીને ભણાવવા લાગ્યા. અક્ષરજ્ઞાન આપવા ઉપરાંત તેઓ બાળકોને પ્રાથમિક સ્વચ્છતા અંગે પણ સમજાવતા. તેઓ બાળકોના કુટુંબીજનોને મળતા, તેમની જરૂરિયાતો વિષે જાણકારી મેળવતા અને જે કાંઈ પણ મદદ કરી શકાય તે કરતા.

મધર ટેરેસાનું પ્રથમ અનાથાશ્રમ ૧૯૫૩માં શરુ થયું. તેઓ અનાથ બાળકોને માતાનો પ્રેમ આપતા. એમણે અનાથ બાળકોની સારી રીતે સુશ્રુષા કરવા માટે ખ્રિસ્તી ધર્મની સન્યાસિનીઓ પણ તૈયાર કરી. અત્યારે તો દેશમાં અનેક સ્થળોએ મિશન ઓફ ચેરિટી દ્વારા અનાથાશ્રમો ચાલે છે.


શ્રી.પ્રમુખ સ્વામી

શ્રી.પ્રમુખ સ્વામીનું બાળપણ

સ્વામીશ્રીનો જન્મ ચાણસદ નામના નાના ગામમાં થયો હતો. એમના બાળપણનું નામ શાંતિલાલ હતું. બાળક શાંતિલાલ ભણવામાં ખુબ જ હોશિયાર હતા. એમણે જયારે ચાણસદથી ૬ કી.મી. દૂર આવેલા પાદરામાં ભણવા જવાનું શરુ કર્યું ત્યારે તેઓ ત્યાં વહેલા સમયસર પહોંચી જવાના આગ્રહી હતા. એમના બાળપણના મિત્ર અંબાલાલ ત્યારની વાત યાદ કરતાં કહેતા, "હું આળસુ હતો. પરંતુ શાંતિલાલ તો હંમેશા સમયસર જ ઘરેથી નીકળી જવાનું કહેતા. અમને બંનેને સાયકલ પર જવામાં ઘણો સમય લાગતો. જયારે ટેકરી ઉપર ચઢવાનું આવતું ત્યારે હું સાયકલ પરથી ઉતરી જતો અને શાંતિલાલ મને પાછળ બેસાડી સાયકલ ચલાવતા. તેઓ કોઈ પણ ફરિયાદ વગર ટેકરી ઉપર સાયકલ ચઢાવી દેતા". તેઓ ખુબ જ તંદુરસ્ત હતા.

થોડા સમય બાદ એમના પિતાશ્રી મોતીભાઈએ એમને ૧૬ રૂપિયાની 'હર્ક્યુલસ' સાયકલ અપાવી. શાંતિલાલ રોજ આ સાયકલ પર જમવાનું ટિફિન અને પાણીની બોટલ લઇને શાળાએ જતા. એમનું જમવાનું ખુબ જ સાદું રહેતું. ઢેબરાં, વડાં, પુરી અને અથાણું - આ એમનું રોજનું ભોજન હતું. આવા સાદા ભોજન પાછળનો હેતુ એ હતો કે જમવામાં અને ભોજન વિષે વિચાર કરવામાં ઓછો સમય જાય અને ભણવામાં વધારે સમય આપી શકાય.

શાળાના સમય બાદ શાંતિલાલ એમનો નવરાશનો સમય હનુમાન ગઢી મંદિર, સત્યનારાયણ મંદિર કે સ્વામિનારાયણ મંદિરમાં વ્યતીત કરતા. સ્વામિનારાયણ મંદિરમાં બેસીને એમણે હરિદાસ બાવાજી પાસેથી હરિદ્વાર અને ઋષિકેશની વાતો સાંભળી હતી. આ વાતો સાંભળીને એમને શાંતિલાલ નામના એમના મિત્ર સાથે આ પવિત્ર યાત્રાધામોમાં જવાની ઈચ્છા થઇ.

અભ્યાસ, ભજન ગાવા અને પ્રભુ ભક્તિ કરવા ઉપરાંત શાંતિલાલને રમતગમતનો પણ ઘણો શોખ હતો. ક્રિકેટ અને તરણ એમની પ્રિય રમત હતી.

શ્રી.પ્રમુખ સ્વામી અને બાળકો / યુવાનો

શ્રી.પ્રમુખ સ્વામીના બાળકો અને યુવાનો સાથેના પ્રસંગો લખવા જઈએ તો એક મોટું પુસ્તક લખાય! એટલા બધા પ્રસંગો છે કે થોડા પાનાંમાં સમાવવું શક્ય જ નથી. આથી અહીં માત્ર થોડા પ્રસંગો જ આપ્યા છે.

અમદાવાદમાં બીએપીએસ સંસ્થાના શતાબ્દી સમારંભમાં બાળકો 'જોડીદાર શોધો' એવી રમત રમતા હતા. આ રમતમાં બાળકોએ અમુક સંખ્યામાં જોડી બનાવવાની હતી. જે બાળક રહી જાય તે રમતમાંથી બહાર નીકળી જાય. બાળકોએ પાંચ પાંચ બાળકોના સમૂહ બનાવવાથી શરૂઆત કરી. તેઓ ૩૫ બાળકો હતા તેથી સાત સમૂહ બની ગયા. કોઈ પણ બાળક રહી ન ગયું.


પછી બાળકોએ બે બે ની ટુકડી બનાવી. બધા બાળકો જોડીદાર બનાવવા દોડા દોડી કરવા લાગ્યા. બાળકોએ ૧૭ ટુકડી બનાવી. પરંતુ આ વખતે નાનકડો રાહુલ રહી ગયો.

