સુભાષચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝનું બાળપણ
સુભાષચંદ્ર
બોઝનો જન્મ એક ધનિક કુટુંબમાં થયો હતો. એમના માતા એમને ભગવાન શંકરની પુરાણકથાઓ કહેતા
તેથી એમને તેના પ્રત્યે આકર્ષણ થયું હતું. બાળપણની એક ઘટનાએ એમને એક નવી જ દિશામાં
વિચારતા કરી દીધા. ચિંથરેલાં કપડાં પહેરેલી એક ગરીબ સ્ત્રી એમના ઘરે ભીખ માંગવા આવતી.
એના ફાટેલાં કપડાં અને દુઃખી દેખાવ જોઈને સુભાષને ખુબ જ દર્દ થતું. તેઓ વિચારતા કે
પોતે કેટલા બધા નસીબદાર છે કે ત્રણ માળના મકાનમાં રહે છે. જયારે આ ગરીબ, દુઃખી સ્ત્રીને
તો રહેવા નાનું છાપરું જ છે અને ખાવાની કે કપડાંની સગવડ પણ નથી.
આવા
વિચારોએ એમને આવી સામાજિક વ્યવસ્થા સામે બળવો કરવા પ્રેર્યા. ત્યારથી તેઓ રોજ ૩ માઈલ
ચાલીને શાળાએ જતા અને તે રીતે ટ્રામનું ભાડું બચાવીને તે સ્ત્રીને મદદ કરતા (ટ્રામ
એટલે કલકત્તામાં તે સમયે રસ્તા ઉપર ચાલતી ટ્રેન). ત્યાર બાદ એમણે મિત્રોની સહાય લઈને
કોલેરાના ઘણા દર્દીઓની સેવા કરી. આ બધા અનુભવો પરથી તેઓ ઘણું શીખ્યા. તેઓ કહેતા,
"આનાથી મને ભારતની સાચી દશાનો ખ્યાલ આવ્યો. ગામડાઓનું ભારત કે જ્યાં ગરીબાઈ, ભૂખમરો
અને રોગચાળો છે." આવા બધા અનુભવો પરથી યુવાન સુભાષ સમજી ગયા કે માત્ર સમાજ સેવા
કરવાથી જ બદલાવ ન આવી શકે.
એક
વખત ઓટેન નામના એક અંગ્રેજ પ્રાધ્યાપકે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુક કરી અને જાતિ વિષયક
ટીકા કરી. સુભાષે તેની સામે હડતાળ પાડી. સુભાષને કોલેજમાંથી કાઢી મુક્યા. તેમ છતાં
એમને જરાય પસ્તાવો ન થયો કારણકે એમણે સ્વાભિમાન ખાતર અન્યાય સામે લડત આપી હતી. આ ઘટનાએ
એમને અજાણતા જ એક યુવા નેતા તરીકે રાજનીતિ સાથે જોડી દીધા.
સુભાષચંદ્ર અને યુવાનો
આઝાદી
પહેલાંના સમયમાં અંગ્રેજોએ એવો સંદેશ આપ્યો હતો કે વિદ્યાર્થીઓએ રાજનીતિથી અળગા રહેવું
જોઈએ. આનો વિરોધ કરતાં સુભાષે વિદ્યાર્થીઓને સલાહ આપી, "સાંપ્રત સમસ્યાઓની ચર્ચા
કરવી તેને રાજનીતિ ન કહેવાય. તમારા વિચારો મુક્તપણે વ્યક્ત કરો અને તેમ કરવાથી રાજનીતિમાં
જોડાઈ જવાતું હોય તો જોડાઈ જાવ." એમણે એવા વલણ સામે પણ લડત આપી કે વિદ્યાર્થીઓએ
માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપવું જોઈએ અને પૈસા રળી આપે એવી કારકિર્દી બનાવવી જોઈએ. અત્યારે
પણ ઘણા વિદ્વાન લોકો આવો જ વિચાર ધરાવે છે. પરંતુ સુભાષે આની સામે દલીલ કરીને વિદ્યાર્થીઓના
અંતરાત્માને જગાડતાં કહ્યું, "માત્ર પુસ્તકો વાંચીને પરીક્ષાઓ પાસ કરવાનું જ ધ્યેય
ન હોવું જોઈએ. એનાથી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક કે મોટો પગાર મળે પણ તેથી તે એક શ્રેષ્ઠ
માનવી ન બની શકે!"
સુભાષે
આઈ.સી.એસ.ની પરીક્ષા ૪થા ક્રમે પાસ કરી હોવાથી એમને સરકારી અધિકારી બનવાની તક હતી.
પરંતુ એમણે સ્વાતંત્ર્ય સેનાની બનવાનું જ સ્વીકાર્યું. એમણે એમની પોતાની "નેશનલ
આર્મી" રચી. તેઓ સ્ત્રીઓની શક્તિ પણ જાણતા હતા એટલે એમણે એમની આર્મીમાં યુવાન
સ્ત્રીઓની પણ ભરતી કરી. સુભાષ અફઘાનિસ્તાન થઈને જર્મની પહોંચી ગયા. સુભાષે એમના સૈનિકોને
કહ્યું કે માર્ગમાં એમણે ભૂખ, તરસ વેઠવા પડશે. પરંતુ તેમ છતાં સૌએ નીડર બની રહેવાનું
છે. એમણે પ્રખ્યાત સૂત્ર આપ્યું, "તમે મને ખુન (લોહી) આપો. હું તમને આઝાદી આપીશ."
લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રીનું બાળપણ
લાલ બહાદુર માત્ર ૩ મહીનાના હતા ત્યારે એક ખાસ ઘટના બની.
એમની માતા બાળક લાલ બહાદુરને લઈને ગંગા ઘાટ ન્હાવા ગયા. ઘાટ પરની ભીડમાં તેનાથી બાળક
છૂટું પડી ગયું. બાળક એની માતાના હાથમાંથી છૂટીને એક ગોવાળના ટોપલામાં પડી ગયું. તે
ગોવાળને કોઈ સંતાન નહોતા એટલે તે તો ભગવાન તરફથી આ બાળક મળ્યું છે એવું માનીને આનંદિત
થઇ ગયો.
લાલ બહાદુરના માતા તો અત્યંત દુઃખી થઇ ગયા. એમણે પોલીસમાં
ફરિયાદ કરી. પોલીસે બાળકને શોધી કાઢયું. બાળકના નવા પાલક માતા પિતા તો બાળકને પાછું
આપી દેતાં રડવા લાગ્યા. લાલ બહાદુર કે જે ભવિષ્યમાં દેશના પ્રધાનમંત્રી બનવાના હતા
તે સહેજ માટે એક ગોવાળ બનતાં રહી ગયા!
શૌર્ય અને સ્વમાન એ બે ગુણો લાલ બહાદુરમાં બાળપણથી જ વણાયેલા
હતા. કાશીમાં હતા ત્યારે તેઓ મિત્રો સાથે ગંગાના સામે કિનારે એક મેળામાં ગયા હતા. પાછા
આવતી વખતે એમની પાસે હોડીના ભાડા માટે પૈસા નહોતા. સ્વમાની હોવાથી એમને મિત્રો પાસેથી
પૈસા માંગવાનું પસંદ ન પડયું. તેઓ મિત્રોની જાણ બહાર એમની પાસેથી દૂર નીકળી ગયા.
એમના મિત્રો વાતોમાં એમની હાજરી નથી એવું ભૂલી ગયા અને
હોડીમાં બેસી ગયા. એમની હોડી થોડે દૂર ગઈ ત્યારે લાલ બહાદુર નદીમાં કૂદી પડયા. એમના
મિત્રો અધ્ધર શ્વાસે જોતા રહી ગયા અને લાલ બહાદુર તરીને સામે કિનારે પહોંચી ગયા.
લાલ બહાદુરને નાટકમાં ભાગ લેવાનું પણ બહુ ગમતું. એક વાર
શાળામાં મહાભારતના નાટકમાં તેઓ કૃપાચાર્ય બન્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રી અને યુવાનો
લાલ બહાદુર શાસ્ત્રી પોતાના જીવનમાં અન્યને ઉદાહરણરૂપ બને
એવી રીતે જ કાર્ય કરતા. તેઓ જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે કેટલાક લોકોએ એમનો જન્મદિવસ
ઉજવવાનું નક્કી કર્યું. તેઓ ખુબ જ સાદગીથી જીવતા એટલે એમણે ઘણી સાદાઈથી જન્મદિવસ ઉજવ્યો.
આખા દિવસ દરમ્યાન ઘણા બધા લોકો એમને મળવા આવ્યા. એમના ત્રણ પુત્રો મહેમાનોનું સ્વાગત
કરતા હતા. તેઓ મહેમાનોના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેતા હતા.