બધા કહેવા લાગ્યા, “રાહુલ આઉટ થઇ ગયો. રાહુલ આઉટ થઇ ગયો.” થોડીક ક્ષણો માટે તો રાહુલને કાંઈ સમજ ના પડી કે શું કરવું. પણ એકદમ જ તેને એક વિચાર આવ્યો. તે સ્વામીશ્રી અને મહાનુભાવો બેઠા હતા ત્યાં દોડી ગયો. એના શિક્ષકે એને રોક્યો કે રાહુલ તું આઉટ થઇ ગયો છે.

રાહુલ બોલ્યો, "હું આઉટ નથી."

એના શિક્ષકે પૂછ્યું, "એમ? તો તારો જોડીદાર કોણ છે?"

રાહુલ સ્વામીશ્રી તરફ આંગળી ચીંધીને મક્કમતાથી બોલ્યો, "મારા મિત્ર પ્રમુખ સ્વામી મારા જોડીદાર છે. હું આઉટ નથી."

કોઈ કશું વિચારે એ પહેલાં તો તે સીધો જ સ્વામીશ્રી પાસે દોડી ગયો અને એમને કહેવા લાગ્યો, “સ્વામી બાપા! જુઓ આ બધા જ મારા મિત્રો છે. પરંતુ અત્યારે તો માત્ર તમે જ મારા મિત્ર છો. તમે માત્ર મારા જ નથી. તમે તો આખા વિશ્વના છો. તમે તો હંમેશના સાથી છો.” આમ કહી રાહુલે એના હાથ સ્વામીશ્રી તરફ લંબાવ્યા અને પૂછ્યું, “સ્વામીશ્રી, તમે શું કહો છો? તમે તો બધાના મિત્ર છો. બરાબર ને?”

સ્વામીશ્રીએ એમનો હાથ લંબાવ્યો અને રાહુલના પંજા સાથે પંજો મારી તેની વાતને અનુમોદન આપ્યું! લગભગ સવા લાખ ભક્તોની સભા આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઇ ગઈ. સ્વામીશ્રીનો બાળકો સાથે આવો દિવ્ય સંબંધ હતો! રાહુલની અને સભામાં હાજર અન્ય કેટલાયની આંખોમાં આંસુ આવી ગયા.

એક વખત એક બાળકે શ્રી. પ્રમુખ સ્વામીને પૂછ્યું, “બાપા, તમને સૌથી વધારે શું ગમે?” સ્વામી બાપાએ જવાબ આપ્યો, “તમે સૌ ભજન ગાવ અને ભક્તિ કરો તે મને બહુ ગમે. તમે સૌ બાળમંડળમાં આવો અને પ્રાર્થના કરો તે મને બહુ ગમે. તમે સૌ ખંતપૂર્વક શાળાનો અભ્યાસ કરો તે મને બહુ ગમે. મને આવું બધું બહુ જ ગમે.”

સ્વામીશ્રી હંમેશા એમના ભક્તોને ઘરે પધરામણી કરતા. તેઓ ઘણા વૃદ્ધ થયા પછી જ કારનો ઉપયોગ કરતા થયા. બાકી તો તેઓ શહેરમાં હોય ત્યારે રીક્ષા અને ગામડામાં હોય ત્યારે ગાડામાં જ મુસાફરી કરતા. તેઓ ઘણી વાર લાબું અંતર ચાલીને જતા. એક દિવસ તેઓ અમદાવાદમાં એક ભક્તને ઘરે જઈ રહ્યા હતા.

શહેરના ટ્રાફિકમાં રીક્ષા ઘણી ધીમી ચાલતી હતી. ત્યાં અનુપ નામના એક બાળકે એમને જોયા અને તેમના દર્શન કરવા રીક્ષાની સાથે સાથે દોડવા લાગ્યો. સ્વામીશ્રીએ રીક્ષા ઉભી રખાવી અને અનુપને બેસાડી દીધો. અનુપે એમને વિનંતી કરી કે તેઓ કોઈક દિવસ તેના ઘરે પણ આવે.
સ્વામીબાપા કહે, “કોઈક દિવસ શા માટે? ચાલ, આપણે અત્યારે જ જઇએ!” એમણે રીક્ષા અનુપના ઘરે લેવરાવી. પછી એમણે અનુપને બીજે દિવસે મંદિરે આવીને પ્રસાદ લઇ જવા કહ્યું.

આપણે માની શકીએ કે આવા મહાન સંત એક નાનકડા બાળકની વિનંતી તરત જ સ્વીકારી લે અને એમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચેથી પણ તેના ઘરે જાય? આવું બધું તો સ્વામીબાપા માટે એકદમ સાહજિક હતું!

સ્વામીબાપા હંમેશા શાકાહારી ખોરાક ખાવાનો જ ઉપદેશ આપતા. એક વાર લંડનના એક યુવકે એમને જણાવ્યું કે ડોક્ટરે એને ઈંડાં ખાવાનું કહ્યું છે.