રાતે બે મહેમાનો આવ્યા. ત્યારે સૌથી મોટો પુત્ર અનિલ ઘણો
થાકી ગયો હતો એટલે એણે વાંકા વળીને ચરણસ્પર્શ ન કર્યા પણ નમસ્કાર જ કર્યા. લાલ બહાદુરે
તરત જ આની નોંધ લીધી. મહેમાનોના ગયા પછી એમણે અનિલને પૂછ્યું કે તે વડીલોના આશીર્વાદ
કેવી રીતે લેવા જોઈએ તે ભૂલી ગયો છે?
અનિલે કહ્યું કે એણે આશીર્વાદ લેવામાં કોઈ ભૂલ નથી કરી.
ત્યારે લાલ બહાદુરે પોતે વાંકા વળીને અનિલના ચરણસ્પર્શ કર્યા અને તેને શીખવ્યું કે
આશીર્વાદ કેવી રીતે લેવાય!
લાલ બહાદુર શાસ્ત્રીએ એમના પુત્રોને પિતાના નામ કે સત્તાનો
ઉપયોગ કર્યા વિના સાદું, સરળ જીવન જીવતાં શીખવ્યું હતું. એમના પુત્ર અનિલને કોલેજમાં
પ્રવેશ લેવાનો હતો ત્યારે તે અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રવેશ માટેની લાઈનમાં ઉભો રહ્યો
હતો.
નાઇટિંગેલ સરોજિની નાયડુ
ભારતના નાઇટિંગેલ સરોજિની નાયડુ બહુ સારા કવિયત્રી
હતા. (નાઇટિંગેલ =રાતના સમયે મધુર ગાતું પંખી). એમની કવિતાઓ ખુબ જ સુંદર અને દેશભક્તિથી
ભરપૂર હતી. તેઓ ગાંધીજીના અત્યંત પ્રિયપાત્ર હતા. તેઓ તો ગાંધીજીને મિકી માઉસ કહીને
બોલાવતા! તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ મહિલા મહામંત્રી બન્યા હતા અને સૌપ્રથમ
મહિલા રાજ્યપાલ બન્યા હતા. એમની ખાસ ઓળખ તો બાળપણમાં એક વિલક્ષણ બાળક તરીકેની અને પછીથી
મહાન બાળ સાહિત્યકાર તરીકેની છે.
સરોજિની નાયડુનું બાળપણ
સરોજિની નાયડુએ ફક્ત ૧૨ વર્ષની ઉંમરે જ મેટ્રિકની પરીક્ષા
પાસ કરી લીધી હતી. તેઓ સમગ્ર મદ્રાસમાં પ્રથમ આવ્યા હતા. એમને વાંચન પ્રત્યે અતિ લગાવ
હતો એટલે એમણે થોડા સમય માટે અભ્યાસ છોડીને જુદા જુદા વિષયોનું વાંચન કર્યું હતું.
૧૮૯૫માં ૧૬ વર્ષની ઉંમરે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને લંડનની કિંગ્સ કોલેજમાં અને ત્યાર બાદ
કેમ્બ્રિજની ગીર્ટન કોલેજમાં ભણ્યા.
સરોજિની નાયડુ અને યુવાનો
યુવાનોની દેશ, સમાજ પ્રત્યેની ઉદાસીનતા અને પરિસ્થિતિ સુધારવા
તરફની બેજવાબદારી જોઈને તેઓ ઘણા જ વ્યથિત હતા.
એક વખત તેઓ લખનૌ યુનિવર્સીટીમાં પ્રવચન આપવા ગયા હતા. સભાગૃહ
ખીચોખીચ હતો અને ખુબ જ ઘોંઘાટ હતો. તેઓ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે નીચેના ભાગમાં શાંતિ
થઇ ગઈ પણ ઉપર ગેલેરીના ભાગમાંથી અવાજ ચાલુ જ હતો. એમણે આ અવાજની આબેહૂબ નકલ કરવા માંડી.
સભાગૃહમાં હસાહસ થઇ ગઈ પરંતુ તેઓ તો આ મિમિક્રી કરતા જ રહ્યા. છેવટે વિદ્યાર્થીઓને
સમજાયું કે સંપૂર્ણપણે શાંતિ થશે પછી જ તેઓ પ્રવચન શરુ કરશે. આવી રીતે એમણે વિદ્યાર્થીઓને
શિસ્તનો પાઠ ભણાવ્યો. એમણે વિદ્યાર્થીઓને બેજવાબદારી માટે કડક શબ્દોમાં ઠપકો આપ્યો.
એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ભારતના વિદ્યાર્થીઓ મિથ્યા પ્રવૃત્તિઓમાં સમયનો બગાડ
કરતા હોય છે જયારે ચીન અને અન્ય દેશોમાં વિદ્યાર્થીઓ દેશ માટે કાર્ય કરતા હોય છે.
સર્વપલ્લી રાધાક્રિશ્નન
સર્વપલ્લી
રાધાક્રિશ્નન ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પછી રાષ્ટ્રપતિ હતા. તેઓ એક ઉત્તમ શિક્ષક અને
વિશ્વપ્રસિદ્ધ તત્વજ્ઞાની-ફિલસૂફ હતા. તેઓ ૨૧ વર્ષની વયે જ પ્રોફેસર બની ગયા હતા. તેઓ
બનારસ હિન્દુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર હતા. તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોના
નિષ્ણાત ગણાતા. એમને ભારતરત્ન મળ્યો હતો. એમને પ્રસિદ્ધ ટેમ્પલ્ટન એવોર્ડ પણ મળ્યો
હતો. એમને આવા અસંખ્ય એવોર્ડ મળ્યા હતા. એમનો જન્મદિન શિક્ષકદિન તરીકે ઉજવાય છે.
સર્વપલ્લી રાધાક્રિશ્નનનું
બાળપણ
રાધાક્રિશ્નનના
પિતા એમને પૂજારી બનાવવા માંગતા હતા એટલે તેઓ તો એમને ભણાવવા જ નહોતા માંગતા! પરંતુ
વિધાતાએ એમના માટે કાંઈક જુદું જ નિર્માણ કર્યું હતું! એમની અભ્યાસ તરફની વિશેષ રુચિ
જોઈને છેવટે એમને ભણવાની મંજૂરી આપી.
રાધાક્રિશ્નને
તત્વજ્ઞાન-ફિલસુફીનો અભ્યાસ એના પ્રત્યેની રુચિને કારણે નહોતો કર્યો પરંતુ ના છૂટકે
કરવો પડયો હતો. એમની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા. એમના પિતરાઈ ભાઈ તત્વજ્ઞાનનો
અભ્યાસ કરતા હતા એટલે એમના પુસ્તકો રાધાક્રિશ્નનને મળ્યા.
આમ
એમણે અનાયાસે જ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને પાછળથી તો તેઓ એમાં પારંગત થયા અને આ
વિષયમાં ઘણું લખ્યું પણ ખરું જે આજે પણ પ્રમાણભૂત ગણાય છે.
રાધાક્રિશ્નન અને બાળકો
/ યુવાનો
ગિરિધર
ગોપાલ નામના એક છોકરાના દાદા રાધાક્રિશ્નનના મિત્ર હતા. ગોપાલે કોલેજમાં ગણિત, તર્કશાસ્ત્ર
અને વાણિજ્યના વિષયો લીધા હતા. રાધાક્રિશ્નને તેને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે વિષયોની
આવી રસપ્રદ પસંદગી એમણે ક્યારેય નથી જોઈ.
એક
વાર ગોપાલ એમને મળવા ગયો ત્યારે એના બુશશર્ટ ઉપર ફૂટબોલ રમતા અને બોક્સિંગ કરતા રમતવીરોનું
ચિત્ર હતું. રાધાક્રિશ્નને તેને પાસે બોલાવીને તે ચિત્ર જોયું અને એના વખાણ કર્યાં.
ગોપાલ
૧૬ વર્ષનો હતો ત્યારે એણે એનસીસીની એક પરેડમાં ભાગ લીધો હતો. રાધાક્રિશ્નન ત્યારે આપણા
ઉપરાષ્ટ્રપતિ હતા. એમણે ગોપાલને પરેડમાં જોયો એટલે તેને મંચ ઉપર બોલાવ્યો અને એના ખબરઅંતર
પૂછ્યા.
રાધાક્રિશ્નનના
વિદ્યાર્થીઓને એમના પ્રત્યે અનહદ પ્રેમ અને આદર હતા. તેઓ વિદ્યાર્થીઓના ઘણા જ માનીતા
હતા. તેઓ જયારે મૈસુર યુનિવર્સીટીમાંથી રાજીનામું આપીને કલકત્તામાં પ્રોફેસર બનવા જઈ
રહ્યા હતા ત્યારે એમના વિદ્યાર્થીઓ તેમને યુનિવર્સીટીથી રેલવે સ્ટેશન સુધી ફૂલોથી શણગારેલી
બગીમાં લઇ ગયા અને વિદ્યાર્થીઓએ જ આ બગી ખેંચી હતી!
૧૯૬૨થી
૫મી સપ્ટેમ્બરનો દિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવાય છે. રાધાક્રિશ્નન એક ઉત્તમ શિક્ષક
અને નિષ્ણાત તત્ત્વજ્ઞાની-ફિલસૂફ હતા. એમના કેટલાક વિદ્યાર્થીઓએ એમની પાસે એમનો જન્મદિન
ઉજવવાની મંજૂરી માંગી. રાધાક્રિશ્નને કહ્યું, "મારો જન્મદિન ઉજવાય તેને બદલે જો
ભારતમાં ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે મનાવાશે તો મને વિશેષ ગૌરવ થશે." એમની
આ વિનંતી એમનો શિક્ષકના વ્યવસાય પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
શિક્ષણપદ્ધતિ વિષે રાધાક્રિશ્નનનું
મંતવ્ય
- "જો આપણે વિદ્યાર્થીઓના જાગૃત મનને રસ પડે એવું શિક્ષણ ન આપી શકીએ તો એવી શિક્ષણ
પદ્ધતિ કંટાળાજનક બની જાય છે. તેઓ ઈચ્છા વિના જે અભ્યાસ કરે તે આગળ જતાં નિરર્થક બની
જાય છે જે અજ્ઞાન કરતાં પણ વધારે ખરાબ છે. અભ્યાસ એ તો વિચારોની પ્રક્રિયા છે. તે મગજને
માત્ર માહિતીઓથી ભરી દેવા માટે નથી. આપણે જે કાંઈ પણ ભણીએ તેને ચકાસીને, તેનો વ્યવહારુ
ઉપયોગ કરતાં આવડવું જોઈએ. આપણો અભ્યાસ
આપણને
શક્તિશાળી અને તેજસ્વી બનાવે એવો હોવો જોઈએ."
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર
પ્રસાદ જેમણે ૧૨ વર્ષ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી તે ખુબ જ સાદા અને સરળ માનવી હતા.
ડૉ.રાજેન્દ્ર પ્રસાદનું
બાળપણ
રાજેન્દ્ર
પ્રસાદના માતા કમલેશ્વરી દેવી એક ધાર્મિક સ્ત્રી હતાં. રોજ તેઓ બાળ રાજેન્દ્રને રામાયણમાંથી
એક વાર્તા કહેતાં. આથી જ તુલસીકૃત રામાયણ રાજેન્દ્ર પ્રસાદનું હંમેશનું સાથી બની ગયું.
તેઓ ઉપનિષદ અને અન્ય આધ્યાત્મિક વાંચન પણ કરતા.
પાંચ
વર્ષની ઉંમરે એમને એક મૌલવી પાસે પર્સીયન ભાષા શીખવા મોકલ્યા. પછીથી તેઓ હિન્દી અને
ગણિત પણ શીખ્યા. આવું પાયાનું શિક્ષણ મેળવીને તેઓ બિહારના છાપરા જીલ્લાની શાળામાં ભણવા
ગયા અને પછી પટનામાં આર.કે.ઘોષની સંસ્થામાં ભણવા ગયા.
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને
બાળકો / યુવાનો
રાજેન્દ્રબાબુ
એક પ્રેમાળ દાદાજી હતા. તેઓ સ્વરાજ કાજે ૩ વર્ષ જેલમાં હતા ત્યારે એમનું કુટુંબ એમને
જેલમાં મળવા આવતું. તે વખતે પણ તેઓ એમની પૌત્રીના ઘુંટણમાં ઇજા થઇ હતી તેના માટે જ
ચિંતિત હતા અને ઘરની બીજી બાબતો કરતાં પણ એમને માટે આ બાબત વધારે મહત્ત્વની હતી.
તેઓ
આટલી મહાન વ્યક્તિ હોવા છતાં એમના પૌત્ર-પૌત્રીઓને એ વાતની ખબર જ નહોતી. બાળકોના દાદીએ
એમને એટલું જ કહ્યું હતું કે તેઓ એમના દાદાજી છે.
તેઓ
કુટુંબ વત્સલ હતા. રોજ એમના પૌત્ર-પૌત્રીઓ શાળાએથી ઘરે આવે ત્યારે એમની સાથે જ તેઓ
જમવા બેસતા.
૧૯૦૬માં
પટના કોલેજમાં એમણે બિહારી વિધાર્થીઓનું સંગઠન બનાવી તેની સભા કરી હતી. ભારતનું સૌપ્રથમ
આવું સંગઠન હતું. એમાંથી ડૉ.અનુરાગ નારાયણ સિંહા અને શ્રી.કૃષ્ણ સિંહા જેવા બિહારના કેટલાક નામાંકિત નેતાઓ તૈયાર થયા.
ડૉ.ઝાકીર હુસૈન
ડૉ.ઝાકીર હુસૈન અને બાળકો
ડૉ.ઝાકીર હુસૈન ભારતના
ત્રીજા રાષ્ટ્રપતિ હતા. શું તમે એ માની શકશો કે ભારતના રાષ્ટ્રપતિ કે જેઓ એમના સમયના
એક ઉચ્ચ દરજ્જાના વિદ્વાન હતા એમણે બાળવાર્તાઓ પણ લખી હતી? તેઓ બાળકોને ખુબ ચાહતા હતા
એટલે એમણે ઘણી બાળવાર્તાઓ લખી હતી. એમની બાળવાર્તાઓ મુખ્યત્વે એ સમયની સામાજિક અને
રાજકીય બાબતો ઉપર હતી. એમણે વાર્તાઓના માધ્યમથી બાળકોને સ્વતંત્રતા, હિંમત, સાદું-સરળ
જીવન, માતાનો નિસ્વાર્થ પ્રેમ, જીવદયા, દાનની વૃત્તિ, ઈશ્વરમાં શ્રદ્ધા જેવા સદગુણો
શીખવવા પ્રયત્ન કર્યો હતો.
તદુપરાંત એમની વાર્તાઓમાં
તેઓ રાષ્ટ્રભક્તિ, વિદેશી માલનો બહિષ્કાર, પરદેશી શાસનનું અનિષ્ટ, બ્રિટિશ સત્તાના
સાર્વભૌમત્વની ક્ષતિઓ જેવી બાબતો વણી લેતા હતા. એમની વાર્તાઓ દ્વારા એમનું બાળ માનસ
વિશેનું જ્ઞાન તેમજ એમની સર્જનશક્તિ અને સાહિત્યપ્રેમ વ્યક્ત થાય છે.
એમની કેટલીક પ્રસિદ્ધ
વાર્તાઓમાં 'અબુખાનની બકરી', 'ઉકાબ', 'સઈદની મા', 'હરદુ', 'આંધળો ઘોડો', 'છેલ્લું પગલું',
'મા', 'બેકારી', 'કાચબો અને સસલું' વિ.નો સમાવેશ થાય છે.
તેઓ કહેતા કે બાળકોના
વધારે પડતા વખાણ કે વધારે પડતી ટીકા એ બાળકોની પ્રગતિ માટે હાનિકારક છે. તેઓ શાળામાં
બાળકોને મુક્ત અને આનંદદાયક વાતાવરણ આપવાના હિમાયતી હતા. તેઓ માનતા કે બાળકો શાળામાં
રમવા, હસવા કૂદવા અને અન્ય બાળકો સાથે વાતો કરવા આવે છે. પરંતુ શાળાઓમાં ચુસ્ત શિસ્તપાલન
કરાવવાથી બાળકો કલાકો સુધી હલનચલન કર્યા વિના બેસી રહે છે. તેઓ વધારે પડતી કડકાઈ, શારીરિક
સજા અને ઠપકો આપવાના વિરોધી હતા. તેઓ માનતા કે આનાથી બાળકોનો વિકાસ રૂંધાય છે.
એક વખત રાષ્ટ્રપતિ
ડૉ.ઝાકીર હુસૈન કોઈ પ્રસંગે બાળકોને મીઠાઈ વહેંચતા હતા. ત્યારે જ એમને એક અત્યંત દુઃખદ
સમાચાર મળ્યા કે એમની દીકરીનું અવસાન થયું છે. પરંતુ એમણે તો મીઠાઈ વહેંચવાનું ચાલુ
જ રાખ્યું. તરત જ એમને બીજી વાર આ સમાચાર આપવામાં આવ્યા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ
એમના કુટુંબીઓએ એમને પૂછ્યું કે પહેલો સંદેશો મળ્યો કે તરત જ તેઓ શા માટે ન આવ્યા?