સ્વામીશ્રીએ એને કહ્યું, "ડોકટર અને મિત્રો તો તને એવું જ કહેશે. પણ મારી સામે જો. હું માંસાહાર નથી કરતો તેમ છતાં હું જીવું છું ને? કોઈ મરતું નથી. આપણા ઋષિઓ હિમાલયમાં હજારો વર્ષોથી દિગંબર અવસ્થામાં રહે છે. પશ્ચિમ સંસ્કૃતિ આપણને બદલી નાખવા માંગે છે. તેઓ આપણને આપણી સંસ્કૃતિથી વિમુખ કરી દેવા માંગે છે. તેથી જ તેઓ આવી સલાહ આપતા હોય છે. ખાવા માટે ઘણી ચીજ છે. દૂધ અને ઘી ખાઓ. તે ઈંડાં કરતાં વધારે પૌષ્ટિક છે અને શરીરને મજબૂત બનાવે છે. કોઈ તમારા શરીર પર કાપો મૂકે તો તમને દુઃખ નહીં થાય? આ પ્રાણીઓને વેદના નહીં થતી હોય? આ યુરોપિયનો આપણા દેશમાં ૧૫૦ વર્ષ રહ્યા છતાં એમણે આપણા રીત રિવાજ અપનાવ્યા? તો સોગંદ લે કે આપણે આપણા વારસાનું રક્ષણ કરવાનું જ છે!"

એમણે તે યુવકની જમણી હથેળીમાં પાણી મૂકી તેની પાસે ક્યારેય માંસાહાર ન કરવાનું પણ લેવરાવ્યું.

પ્રમુખસ્વામી એવા એક યુવાનને જાણતા હતા જેને ધુમ્રપાન કરવાની અને શરાબ પીવાની કુટેવ હતી. સ્વામીશ્રીએ તેને ભારપૂર્વક આ કુટેવ છોડી દેવા કહ્યું, "તું એક સારા ખાનદાન કુટુંબમાંથી આવે છે. પરંતુ તારી આ કુટેવ તારા કુટુંબની આબરૂ પર ડાઘ સમાન છે. સોનાની થાળી દેખાવમાં અતિ સુંદર હોય છે પણ તેમાં જો લોખંડની ખીલી ઠોકી દઈએ તો તે પહેલાં જેવી સુંદર અને કિંમતી રહેશે? તારી આ કુટેવ તારા કુટુંબની આબરૂ વધારશે કે કલંક લગાડશે?"

તે યુવાનના ચહેરા પર પસ્તાવાની રેખા ઉપસી આવી. સ્વામીશ્રીના શબ્દોએ તેના હૃદય પર ઘેરી અસર કરી. તેણે સ્વામીશ્રીના આશીર્વાદ લઇ એમને વચન આપ્યું કે તે આ કુટેવ છોડી દેશે.

એક વખત સ્વામીબાપા સુરતમાં કાંતિભાઈને ઘરે પાંચ દિવસ રહ્યા. કાંતિભાઈનો દીકરો દિવ્યાંત સ્વામીશ્રીના ઘણા ફોટો લેતો હતો. સ્વામીબાપાએ તેને કહ્યું, "દિવ્યાંત, તું આવા સરસ ફોટો લેતાં શીખી ગયો છે. પરંતુ જેવી રીતે તેં આ ફોટા લીધા તેમ તારા હૃદયમાં પણ એક ફોટો રાખજે જેને તું કયારેય ગુમાવે નહીં..."

સ્વામીશ્રીએ આપણને સૌને બહુ સરસ પાઠ શીખવી દીધો. કેમેરામાં લીધેલા ફોટા તો ક્યારેક ખોવાઈ જાય અથવા આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણી પાસે ન પણ હોય. સ્વામીશ્રીની મૂર્તિ સાચવી રાખવાની સૌથી સુરક્ષિત જગ્યા તો આપણા હૃદયમાં - આપણા આત્મામાં જ છે. આથી આપણે ક્યારેય પણ જ્યાં પણ હોઈએ ત્યાં આપણે એમના દર્શન કરી શકીએ.

એક વખત લંડનથી કેટલાક બાળકો અમદાવાદના મંદિરે આવ્યા હતા. પ્રમુખસ્વામી તેમને મૂર્તિઓની મહત્તા સમજાવતા હતા. એમણે કાવડમાં માતા પિતાને બેસાડી યાત્રા કરવા જતા શ્રવણની મૂર્તિ બતાવી અને બાળકોને પૂછ્યું, "શ્રવણ એના માતા પિતાને યાત્રા કરવા લઇ જાય છે. તમારા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તમે એમને ક્યાં લઇ જશો?"

લંડનથી આવેલા બાળકોએ સાહજિકતાથી ઉત્તર આપ્યો, "ઘરડા ઘરમાં."

સ્વામીશ્રીએ એમને કહ્યું, "શ્રવણ એના માતા પિતાને યાત્રા કરવા લઇ ગયો. આ આપણી સંસ્કૃતિ છે. આપણે છેવટ સુધી આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ."

સ્વામીબાપા ઘણી વાર કહેતા, "તમારે રોજ તમારા માતા પિતાને પ્રણામ કરવા જોઈએ. માતા પિતાની ઈચ્છા મુજબ વર્તવું જોઈએ. એમની વાત સાંભળવી જોઈએ. કારણ વગર ફરિયાદો ન કરવી જોઈએ. ઘરના વડીલોને માન આપવું જોઈએ. તમે જયારે મોટા થાવ ત્યારે એ ન ભૂલવું કે તમારા માતા પિતાએ તમારા માટે શું કર્યું છે."