એમણે કહ્યું, "બાળકો ઘણા જ ખુશ હતા એટલે હું એમને અધવચ્ચે જ કાર્યક્રમ અટકાવીને
દુઃખી કરવા નહોતો માંગતો."
હોમી જહાંગીર ભાભા
જગ વિખ્યાત ભૌતિકશાસ્ત્રી હોમી જહાંગીર ભાભા
ભારતના પરમાણુ કાર્યક્રમના પિતામહ ગણાય છે. એમણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ
રિસર્ચની સ્થાપના કરી. એમના માર્ગદર્શન હેઠળ અનેક વૈજ્ઞાનિકો તૈયાર થયા.
હોમી ભાભા અને યુવાનો
હોમી ભાભાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ,
મુંબઈમાં દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકોની નિમણુંક કરી હતી. એમાં ગુજરાતના અગ્રગણ્ય ગણિતજ્ઞ
ડો. પી.સી.વૈદ્ય પણ એમની યુવાન વયે જોડાયા હતા. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સૌપ્રથમ વખત
દેશભરમાં ઘ્વાજારોહણના કાર્યક્રમ યોજાયા. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં
પણ હોમી ભાભાના હસ્તે ઘ્વાજારોહણ થવાનું હતું. પી.સી.વૈદ્ય સેવાદળમાં રહી ચૂકેલા એટલે
એમને ધ્વજ કેવી રીતે લહેરાવવો એની સમજ હતી. એમણે એની ગોઠવણ કરી આપી અને હોમી ભાભા આવ્યા
ત્યારે એમને ધ્વજ લહેરાવવા દોરી આપી જે ખેંચીને ધ્વજ લહેરાવી શકાય. હોમી ભાભા અકળાયા
અને એમણે પી.સી.વૈદ્યને કહ્યું કે, "આજે આઝાદીનો પહેલો દિવસ છે. આજથી દેશનો નવો
રાષ્ટ્રધ્વજ અમલમાં આવે છે. માટે આજે ધ્વજ લહેરાવવાનો નથી પરંતુ ચઢાવવાનો છે."
તેઓ યુવાનોને આવી તમામ બાબતો પ્રત્યે ઝીણવટથી ધ્યાન
આપવાનું શીખવતા. હોમી ભાભા એમની પાસે કામ કરતા તમામ યુવાન વૈજ્ઞાનિકોની અંગત સમસ્યાઓ
ધ્યાનથી સાંભળતા અને એમને યોગ્ય સલાહ પણ આપતા.
એક વખત વડોદરાની મ.સ.યુનિવર્સીટીના કલાભવનના કેટલાક
વિદ્યાર્થીઓએ એમની કલાકૃતિઓનું એક પ્રદર્શન મુંબઈની તાજ હોટેલમાં યોજ્યું હતું. એમાં
ત્રણ દિવસમાં કેટલાક વિદ્યાર્થીઓના ચિત્રો વેંચાઈ ગયા પરંતુ મહેન્દ્ર પંડયા નામના વિદ્યાર્થીના
ચિત્રો હજી નહોતા વેંચાયા. છેલ્લા ત્રીજા દિવસે એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવ
આવ્યા અને એમણે ચિત્રોને ખુબ જ રસપૂર્વક નિહાળ્યા. એમણે આ ચિત્રોના ચિત્રકાર મહેન્દ્રને
કહ્યું કે એણે બહુ જ સરસ ચિત્રો દોર્યા છે. એમણે જાણ્યું કે આ વિદ્યાર્થી ગુજરાતી છે
ત્યારે તેઓ ખુબ જ ખુશ થઇ ગયા અને એની સાથે ગુજરાતીમાં વાત કરી. વિદ્યાર્થી મહેન્દ્રને
જયારે ખબર પડી કે આ મહાનુભાવ તો દેશના ખ્યાતનામ ભૌતિકશાસ્ત્રી હોમી ભાભા છે ત્યારે
તેઓ તો માની જ ન શક્યા. ભાભાએ પૂછપરછ કરતાં જાણ્યું કે મહેન્દ્રના ચિત્રો હજી વેંચાયા
નથી. એમણે તરત જ એમના ચિત્રો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ માટે ખરીદી લીધા.
તેઓ યુવાન કલાકારોને પ્રોત્સાહિત કરતા હતા અને એમના વિકાસ માટે અંગત રસ લેતા. એમણે
આ વિદ્યાર્થીઓને ખાસ તારાપુર અણુમથક જોવા બોલાવ્યા અને પોતે અંગત રસ લઈને અણુમથકની
કામગીરી સમજાવી.
ડૉ.એપીજે અબ્દુલ કલામ
ડૉ.એપીજે અબ્દુલ કલામ આધુનિક ભારતના સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા. તેઓ હજારો બાળકો અને યુવાનોના હૈયાને સ્પર્શી શક્યા હતા. મેં એમના બાળકો અને યુવાનો સાથેના પ્રસંગો અહીં વર્ણવવાનું શરુ કર્યું ત્યારે મને આવા એટલા બધા પ્રસંગો મળ્યા કે જે બધા જ અહીં આપી શકાય એમ નથી. એના માટે તો એક અલાયદું પુસ્તક લખવું પડે! આથી હું થોડાક રસપ્રદ પ્રસંગો જ અહીં આપું છું.
ડૉ.એપીજે અબ્દુલ કલામનું બાળપણ
અબ્દુલ કલામ તામિલનાડુના એક ગરીબ માછીમાર કુટુંબમાં
જનમ્યા હતા. એમનું બાળપણ જ્યોતિર્લિંગ માટે પ્રખ્યાત રામેશ્વરમમાં વીત્યું હતું. કલામ
ઘણા હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ રામેશ્વરમની પ્રાથમિક શાળામાં ભણતા હતા. મુસ્લિમ હોવાથી
તેઓ મુસ્લિમ લોકો પહેરે છે તેવી ટોપી પહેરતા. શાળામાં તેઓ રામાનંદ શાસ્ત્રી નામના એક
હિન્દુ પુજારીના પુત્રની બાજુમાં બેસતા. એમના શિક્ષકને એક મુસ્લિમ વિદ્યાર્થી હિન્દુ
વિદ્યાર્થી સાથે બેસે એ પસંદ નહોતું એટલે એમણે કલામને છેલ્લી પાટલીએ બેસવા કહ્યું.
નાનકડા કલામને આ ગમ્યું તો નહિ પરંતુ તેઓ શું કરી શકે? એમના મિત્ર રામાનંદ શાસ્ત્રીના
પિતા લક્ષ્મણ શાસ્ત્રીને આ વાતની ખબર પડી ત્યારે એમણે શિક્ષકને ઠપકો આપ્યો. કલામ દરેક
ધર્મને આદર આપતા. તેઓ હંમેશા એમની પાસે ભગવદ ગીતા અને કુરાન રાખતા.
કલામ એમનો અભ્યાસ ખર્ચ કાઢવા છાપાં વેંચતા. તેઓ ઘણો
ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હતા. તેઓ આગળ અભ્યાસ માટે રામનાથપુરમ ગયા. તેઓ ગણિત અને વિજ્ઞાનમાં
ઘણા હોશિયાર હતા. એક વખત એમના ગણિતના શિક્ષકે એમને કશા વાંક ગુના વગર જ સજા કરી. પાછળથી
જયારે કલામે ગણિતમાં ઘણા જ સારા ગુણ મેળવ્યા ત્યારે એ શિક્ષકે કહ્યું કે તેઓ જેમને
સજા કરે છે તે મહાન વ્યક્તિ બને છે. કલામ સાચે જ એક મહાન વ્યક્તિ બન્યા!
કલામ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ
કરવા માંગતા હતા પરંતુ એમની પાસે ફી ભરવાના ૧૦૦૦/- રુપિયા નહોતા. આથી એમની મોટી બહેને
તેના ઘરેણાં વેંચીને એમની ફી ભરી. કલામે આ બરાબર યાદ રાખ્યું અને ખુબ જ મહેનત કરીને
કાયમ સારા ગુણ મેળવ્યા જેથી એમની શિષ્યવૃત્તિ ચાલુ રહે. કોલેજ પ્રોજેક્ટમાં એમણે અત્યંત
નીચી ઊંચાઈએથી ઉડી શકે એવા વિમાનની ડિઝાઇન બનાવી. અને એ રીતે ભારતના 'મિસાઈલ મેન'ની
એક નવી જ કારકિર્દીની શરૂઆત થઇ!