મહાત્મા ગાંધીજી

મહાત્મા ગાંધીજીનું બાળપણ

ગાંધીબાપુના બાળપણનું નામ મોહન હતું. તેઓ રાજકોટની શાળામાં ભણતા હતા. તેઓ અભ્યાસમાં બહુ હોશિયાર નહોતા પણ તેમને વાંચનનો શોખ હતો. એક વખત એમણે શ્રવણની વાર્તા વાંચી. શ્રવણ તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવતો. મોહન શ્રવણની આવી ભક્તિથી ઘણા જ પ્રભાવિત થયા. એમણે પણ તેમના માતા પિતાની સેવા કરવાનો નિશ્ચય કર્યો.

એક વખત મોહને રાજા હરિશ્ચન્દ્રના જીવન પરનું નાટક જોયું. હરિશ્ચન્દ્રએ એમનું રાજ્ય ગુમાવી દીધું હતું અને સત્યપાલન માટે ઘણું જ દુઃખ સહન કર્યું હતું. મોહન આ નાટક જોઈને ગદગદિત થઇ ગયા. એમણે હંમેશા સત્યપાલન કરવાનો નિશ્ચય કર્યો અને હરિશ્ચન્દ્રની જેમ સત્યપાલક અને પ્રામાણિક બનવાનો નિર્ધાર કર્યો.

બાળપણમાં મોહન ઘણા જ ડરપોક હતા. એમને રાતના અંધારામાં પોતાના ઘરમાં પણ બહુ જ બીક લાગતી. એમને ભૂતપ્રેત, ચોર અને સાપનો ડર લાગતો. એમના ઘરમાં રમાબા નામની નોકરાણી હતી. રમાબાએ એક વાર મોહનને કહ્યું, "તું આટલો બધો ડરે છે શું કામ? રામ નામ લે. રામ તારું રક્ષણ કરશે. જે રામનામ લેતા હોય તેને ક્યારેય ડર નથી લાગતો."

મોહન આ શબ્દોથી ઘણા જ પ્રભાવિત થયા. એમણે રામનામનું રટણ શરુ કર્યું. ઉંમર વધવા સાથે એમની રામ ઉપરની શ્રદ્ધા પણ વધવા લાગી. એમણે એમના તમામ કાર્યો ભગવાનને સમર્પિત કરી દીધા હતા. દેહ છોડતી વખતે એમના છેલ્લા શબ્દો હતા, "હે રામ!"

મોહનના પિતા કરમચંદ ગાંધી કબા ગાંધી તરીકે ઓળખાતા. પહેલાં તેઓ પોરબંદરના દીવાન હતા અને પછીથી રાજકોટના દીવાન બન્યા. રાજકોટના ઘરે એમના પારસી અને મુસ્લિમ મિત્રો આવતા અને પોતાના ધર્મોની સારી સારી વાતો કહેતા. મોહન પિતા પાસે બેસીને આ વાતો સાંભળતા. આનાથી એમના મનમાં દરેક ધર્મો પ્રત્યે આદરભાવ પ્રગટ્યો.

મહાત્મા ગાંધીજી અને બાળકો / યુવાનો

મહાત્મા ગાંધીજીના બાળકો સાથેના એટલા બધા પ્રસંગો છે કે તે બધા જ અહીં સમાવી શકાય તેમ નથી. ઘણા પ્રસંગો તો તમારા અભ્યાસક્રમમાં આવતા હોવાથી હું અહીં કેટલાક ઓછા જાણીતા પ્રસંગો વર્ણવવાનો પ્રયાસ કરું છું.

ગાંધીબાપુને બાળકો બહુ જ વહાલાં હતા. ગાંધીબાપુ દલિતોના ઉદ્ધાર માટે પણ ઘણા જ પ્રયત્નશીલ હતા. એમણે લક્ષ્મી નામની એક દલિત બાળાને પોતાની દીકરી તરીકે દત્તક લઇને સમાજને એક ઉમદા ઉદાહરણ આપ્યું હતું. લક્ષ્મી બાપુ સાથે આશ્રમમાં જ રહેતી અને બાપુએ તેનો એમની સગી દીકરીની જેમ જ ઉછેર કર્યો હતો.

બાપુ આશ્રમના બાળકોને એમની સાથે સાંજે ચાલવા લઇ જતા. તેઓ બાળકોને આશ્રમની પાછળ સાબરમતી નદીના કિનારે લઇ જતા. તેઓ બાળકોને નદીમાં તરવા માટે પ્રોત્સાહિત કરતા. તેઓ બાળકો માટે તરણ સ્પર્ધા પણ યોજતા. કોઈ વાર તો તેઓ સ્વયં બાળકો સાથે તરણ સ્પર્ધા કરતા!

બાપુ ઘણી વાર બાળકોને ભોજન પણ પીરસતા. તેઓ બાળકો માટે એકપાત્રીય અભિનય પણ કરાવતા. તેઓ બાળકો પાસે રામાયણ અને મહાભારતનો અભિનય કરાવતા.

ગાંધીજીના અંગત મદદનીશ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ એમની ગાંધી કથા માટે પ્રખ્યાત થયા છે. એમણે ગાંધીજીનો સંદેશ ગાંધીકથા મારફતે લોકો સુધી પહોંચાડયો. તેઓ બાપુ સાથે ૨૫ વર્ષ રહ્યા હતા. પ્રાર્થના વખતે તેઓ બાપુના ખોળામાં બેસતા. ઘણી વાર બીજા કેટલાક બાળકો પણ પ્રાર્થના વખતે બાપુના ખોળામાં બેસી જતા.

એક વખત બાળકોએ પ્રાર્થના દરમ્યાન ગેરવર્તણુંક કરી. તેમણે આશ્રમના કેટલાક લોકોની નકલ કરી. આ લોકોએ બાપુને ફરિયાદ કરી. પરંતુ બાપુ બિલકુલ ગુસ્સે ન થયા. એમણે કહ્યું કે બાળકો પ્રાર્થના દરમ્યાન ચૂપચાપ બેસી રહે તે શક્ય જ નથી. બાપુ શિસ્તના ચુસ્ત આગ્રહી હોવા છતાં કોઈ વાર બાળકો સવારની પ્રાર્થનામાં હાજર ન રહી શકે તો પણ ગુસ્સે ન થતા.

બાપુ અહિંસાના પણ ચુસ્ત આગ્રહી હતા છતાં તેઓ આ બાબતે વ્યાવહારિક વલણ અપનાવતા. એક વાર કેટલીક યુવાન છોકરીઓએ એમને પૂછ્યું કે ખરાબ માણસો તેમને હેરાન કરતા હોય તો શું કરવું? ગાંધીબાપુએ તેમને કહ્યું કે તેઓએ નીડર બનવું જોઈએ અને આવા માણસોને શરણે જવાને બદલે તેમનો સામનો કરવો જોઈએ. તેમના સ્વરક્ષણ માટે તેઓ ચપ્પુ પણ રાખી શકે!

ભગતસિંહ

ભગતસિંહનું બાળપણ

એક સાંજે પંજાબના એક ગામમાં ૩ વર્ષના બાળક ભગતસિંહ તેમના પિતા સાથે ફરવા નીકળ્યા. તેમના પિતાની સાથે તેમના મિત્ર પણ હતા. તેઓ ખેતર પાસેથી વાતો કરતા કરતા ચાલતા હતા. અચાનક ભગતસિંહના પગરવ સંભળાતા બંધ થયા એટલે તેમના પિતાએ પાછળ વળીને જોયું તો બાળક નીચે બેસીને કશુંક વાવવાનો પ્રયત્ન કરતો હતો.

તેમના પિતાએ આશ્ચર્ય સાથે ભગતસિંહને પૂછ્યું, "બેટા, તું શું વાવી રહ્યો છે?" બાળકે નિર્દોષતાથી જવાબ આપ્યો, "બાપુજી, હું આખા ખેતરમાં બંદૂક વાવવા માંગુ છું." તેની આંખોમાં ચમક હતી કે તે ખેતરમાં બંદૂકો વાવી શકશે. બાળપણથી જ ભગતસિંહને દેશ માટે કાઇંક કરી છૂટવાની ધગશ હતી.

ભગતસિંહ શાળામાં ભણતા હતા ત્યારે એમણે એમના સહાધ્યાયીઓને પૂછ્યું, "તમે મોટા થઈને શું બનવા માંગો છો? દરેક છોકરાએ જુદા જુદા જવાબ આપ્યા. કોઈકને ડોક્ટર બનવું હતું, કોઈકને સરકારી અધિકારી બનવું હતું, કોઈકને વેપાર કરવો હતો. એક છોકરાએ કહ્યું, "હું મોટો થઈને પરણવા માંગુ છું."
ભગત સિંહ બોલ્યા, "પરણવું એ શું કોઈ સિદ્ધિ હાંસલ કરવા જેવું છે? કોઈ પણ લગ્ન કરી શકે. હું તો મોટો થઈને આપણા દેશમાંથી અંગ્રેજોને ભગાડી મુકીશ." ભગતસિંહની નસોમાં બાળપણથી જ દેશભક્તિ છલકાતી હતી.

જલિયાંવાલા બાગના નિર્દયી હત્યાકાંડ પછી ૧૨ વર્ષના ભગતસિંહ ખુબ જ વ્યથિત થઇ ગયા હતા. તેઓ આ ઘટનાના બીજા દિવસે શાળાએ ન ગયા પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા. ત્યાં એમણે નિર્દોષ લોકોના રક્તથી ખરડાયેલ માટી એક શીશીમાં ભરી અને તે શીશી ઘરે લઇ ગયા. ત્યાર બાદ તેઓ રોજ આ માટી ભરેલી શીશીની પૂજા કરવા લાગ્યા.

ભગતસિંહ અને બાળકો / યુવાનો

ફક્ત ૨૩ વર્ષના પોતાના અતિ અલ્પ જીવનમાં પણ ભગતસિંહે નવી પેઢીને ઘણી શીખ આપી છે. ભગતસિંહનું એક વાક્ય ઘણું જાણીતું છે - "જિંદગી તો અપને દમ પે જી જાતી હૈ. દૂસરોંકે કંધે પર તો સિર્ફ જનાજે ઉઠાયે જાતે હૈ." - એટલે કે, "જિંદગી તો આપણી પોતાની તાકાત પર જ જીવવાની હોય છે. બીજાનો સહારો તો અર્થી ઉઠાવવા માટે જ લેવાનો હોય." - આ વાક્ય આપણને શીખવે છે કે આપણે બીજાને સહારે નહિ બલ્કે આપબળે જ જીવવાનું છે.

ભગતસિંહ માનતા કે વિચારોના આદાનપ્રદાન કરવાથી, મુક્તપણે ચર્ચા કરવાથી અને તેને અમલમાં મુકવાથી જ ક્રાંતિ સર્જાય છે.
એમણે લખ્યું છે - "ક્રાંતિની તલવાર વિચારોના પથ્થર પર ઘસવાથી જ ધારદાર બને છે." એમણે આપણને નવા નવા વિચારો કરી, જગત સાથે આદાનપ્રદાન કરવાનું શીખવ્યું.