અબ્દુલ કલામ અને બાળકો / યુવાનો
અબ્દુલ કલામ એક સફળ વૈજ્ઞાનિક હતા તે સાથે તેઓ ઘણા
લાગણીપ્રધાન પણ હતા. તેઓ હંમેશા વિજ્ઞાનનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે થાય એવું વિચારતા.
એક વખત તેઓ અપંગ બાળકોની શાળાની મુલાકાતે ગયા હતા. એમણે પોલિયોગ્રસ્ત નાનકડા બાળકોને
અત્યંત વજનદાર બુટ પહેરીને ચાલતા જોયા. બાળકોને ઘણી જ પીડા થતી હતી.
અબ્દુલ કલામ બાળકોનું આવું દર્દ જોઈને ઘણા જ વ્યથિત
થઇ ગયા. એમણે તરત જ આ બાળકો માટે કાંઈક કરવાનું વિચાર્યું. એમણે આવા બુટ માટે લોખંડને
બદલે મિસાઈલ બનાવવા વપરાય છે એવી હલકા વજનની ધાતુનો ઉપયોગ કરવા સૂચવ્યું. આનાથી બુટ
ઘણા જ હળવા બની જતાં પોલિયોગ્રસ્ત બાળકોને ઘણી જ રાહત થઇ ગઈ. આ બાળકોના મુખ પર સ્મિત
જોઈ કલામ પણ સંતોષ સાથે આનંદ પામ્યા.
એક વાર કલામ ગુજરાતના આણંદની એક શાળામાં ગયા હતા.
આણંદ અમુલ ડેરી માટે પ્રખ્યાત છે. વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમ્યાન એમણે પૂછ્યું
કે આપણો સૌથી મોટો શત્રુ કોણ છે? વિદ્યાર્થીઓએ જુદા જુદા ઉત્તરો આપ્યા. સ્નેહલ ઠક્કર
નામની એક હોનહાર વિદ્યાર્થીનીએ જવાબ આપ્યો કે આપણો સૌથી મોટો શત્રુ ગરીબી છે. અબ્દુલ
કલામ એનાથી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે એમનું પુસ્તક 'ઇગનાઇટેડ માઈન્ડ' સ્નેહલને
અર્પણ કર્યું અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમના શપથગ્રહણ સમારંભમાં તેને આમંત્રણ
પણ આપ્યું. સ્નેહલ હાલ યુકેમાં સ્થાયી થઇ છે.
અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ નહોતા બન્યા ત્યારે
તેઓ એક વખત અમદાવાદના વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની મુલાકાતે ગયા હતા.
નિસર્ગ ત્રિવેદી નામનો એક વિદ્યાર્થી એમને મળવા માંગતો હતો. તેઓ આખો દિવસ અત્યંત વ્યસ્ત
હતા એટલે તે એમને મળી ન શક્યો. નિસર્ગ તો તેના આ પ્રેરણામૂર્તિને મળવા માંગતો જ હતો
એટલે તે મોડી સાંજ સુધી ત્યાં બેસી રહ્યો.
અબ્દુલ કલામને ખબર પડી કે તરત જ તેને બોલાવ્યો અને
તેની સાથે વાતો કરી. એમણે નિસર્ગને અંતરિક્ષ વિજ્ઞાનમાં અભ્યાસ કરવાની સલાહ આપી.
પછીથી અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ થયા ત્યારે તેઓ
ગાંધી આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યારે પણ તેઓ નિસર્ગને મળ્યા અને તેને અવકાશ વિજ્ઞાનના
પુસ્તકો વાંચવા કહ્યું. એમણે તેને અંતરિક્ષ વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે પરદેશની
કેટલીક ખ્યાતનામ યુનિવર્સીટીની માહિતી પણ આપી.
૨૦૧૩માં અબ્દુલ કલામ યુએસએના જેક્સન વિલે ગયા હતા.
તે વખતે એમ્બી રિડલ એરોનોટિકલ યુનિવર્સીટીએ ઉચ્ચ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓની યાદી
બહાર પાડી હતી. એમાં એક ભારતીય વિદ્યાર્થી પણ હતો. અબ્દુલ કલામે આ જાણ્યું ત્યારે એમણે
એ વિદ્યાર્થીને મળવાની ઈચ્છા દર્શાવી. યુનિવર્સીટીએ એમની એ વિદ્યાર્થી સાથે મુલાકાત
ગોઠવી આપી. તે તેજસ્વી વિદ્યાર્થી નિસર્ગ ત્રિવેદી હતો! એણે અબ્દુલ કલામને પોતાના બાળપણની
એ ઘટનાઓ યાદ કરાવી જયારે તે એમને અમદાવાદમાં મળ્યો હતો. એમની પોતાની સાથેની તસવીરો
પણ બતાવી. અબ્દુલ કલામ તેની આવી ઝળહળતી કારકિર્દી જોઈને એટલા બધા ખુશ થઇ ગયા કે એમણે
અમેરિકામાં નિસર્ગનું બહુમાન કરવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું.
અબ્દુલ કલામ અગ્નિ મિસાઈલના પ્રોજેક્ટમાં વડા હતા
ત્યારે એમની નીચે કામ કરતા એક વૈજ્ઞાનિકે એમની પાસે ઘરે વહેલા જવા પરવાનગી માંગી. તે
એના બાળકોને એક પ્રદર્શન બતાવવા લઇ જવાનો હતો. કલામે એને પરવાનગી આપી પરંતુ તે કામની
વ્યસ્તતામાં ભૂલી જ ગયો. રાતે તે ઘરે ગયો ત્યારે તે ઘણો જ દુઃખી થઈ ગયો હતો કારણકે
તે એના બાળકોને પ્રદર્શન બતાવવા નહોતો લઇ ગયો. ઘરે જઈને એને જાણવા મળ્યું કે ખુદ અબ્દુલ
કલામ જ તેના ઘરે જઈને તેના બાળકોને પ્રદર્શન જોવા લઇ ગયા હતા! તેઓ તેને કામમાં ખલેલ
ન થાય માટે તેને કહ્યા વિના જ ગયા હતા. આમ અબ્દુલ કલામ બાળકોનો આટલો બધો ખ્યાલ રાખતા
હતા.
અબ્દુલ કલામનું નામ ભારતના રાષ્ટ્રપતિ તરીકે નક્કી
થઇ ગયું ત્યારે તેઓ એક શાળાની મુલાકાતે ગયા હતા. એમણે પ્રવચન શરુ કર્યું ત્યારે વીજળી
જતી રહી. કલામે માઈકનો ઉપયોગ કર્યા વગર જ પ્રવચન આપ્યું. તેઓ જયારે પણ કોઈ શાળામાં
કે કોલેજમાં જતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને એમની સાથે તસ્વીર પડાવવા દેતા. તેઓ ક્યારેય
તેમને નિરાશ નહોતા કરતા. અબ્દુલ કલામ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેતા. રોજ તેઓ
વિદ્યાર્થીઓની ઇમેઇલના જવાબ આપવા સમય ફાળવતા. એમની વિદ્યાર્થીઓ સાથે રહેવાની ઈચ્છા
એટલી પ્રબળ હતી કે તેઓ હંમેશા ઇચ્છતા કે એમનું મૃત્યુ પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે હોય
ત્યારે જ આવે. અને જુઓ, ભગવાને એમની આ પ્રાર્થના પણ સાંભળી! તેઓ વિદ્યાર્થીઓને પ્રવચન
આપવા સ્ટેજ ઉપર હતા ત્યારે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને એમણે અંતિમ શ્વાસ વિદ્યાર્થીઓની
સામે જ લીધા!
સી વી રામન
સર
સી.વી. રામન (ચંદ્રશેખર વેંકટ, ૧૮૮૮ – ૧૯૭૦), જગ વિખ્યાત વૈજ્ઞાનિક હતા જેમને
૧૯૩૦માં ભૌતિક વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. તેઓ અત્યંત સાદા અને સરળ
વ્યક્તિ હતા. તેઓ પ્રામાણિક અને શુદ્ધ ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ તરીકે લોકોમાં ઘણો
જ આદર પામતા.તેઓ દયાળુ અને ઉદાર હતા. એમને નોબેલ પારિતોષિકની જે રકમ મળી હતી તે
બધી જ એમણે બેન્ગલોરમાં વિજ્ઞાન સંશોધન સંસ્થા સ્થાપવા માટે આપી દીધી હતી.
સી વી રામનનું બાળપણ
રામનનો
ઉછેર સાહિત્ય, સંગીત, વિજ્ઞાન અને સંસ્કૃતને ઉત્તેજન આપતા વાતાવરણમાં થયો હતો. તેઓ
દરેક કક્ષામાં પ્રથમ આવતા અને એક અલૌકિક બુદ્ધિપ્રતિભા ધરાવતા બાળક હતા.
માત્ર ૧૨ વર્ષની વયે એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી
દીધી અને એવીએન કોલેજમાં અભ્યાસ કરવા ગયા. ત્યાર બાદ તેઓ મદ્રાસની પ્રખ્યાત પ્રેસિડેન્સી
કોલેજમાં અભ્યાસ કરવા ગયા. માત્ર ૧૫ વર્ષે તેઓ ભૌતિક વિજ્ઞાન અને અંગ્રેજીમાં સર્વોચ્ચ
ગુણ સાથે પાસ થયા. તે દિવસોમાં સરકાર તરફથી આવા હોનહાર વિદ્યાર્થીઓને ઇંગ્લેન્ડ ઉચ્ચ
અભ્યાસ અર્થે મોકલવામાં આવતા.
પરંતુ રામનની તબિયત સારી નહોતી રહેતી એટલે તેઓ વિલાયત
ન ગયા પણ પ્રેસિડેન્સી કોલેજમાં જ આગળ અભ્યાસ કર્યો. ૧૯૦૭માં ૧૭ વર્ષે એમણે સર્વોચ્ચ
ગુણ સાથે અનુસ્નાતક – માસ્ટર ડિગ્રી પણ મેળવી લીધી.
સી વી રામન અને
યુવાનો
એક
વખત રામને એમની સંશોધન સંસ્થામાં સંશોધન કાર્યના સહાયક તરીકે પસંદગી કરવા કેટલાક
ઉમેદવારોને બોલાવ્યા હતા. એમણે એક ઉમેદવારને સાફ શબ્દોમાં કહી દીધું કે તેની
પસંદગી થવાની શક્યતા નથી. બપોરે રામન જમવા ગયા અને ૩ વાગે પાછા આવ્યા ત્યારે એમણે
તે યુવાનને એમના કાર્યાલય પાસે આંટા મારતો જોયો.
એમણે
તેને પાસે બોલાવીને કડક શબ્દોમાં કહ્યું, “મેં તને કહ્યું તો ખરું કે તારી પસંદગી
શક્ય નથી. તો પછી તું શા માટે હજી સુધી અહીં જ છે?”
તે
યુવાને વિનમ્રતાથી કહ્યું, “સાહેબ, માફ કરજો પણ હું અહીં મને પસંદ કરવાની વિનંતી
કરવા નથી રોકાયો. પણ હિસાબનીશે ભૂલથી મને મારા ભાડાના પૈસા વધારે આપી દીધા છે તે
પાછા આપવા રહ્યો છું.”
સી.
વી. રામન આ યુવાનની પ્રામાણિકતા જોઈને ખુબ જ પ્રભાવિત થયા.
એમણે
તેને કહ્યું, “મારા વહાલા બેટા, ચિંતા ન કરીશ. હું તને મારી સંસ્થામાં સંશોધન કરવા
પસંદ કરું છું. તારી પ્રામાણિકતા અને સત્યવ્રતા જ તારી મૂડી છે જે તને તારા સંશોધન
કાર્યમાં અને જીવનમાં ખુબ જ ઉપયોગી થશે.”
વિક્રમ સારાભાઈ
ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતામહ ગણાતા વિક્રમ
સારાભાઈ અલૌકિક બુદ્ધિમતા ધરાવતા વૈજ્ઞાનિક હતા. એમણે દેશ માટે ઘણું પ્રદાન કર્યું
છે – ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ), ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ઈસરો),
અમદાવાદની જગ વિખ્યાત મેનેજમેન્ટ કોલેજ આઈઆઈ એમ, કાપડ ઉદ્યોગમાં સંશોધન માટેની સંસ્થા
અટીરા એમની દેશને આપેલ અમૂલ્ય ભેટ છે.
વિક્રમ સારાભાઈનું બાળપણ
બાળ વિક્રમને શાળાના
શિક્ષણ ઉપરાંત તેના ઘરે આવતા ભારતના મહાનુભાવો પાસેથી ઘણું શીખવા મળતું. ગુરુદેવ
રવીન્દ્રનાથ ટાગોર, જે. કૃષ્ણમૂર્તિ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરોજિની
નાયડુ, મૌલાના આઝાદ, સી વી રામન જેવા મહાનુભાવો જયારે પણ અમદાવાદ આવતા ત્યારે
સારાભાઈ કુટુંબ સાથે જ રહેતા. ખુદ મહાત્મા ગાંધી પણ એમની બીમારી બાદ આરામ કરવા
સારાભાઈના ઘરે રહ્યા હતા. આટલા બધા મહાનુભાવોના સંપર્કથી વિક્રમને ઘણું બધું જાણવા
મળતું. એમની બુદ્ધિમતા ખીલી ઉઠી અને એમને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ પડવા લાગ્યો.
એમના શિક્ષક કહેતા કે એમણે ક્યારેય વિક્રમને ગુસ્સે થતા નથી જોયા અને તે કોઈની
સામે ઊંચા અવાજે વાત ન કરતા.
વિક્રમ ૫ કે ૬ વર્ષના હતા
ત્યારે એમનું કુટુંબ ઉનાળાની રજાઓ ગાળવા સિમલા ગયું હતું. ત્યાં વિક્રમે જોયું કે
એના પિતા પર રોજ અસંખ્ય પત્રો આવતા. વિક્રમને થયું કે એના પર પણ આવા પત્રો આવતા
હોય તો કેવું સારું? એણે પિતાની ઓફિસમાંથી કેટલાક કવર લીધા, તેના પર ટપાલટીકીટ
ચોંટાડી, પોતાનું જ સરનામું લખ્યું અને ટપાલપેટીમાં નાંખી આવ્યા. એમના પિતાને ખબર
પડી કે વિક્રમને પણ રોજ પત્રો મળવા લાગ્યા છે એટલે એમણે વિક્રમને તે અંગે પૂછ્યું.
વિક્રમે હસતાં હસતાં કહ્યું કે તે પોતે જ પોતાને પત્રો મોકલે છે.
વિક્રમ બાળપણથી જ ઘણા સાહસિક
હતા. ૮ વર્ષે તેઓ સાયકલ ચલાવતાં શીખી ગયા. તેઓ સાયકલ ઉપર જાત જાતના ખેલ કરીને લોકોને
આશ્ચર્ય પમાડી દેતા. સાયકલ આગળ ધપતી જાય એમ તેઓ હાથ અધ્ધર કરી દેતા, પગ આગળ લાંબા કરી
દેતા, આંખો બંધ કરી દેતા અને પેડલ મારવાનું બંધ કરી દેતા. ઘરના બધા એમને આવા જોખમી
ખેલ ન કરવા ખુબ જ વિનંતી કરતા પરંતુ તેઓ કોઈનું પણ સાંભળતા નહિ.
એમના ઘરના ફળિયામાં એક નાનું
તળાવ બનાવ્યું હતું. તેમાં એક હોડી પણ રાખેલી. વિક્રમ એકાદ નોકરને સાથે રાખીને બીજા
બે ત્રણ બાળકોને હોડીમાં ફરવા લઇ જતા. એક વાર હોડી ઉંધી પડી ગઈ અને બધા પાણીમાં પડી
ગયા અને બચાવ માટે બૂમો પાડવા લાગ્યા. નજીકમાં કામ કરી રહેલા માળીએ તરત જ તળાવમાં કૂદીને
બધાને બચાવી લીધા.
વિક્રમ અભ્યાસમાં તીવ્ર રુચિ
અને ઉત્સુકતા દાખવતા. તેઓ ખુબ જ ઉત્સાહથી ગણિત અને વિજ્ઞાન ભણતા. એમના શિક્ષકો કહેતા
કે તેઓ બિલકુલ આળસ કર્યા વગર મહેનત કરતા અને રજાઓમાં પણ અભ્યાસ કરતા જેથી તેઓ અન્ય
વિદ્યાર્થીઓ કરતાં ઘણા જ આગળ રહેતા.
આ બાળ વૈજ્ઞાનિકે એક સ્ટીમ
એન્જીન પણ બનાવ્યું હતું. આ એન્જીન હાલમાં વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત અમદાવાદના
કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવેલ છે જેથી બાળકોને આવી રીતે પ્રયોગો કરીને
અને આવા મોડલ બનાવીને વિજ્ઞાન શીખવામાં પ્રોત્સાહન મળે.
વિક્રમ સારાભાઈ અને યુવાનો
વિક્રમ સારાભાઈ હંમેશા એવું
ઇચ્છતા કે બાળકો જાતે પ્રયોગો કરીને વિજ્ઞાન શીખે. એટલે એમણે ૧૯૬૦માં અમદાવાદમાં કોમ્યુનિટી
સાયન્સ સેન્ટરની સ્થાપના કરી. આજે પણ એમના કુટુંબીજનો આ સેન્ટરની યોગ્ય જાળવણી કરે
છે અને અત્યાર સુધીમાં લાખો બાળકોએ આ સેન્ટરમાં આવીને પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું છે.
એક વખત કેટલાક વિદ્યાર્થીઓ
એક નાની પ્રયોગશાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. એક પ્રયોગ દરમ્યાન ભારે વીજપ્રવાહને લીધે
મીટર સળગી ગયું. તે દિવસોમાં આવું મીટર સહેલાઇથી નહોતું મળતું. આ એક મીટર બળી જવાથી
ઘણા અગત્યના પ્રયોગો મહિનાઓ સુધી બંધ રાખવા પડયા.
વિક્રમ સારાભાઈએ થોડા સમય પહેલાં
જ આ પ્રયોગશાળા સ્થાપી હતી એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા કે એમને આ વાતની જાણ થશે ત્યારે
તેઓ શું કહેશે. પરંતુ એમને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ બિલકુલ ગુસ્સે ન થયા.
એમના ચહેરા પર ઉશ્કેરાટ કે સંતાપના ભાવ પણ ન આવ્યા. તેના બદલે એમણે ખુબ જ સ્વસ્થતા
રાખીને કહયું, "બસ એટલું જ? મન પર આનો બહુ ભાર ના લેશો. વિદ્યાર્થીઓ કાઇંક શીખતા
હોય ત્યારે આવું બધું તો થયા કરે. વિદ્યાર્થીઓ ભૂલ ન કરે તો શીખે કેવી રીતે? ભવિષ્યમાં
તમે વધારે કાળજી રાખતાં શીખો એટલું પૂરતું છે."
વિક્રમ સારાભાઈએ સતીશ ધવન અને
અબ્દુલ કલામ જેવા યુવાનોને કાંઈક નવીન શોધવા પ્રોત્સાહન આપીને એમને સફળ વૈજ્ઞાનિક બનાવ્યા.
રવિન્દ્રનાથ ટાગોર
રવિન્દ્રનાથ ટાગોર ભારતના એક
ખ્યાતનામ મહાપુરુષ છે જેમને એમના "ગીતાંજલિ" કાવ્ય માટે સાહિત્યનું નોબેલ
પારિતોષિક મળ્યું હતું. તેઓ દુનિયાના એક માત્ર એવા કવિ છે જેમણે બે દેશોના રાષ્ટ્રગીત
લખ્યાં છે - ભારતનું 'જન મન ગણ' અને બાંગ્લાદેશનું 'ઓમાર સોનાર બાંગ્લાદેશ'.
રવિન્દ્રનાથનું બાળપણ
બાળક રવિન્દ્ર હંમેશા દૂર દૂરના
સ્થળોના દિવા સ્વપ્નો જોયા કરતા. એમનો કુદરત પ્રત્યે ઘણો જ લગાવ હતો. બીજા બધા જયારે
અન્ય કામોમાં વ્યસ્ત હોય ત્યારે તેઓ કુદરતને ભરપૂર માણતા. તેઓ મનભરીને તળાવ, વડલા,
નારિયેળીની ઘટા જોયા કરતા. એમને વાર્તાઓ, દંતકથાઓ, જોડકણાં અને ગીતોમાં પણ ભરપૂર આનંદ
મળતો.
રવિન્દ્રનાથને ઘણી નાની વયથી
જ લોકગીતો, પાશ્ચાત્ય સંગીત અને સાહિત્યનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તેઓ બાળમંદિરમાં
સૌપ્રથમ જોડકણું શીખ્યા ત્યારથી જ એમને કવિતાઓનો જાદુ સપર્શી ગયો હતો.
માત્ર ૮ વર્ષની વયથી જ તેઓ
કવિતાઓ લખવા માંડયા હતા. ૧૧ વર્ષની ઉંમરે એમણે એમના પિતાજી સાથે ભારતયાત્રા કરી. આ
મુસાફરી દરમ્યાન એમણે અનેક પ્રખ્યાત કવિઓ અને લેખકોની રચનાઓ વાંચી. સંસ્કૃતના પ્રકાંડ
પંડિત કવિ કાલિદાસની કવિતાઓ પણ વાંચી.
આ યાત્રામાંથી ઘરે પાછા આવીને
એમણે ૧૮૭૭માં મૈથિલી શૈલીમાં એક દીર્ઘ કાવ્ય લખ્યું. માત્ર ૧૭ વર્ષની ઉંમરે એમણે એમની
એક વિખ્યાત કવિતા 'નિર્ઝરે સ્વપ્નભંગ' લખી હતી.
રવિન્દ્રનાથ અને બાળકો / યુવાનો
રવિન્દ્રનાથે બાળકો માટે અસંખ્ય
કાવ્યો અને ગીતો લખ્યાં છે. તેઓ બાળકમાં ભગવાન જોતા. તેઓ જયારે પણ બાળકો સાથે વાતચીત
કરતા ત્યારે ખાસ ધ્યાન રાખીને એકદમ સરળ ભાષા જ વાપરતા જેથી દરેક બાળક સમજી શકે અને
એનો આનંદ લઇ શકે.
એમણે કલકત્તામાં વિશ્વવિખ્યાત
શાંતિનિકેતનની સ્થાપના કરી. આજથી ૧૦૦ વર્ષ અગાઉ ૨૦મી સદીની શરુઆતમાં એમણે ભારતીય પરંપરાગત
ભણતરની સાથે જરુરી એવો પશ્ચિમી અભ્યાસક્રમ શીખવવાનું પણ નક્કી કર્યું હતું. પ્રાચીન
ઋષિઓના આશ્રમની જેમ આ શાળા પણ મુક્ત કુદરતી વાતાવરણમાં ભણાવતી. એમણે વિચાર્યું કે વિદ્યાર્થીઓને
જરુરી અભ્યાસક્રમ ઉપરાંત પ્રત્યક્ષ જ્ઞાન પણ મળવું જોઈએ. આથી એમણે ખેતીકામ, પશુપાલન,
પોસ્ટ ઓફિસના કામ અને બીજા કામકાજ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન મળે એવી વ્યવસ્થા કરી.
એમણે આ વિદ્યાર્થીઓને ગામડાંઓમાં ખેડૂતો અને અભણ લોકોને શિક્ષણ આપવા મોકલ્યા. એમણે
કૃષિવિદ્યા શીખવવા શ્રીનિકેતનની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ અહીં આધુનિક કૃષિ પદ્ધતિ
શીખીને ગામડાંઓમાં ખેડૂતોને તે શીખવવા જતા. ખરેખર રવિન્દ્રનાથ એમના સમય કરતાં ઘણું
જ આગળનું વિચારી શકતા હતા!
ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજનું
બાળપણ
બાળક રવિશંકરના માતા નાથીબા એને રામાયણ, મહાભારત અને સંસ્કાર
કથાઓ કહેતા. આ વાતો સાંભળી નાનકડો રવિ પૂછે,”બા, રામ, લક્ષ્મણ, જાનકીજી, ભીમ એ બધાને
ઘોર જંગલમાં જાય તે બીક ના લાગે? રાક્ષસો ના આવે? વાઘ ના આવે?”
નાથીબા કહે,”દીકરા બીક તો મનમાં હોય, જો બહાદૂર થઈ આ શરીરને
ખડતલ બનાવીએ તો બીક આપણાથી સંતાઈ જાય.”
માતાના આ બોલ પકડીને મોટો થયેલ આ બાળ રવિશંકર
એવો નિર્ભય થયો કે, સાચે જ એક દિવસ બહારવટિયા સામે બાથ ભીડવા અને એમને સુધારવા
નીકળી પડેલ.
એમના
પિતાશ્રી શિક્ષક એટલે સાદાઈ ને સંયમના પાઠ ભણાવતા. પણ વગડે જઈ આમલી-પીપળી રમવાનું
ને કલાકો સુધી નદી કે તળાવમાં તરવાનું, એ રવિશંકરનો રોજનો કાર્યક્રમ. સાત
ચોપડી અભ્યાસ પૂરો કર્યો ને સાથે સાથે ગામની સંસ્કૃતિનું વિપુલ સામાજિક જ્ઞાન
એ ઝીલતો ગયો.