ભગતસિંહે કહ્યું છે, "સામાન્યપણે લોકો ચીલાચાલુ ઘરેડથી જ ટેવાઈ ગયા હોય છે અને બદલાવના વિચાર માત્રથી જ ગભરાઈ જાય છે. આ ગાફેલપણું દૂર કરીને ક્રાંતિની જવાળા પ્રગટાવવી જોઈએ. નહીંતર સમાજ અવળે રસ્તે ફંટાઈને અધોગતિ પામશે. આવી સ્થિતિ માનવ વિકાસ માટે અડચણરૂપ બની જશે." એમણે આપણને આરામદાયક જીવન જીવ્યા કરવા કરતાં સમાજમાં બદલાવ લાવીને વિકાસ કરવાનું શીખવ્યું.

ચંદ્રશેખર આઝાદ

ચંદ્રશેખર આઝાદનું બાળપણ

બાળપણમાં ચંદ્રશેખર આઝાદ ખુબ જ બહાદુર અને નીડર હતા. એક વખત દિવાળીમાં એમણે બપોરીયા એમની હથેળીમાં સળગાવ્યા હતા. એમની હથેળી ખરાબ રીતે દાઝી ગઈ હતી એટલે એમને લાગ્યું કે એમના પિતા બહુ ગુસ્સે થશે. તેઓ ઘર છોડી જંગલમાં ભાગી ગયા!

તેઓ બાળપણમાં એમના ગામની શાળામાં ભણવા તો બેઠા પરંતુ એમને ભણવામાં ખાસ રસ પડતો નહિ. તેઓ આદિવાસી છોકરાઓ સાથે રખડયા કરતા અને તીર કામઠાં રમકડાં હોય એમ રમ્યા કરતા. એમને ગ્રામ્ય જીવન બહુ પસંદ નહોતું પડતું એટલે તેઓ કોઈને કહ્યા વિના ઘર છોડી ભાગી ગયા. ત્યારે તેઓ ૧૪ વર્ષના જ હતા. થોડા સમય બાદ એમણે માતા પિતાને પત્ર લખી જણાવ્યું કે તેઓ કાશીમાં એક પાઠશાળામાં સંસ્કૃત શીખવા પહોંચી ગયા છે.

આપણે સૌ એમના જીવનની એક પ્રખ્યાત ઘટના વિષે જાણીએ જ છીએ કે ફક્ત ૧૫ વર્ષની ઉંમરે એમણે કોર્ટના જજને એમ કહ્યું હતું કે મારુ નામ આઝાદ છે અને જેલ એ મારું ઘર છે! જજે એમને ચાબુકના ફટકા મારવાની સજા ફરમાવી. એમને બરડા પર ચાબુકના ફટકા પડતા હતા ત્યારે તેઓ "ભારત માતા કી જય", "મહાત્મા ગાંધી કી જય" એવા નારા લગાવતા હતા. આ બનાવ પછી તેઓ આઝાદ તરીકે પ્રખ્યાત થયા!

ચંદ્રશેખર આઝાદનો યુવાનો માટે સંદેશ

ચંદ્રશેખર આઝાદે નવી પેઢીના યુવાનોને કેટલાક ઉપયોગી સંદેશ દ્વારા પ્રેરણા આપી છે. એમણે કહ્યું છે, "બીજા તમારા કરતાં કેવું સારું કરે છે તેવું જોવાને બદલે રોજ તમારું પોતાનું મૂલ્યાંકન કરીને તમારી પોતાની સિદ્ધિઓ વધારતા જાઓ. કારણકે સફળતા એ તમારી પોતાની જાત સાથેની લડત છે."

એમણે કહ્યું, "જો તમારું લોહી તપતું નથી તો તમારી નસોમાં લોહી નહિ પણ પાણી વહે છે. યુવાનીનો જોમ જુસ્સો શું કામનો જો તે માતૃભૂમિની સેવામાં કોઈ કામ ન આવે."

“વિમાન જમીન ઉપર હંમેશા સુરક્ષિત હોય છે પરંતુ તે સ્થિર રહેવા નથી બનાવ્યું. જીવનમાં હંમેશા સમજદારીપૂર્વકના સાહસ કરો, જોખમ લો અને મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરો.”

સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ

વલ્લભભાઈ ખુબ જ બાહોશ અને હોશિયાર વિદ્યાર્થી હતા. શાળાના દિવસોથી જ તેમનામાં નેતૃત્વના ગુણો હતા. એમની શાળામાં એક કડક સ્વભાવના શિક્ષક હતા જે વિદ્યાર્થીઓને સોટી ફટકારી સજા કરતા. એક દિવસ એમણે એક વિદ્યાર્થીને દંડ કર્યો. તે વિદ્યાર્થી દંડની રકમ ન ભરી શક્યો એટલે એમણે તેને વર્ગમાં ન બેસવા દીધો. વલ્લભભાઈને લાગ્યું કે આ તો અન્યાય છે એટલે એમણે બધા જ વિદ્યાર્થીઓને હડતાલ પાડવા કહ્યું. એમણે વિદ્યાર્થીઓને શાળા નજીકના એક સ્થળે બેસાડયા. આ રીતે ત્રણ દિવસ હડતાલ ચાલી. ત્યાર બાદ આચાર્યએ સમાધાન કરાવ્યું અને શિક્ષકને વિદ્યાર્થીઓ સાથે વિવેકથી વર્તવા કહ્યું.

એક શિક્ષકની અભ્યાસના સાધનોની દુકાન હતી. તેઓ વિદ્યાર્થીઓને તેમની આ દુકાનમાંથી જ ખરીદી કરવા ફરજ પાડતા. વલ્લભભાઈને લાગ્યું કે એક શિક્ષકે આવી ખોટી રીત ન અપનાવવી જોઈએ એટલે એમણે વિધાર્થીઓને તે શિક્ષકનો બહિષ્કાર કરવા કહ્યું.

તેઓ રોજ એમની શાળા એન.કે. હાઈસ્કુલ જવા માટે ચાલતા જતા. બીજા લોકો એ જ રસ્તેથી પેટલાદ કામ કરવા જતા. આ રસ્તા પર એક મોટો પથ્થર પડેલો હતો જે આવતા જતા લોકોને અડચણરૂપ થતો. એમણે જોયું કે લોકોને આ પથ્થર વાગતો હતો છતાં કોઈ તેને હટાવવાનો વિચાર પણ નહોતો કરતા. એમણે જાતે જ આ પથ્થર હટાવવાનો નિર્યણ કરી લીધો. બીજા મિત્રો અને લોકો આગળ ચાલવા લાગ્યા પણ એમણે ત્યાં રોકાઈને તે પથ્થર હટાવી દીધો. આમ શાળાના દિવસોથી જ એમને દેશના લોકોને મદદરૂપ થવાના વિચાર આવતા.

એક વખત બાળક વલ્લભભાઈને બગલમાં ગુમડું થઇ ગયું. તેઓ ગામના હજામ પાસે ગયા અને તેને ગરમ સળીયાથી આ ગુમડું કાઢી નાખવા કહ્યું. હજામ આટલા નાના બાળકના ગુમડા પર ગરમ સળીયો મુકતા અચકાતો હતો. ત્યારે વલ્લભભાઈએ જાતે જ સળીયો લઈને બિલકુલ ગભરાયા વગર ગુમડું ફોડી નાખ્યું. તેઓ બાળપણથી જ નીડર હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ અને બાળકો / યુવાનો

સરદાર પટેલ ભારતના નાયબ પ્રધાનમંત્રી હતા ત્યારે એમના પૌત્ર બિપીનભાઈ એમના મિત્રો સાથે નવી દિલ્હી આવ્યા. તેઓ રાતની ટ્રેઈનમાં આવ્યા હતા. તેઓ સવારે સરદાર પટેલ સાથે નાસ્તો કરતા હતા ત્યારે એમણે છોકરાઓને દિલ્હી આવવાનું કારણ પૂછ્યું. એમના પૌત્ર બિપીનભાઈએ કહ્યું કે તેઓ સૌ રજાઓ ગાળવા દિલ્હીમાં ફરવા આવ્યા છે.
સરદાર પટેલે કહ્યું કે તેઓ ફક્ત એક જ દિવસ દિલ્હીમાં ફરી લે અને રાતની ગાડીમાં જ પાછા જતા રહે. તેઓ એવું બિલકુલ નહોતા ઇચ્છતા કે કોઈ બાળકોને ત્યાં મજા કરાવે અને પછી તેના બદલામાં એમની પોતાની પાસેથી કોઈ અપેક્ષા રાખે.

એક વખત સરદાર પટેલ એક કોલેજમાં પ્રવચન આપવા ગયા. કેટલાક વિદ્યાર્થીઓ એક ચોક્કસ જગ્યાએ જ ઉભવાનો આગ્રહ રાખતા હતા. સરદારે એમના પ્રવચનમાં કહ્યું, "મેં રાજહઠ અને બાળહઠ વિષે તો સાંભળ્યું છે પરંતુ આજે પહેલી જ વાર વિદ્યાર્થીહઠ પણ જોઈ!" આમ એમણે વિદ્યાર્થીઓને ઠપકો આપ્યા વગર જ પાઠ ભણાવી દીધો.

એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓ સરદાર પટેલને પ્રવચન માટે આમંત્રિત કરવા આવ્યા. એમણે વિદ્યાર્થીઓને ચોખ્ખું જણાવી દીધું કે તેઓએ કડવું સત્ય સાંભળવાની તૈયારી રાખવી પડશે. તેઓ વિદ્યાર્થીઓને ખુશ કરવા માત્ર વખાણના મીઠા શબ્દો જ નહિ બોલે. તેઓ મીઠા મીઠા શબ્દો બોલીને વિદ્યાર્થીઓને સાચા માર્ગે દોરવા જોઈએ એવું નહોતા માનતા. તેઓ માનતા કે જરૂર પડે ત્યારે કડવા વેણ પણ વાપરવા જોઈએ!

જવાહરલાલ નહેરુ

જવાહરલાલ નહેરુનું બાળપણ

જવાહરલાલનું મોટા ભાગનું બાળપણ અલાહાબાદ યુનિવર્સીટી પાસે આવેલા આનંદ ભવન નામના ૧૬ એકરમાં પથરાયેલા મહેલ જેવા મકાનમાં વીત્યું હતું. આથી જવાહરલાલ કહેતા કે એમનું બાળપણ છત્રછાયામાં કોઈ રોમાંચકારી બનાવો વિના જ વીત્યું હતું.