રવિશંકર
મહારાજ અને બાળકો / યુવાનો
વર્ષ 1967-68ની વાત છે. બિહારમાં દુષ્કાળ પડતાં ગુજરાતના મૂકસેવક રવિશંકર
મહારાજ (વ્યાસ)નું ગયા જિલ્લાના અંબા ગામમાં રાહતકેન્દ્ર ચાલતું હતું. એક દિવસ
રાહતકેન્દ્રમાં અનાજનું વિતરણ થઇ ગયા બાદ બધા ચાલ્યા ગયાં પણ એક બાળક એકલું રડી
રહ્યું હતું. જેથી તેની મા ભૂલી ગઇ હશે અથવા દુષ્કાળની સ્થિતિમાં છોડીને ચાલી ગઇ
હશે એમ માનીને રવિશંકર મહારાજે બાળકને સ્નેહથી પંપાળ્યો અને બિસ્કિટ આપીને ખોળામાં
બેસાડ્યો.
રવિશંકર મહારાજ આ બાળકને ગુજરાત લઇ આવ્યા અને પોતાના ત્રીજો દિકરો માનીને
ઉછેર કર્યો
બાળકને જોઇને રવિશંકર મહારાજે કહેલું કે મારો કૃષ્ણકનૈયો જ બાળરૂપે મારે આંગણે આવ્યો છે જેથી હવે તેને શ્યામ કહીને બોલાવીશ. આમ દાદાએ આ બાળકને શ્યામ નામ આપ્યું અને પિતાની જગ્યાએ તેઓનું નામ આપીને સમાજમાં એક ઓળખ આપી હતી. દાદા માનતા કે શિક્ષણથી જ સમાજની મોટા ભાગની સમસ્યાઓ દૂર થઇ શકે છે. જેથી તેઓ ઇચ્છતા કે શ્યામ સારો શિક્ષક બને.
આ
શ્યામકુમાર રવિશંકર વ્યાસ ઉમદા શિક્ષક બન્યા.
એક દિવસ ચાર-પાંચ જુવાનિયા રવિશંકર મહારાજ પાસે આવ્યા.
વાતવાતમાં તેમણે પૂછ્યું: ‘મહારાજ, અમે ઈંડાં ખાઈએ તે અંગે
તમારો શો અભિપ્રાય છે?’
રવિશંકર મહારાજને થયું: ‘એમને શો જવાબ આપું? પણ તરત જ એમનાથી
કહેવાઈ ગયું: ‘અલ્યા, તમારે ઈંડાં ખાવાં કે નહિ એમાં મને શું પૂછો છો? – એ ઈંડાંની
મૂકનાર માને જ પૂછી જુવોને!’
‘પણ દાદા, નિર્જીવ ઈંડાં ખાઈએ તો?’
‘પણ, મને એ તો કહો કે તમારે ઈંડાં ખાવાં છે શું કામ?’
યુવાનોમાંથી એકે કહ્યું: ‘કેમ ? ઈંડાંમાં પુષ્કળ વિટામીન અને
પ્રોટીન હોય છે.’
‘તમારી પાસે છે એટલું વિટામિન તો વાપરો! – પછી ખૂટે તો
વિચારજો.’
ખપની શક્તિ કરતાં વધારે શક્તિ શરીરમાં ઉત્પન્ન થાય તો તેમાંથી
વિકાર જન્મે. આ બહુ સમજવા જેવી વાત છે. એટલે જેટલું કામ કરવાનું હોય એટલી જ શક્તિ
ઉત્પન્ન કરવી જોઈએ. વધારાની શક્તિથી લાભ નથી; ઊલટાની વધારાની શક્તિ ચિત્ત ને
ઈન્દ્રિયોમાં વિકાર પેદા કરે છે.’ - આ શીખ રવિશંકર મહારાજને ગાંધીજીએ આપી હતી!
ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહ
ભાવનગરના
ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહએ ભારતની સ્વતંત્રતા બાદ ભાવનગર રાજ્યને સરદાર
પટેલના ચરણોમાં દેશને સમર્પિત કરી દીધું હતું. અખંડ ભારત નિર્માણ કરવાના સરદાર
પટેલના કાર્યમાં સામે ચાલીને પોતાનું રાજ્ય દેશને સોંપી દેનાર તેઓ ભારતના સૌપ્રથમ
રાજવી હતા. એમનું વ્યક્તિત્વ હંમેશા એકદમ સરળ અને પ્રજા વત્સલ રહ્યું હતું. એમના
જીવન વિષે સંપૂર્ણ માહિતી મેળવવા શ્રી.ગંભીરસિંહ ગોહિલનું પુસ્તક "પ્રજા
વત્સલ રાજવી" અવશ્ય વાંચવું.
શ્રી.કૃષ્ણકુમારસિંહ અને
બાળકો / યુવાનો
એક
વાર ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ એક અંગ્રેજી નાટક ભજવ્યું. એમાં
આયર્લેન્ડના ગવર્નર અને ડોક્ટરના પાત્ર હતા. મહારાજા સાહેબ આ નાટક જોવા ખાસ પધાર્યા
હતા. એમણે નાટક ખુબ આનંદથી માણ્યું. નાટક પૂરું થયા પછી એમણે કલાકાર વિદ્યાર્થીઓને
મળવા બોલાવ્યા. વિદ્યાર્થીઓ મહારાજાના ચરણ સ્પર્શ કરવા લાગ્યા તો એમણે કહ્યું,
"અરે અરે આમ નહિ. હું તો ગવર્નરને અને ડોક્ટરને મળવા માગું છું.” આમ કહી એમણે
ગવર્નરને સલામ કરી અને ડોક્ટર સાથે હાથ મિલાવ્યા.
ખુદ
મહારાજા સાહેબે આવું કર્યું એ વાત આ કલાકાર વિદ્યાર્થીઓ માની જ નહોતા શકતા. આ કલાકારોમાં
ગવર્નર બનેલ વિદ્યાર્થી (જેમને મહારાજા સાહેબે સલામી આપી ખુબ જ પોરસાવ્યા હતા) જનાર્દન
અંજારિયા એ મારા પિતાશ્રી! આ અંગ્રેજી નાટક ભજવવા મહેનત કરનાર શિક્ષકોમાં એક વિષ્ણુપ્રસાદ
અંજારિયા એ મારા પૂજ્ય દાદા!
એક
વાર મહારાજા સાહેબ એમની મોટરમાં બેસીને રાજ્યની સ્થિતિ જાણવા નીકળ્યા હતા. એમણે કેટલાક
વિદ્યાર્થીઓને ભાવનગરના સુંદરબાગમાં બેઠેલા જોયા. એમણે ત્યાં જઈને એમના ખબર અંતર પૂછ્યા
તો જાણ્યું કે આ વિદ્યાર્થીઓ શામળદાસ કોલેજમાં ભણતા હતા અને પીકનીક માટે આવ્યા હતા.
અત્યારે તેઓ થોડો નાસ્તો કરવાના હતા. મહારાજા સાહેબે એમને પૂછ્યું કે નાસ્તા સાથે ચાનું
શું? વિદ્યાર્થીઓએ કહ્યું કે ચાની સગવડ તો નથી. મહારાજ સાહેબે કહ્યું કે, "ચા
વગર નાસ્તાની શી મજા?" તેઓ પછી એમની મોટરમાં નીકળી ગયા. થોડા સમય બાદ એમની મોટર
સુંદરબાગમાં આવી.
એમના
માણસો એક જગમાં ગરમા ગરમ ચા લઇ આવ્યા હતા! કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની પીકનીક માટે
પણ રાજ્યના મહારાજાએ આટલી બધી દરકાર રાખી!
રાજકુમાર
શ્રી.વીરભદ્રસિંહજી જયારે કોલેજમાં આવ્યા ત્યારે મહારાજા શ્રી.કૃષ્ણકુમારસિંહજીએ એમને
અન્ય વિદ્યાર્થીઓ સાથે શામળદાસ કોલેજમાં જ ભણવા મોકલ્યા. એટલું જ નહિ પરંતુ એમને પણ
બીજા વિદ્યાર્થીઓ સાથે જ બેસીને ભણવા કહ્યું. એક રાજકુમારને ખાસ જુદી સગવડ ના આપી પણ
સામાન્ય વિદ્યાર્થીની જેમ જ ભણાવ્યા.
ગોંડલના રાજવી ભગવતસિંહ
ગોંડલનરેશ
ભગવતસિંહ એમના ઉત્તમ રાજ વહીવટ માટે આજે પણ ઉદાહરણીય ગણાય છે. એમણે ગુજરાતી શબ્દકોશ
ભગવદગોમંડલની રચના કરાવી ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે સદીઓ સુધી અમર રહે એવું પ્રદાન
કર્યું છે.
ભગવતસિંહનું બાળપણ
ભગવતસિંહ
સાવ નાના હતા ત્યારે જ એમના પિતાનું અવસાન થતાં, તેઓ પુખ્તવયના થયા ત્યાં સુધી એમણે
બ્રિટિશ હકુમત નીચે રાજ કર્યું હતું. એમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો
અને પછીથી વિજ્ઞાન અને