નહેરુને પ્રાથમિક શાળાનું શિક્ષણ ઘરમાં જ રહીને મળ્યું હતું. એમના ઘરે અંગ્રેજ શિક્ષકો ભણાવવા આવતા. આ બધા શિક્ષકોમાંથી તેઓ માત્ર એક શિક્ષક ફેર્ડીનેન્ડ બ્રુક્સથી જ પ્રભાવિત થયા હતા. આ શિક્ષક આઈરીશ-બેલ્જિયન મૂળ ધરાવતા અને ઈશ્વર વિષયક જ્ઞાન-બ્રહ્મવિદ્યામાં માનનારા હતા. તેમના દ્વારા નહેરુને વિજ્ઞાન અને બ્રહ્મવિદ્યામાં રસ પડવા લાગ્યો હતો. પછી ૧૩ વર્ષની ઉંમરે તેઓ એમના કૌટુંબિક મિત્ર એની બેસન્ટ મારફતે થિયોસોફિકલ સમાજ-બ્રહ્મસમાજમાં જોડાયા.

જોકે એમનો આ બ્રહ્મવિદ્યાનો રસ બહુ લાંબો સમય ન રહ્યો. બ્રુક્સ એમના શિક્ષક તરીકે ન રહ્યા પછી એમણે થિયોસોફિકલ સમાજ-બ્રહ્મસમાજમાં જવાનું પણ છોડી દીધું.

જવાહરલાલ નહેરુ અને બાળકો / યુવાનો

બાળકોના પ્યારા નહેરુ ચાચાને બાળકો અને ગુલાબ બહુ જ ગમતા. તેઓ તો બાળકોને ગુલાબના ફૂલ જેવા જ કહેતા. તેઓ કહેતા કે બાળકોનું ફૂલની જેમ જ પ્રેમ અને સંભાળપૂર્વક જતન કરવું જોઈએ કારણકે બાળકો તો દેશનું ભવિષ્ય છે. તેઓ માનતા કે બાળકો સમાજનો પાયો છે અને દેશની અસલી તાકાત છે. બાળકોએ એમને 'ચાચા નહેરુ' એવું હુલામણું નામ આપ્યું હતું.

એક વાર એક બાળકે એમના જેકેટમાં ગુલાબનું ફૂલ ખોસ્યું પછી તેઓ કાયમ એમના જેકેટમાં ગુલાબનું ફૂલ રાખતા. તેઓ હંમેશા બાળકોને 'ઉજ્જવળ ભારતનું ભવિષ્ય' કહેતા.

તેઓ એમના જન્મદિવસે બાળકોને ઘરે બોલાવતા અને તેમની સાથે રમતા. એમણે કહી રાખ્યું હતું કે એમના મૃત્યુ બાદના એમના જન્મદિવસે રજા ન રાખવી પરંતુ બાળકો મનભરીને ભરપૂર આનંદ માણે એવી રીતે ઉજવણી કરવી. નેહરુચાચાનો જન્મદિવસ બાળદિન તરીકે ઉજવાય છે.

એક વાર એમણે નવા ચૂંટાયેલા સંસદસભ્યોને એમના તીન મૂર્તિ ભવનના નિવાસસ્થાને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. ભોજન દરમ્યાન નેહરુએ જોયું કે કેટલાક ગરીબ બાળકો બંગલાની વંડીની પાળે બેસીને ભોજન લઇ રહેલા લોકો તરફ જોયા કરતા હતા. એમણે તરત જ ત્યાં જઈને એમની થાળી એક બાળકને આપી દીધી. આ જોઈને અન્ય સંસદસભ્યોએ પણ એમની થાળીઓ બાળકોને આપી દીધી!

૨જી ઓક્ટોબર ૧૯૫૭ના દિવસે જૂની દિલ્હીના રામલીલા મેદાનમાં રામલીલા ભજવાઈ રહી હતી. નહેરુ કેટલાક વિદેશી અધિકારીઓ સાથે બેસીને રાવણદહન જોઈ રહ્યા હતા. અચાનક જ એક તણખો તેઓ જે તંબુમાં ઉભા હતા તેની ઉપર પડયો. નહેરુના તંબુનું ધ્યાન રાખવા સ્કાઉટનો એક વિદ્યાર્થી ત્યાં હતો. તે તરત જ નેહરુનો હાથ પકડીને તેમને મંચ તરફ લઇ ગયો. પછી તે એક થાંભલા પર ચઢી ગયો અને પોતાની પાસેના સ્કાઉટ માટે વપરાતા ચપ્પુ વડે તંબુનો સળગેલો ભાગ કાપી નાંખ્યો. આ વિદ્યાર્થીનું નામ હરીશચંદ મેહરા હતું. ૪ ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ તીન મૂર્તિ ભવનમાં એક ખાસ સમારોહમાં નહેરુએ હરીશનું બહુમાન કર્યું અને તેને ચંદ્રક આપવામાં આવ્યો. નહેરુએ કહ્યું કે એમણે પોતાની નજરે જ હરીશની બહાદુરી જોઈ છે એટલે એમને તેની ઓળખાણ આપવાની જરૂર જ નથી. એમણે કહ્યું કે આપણને આવા બહાદુર બાળકોની બહુ જરૂર છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાન પર ઘણા હવાઈ હુમલાઓ થયા હતા. આમાં ટોક્યોના ઝૂમાં રહેલા જંગલી પ્રાણીઓ ઝૂમાંથી ભાગીને શહેરમાં ન ઘુસી જાય એટલે આવા જંગલી પ્રાણીઓને ન છૂટકે મારી નાખવા પડયા હતા. ૧૯૪૯માં નેહરુએ જાપાનના બાળકોને ઉએનો ઝૂ માટે ભારતીય હાથી ભેટ આપી ખુશ કરી દીધા હતા.

No comments: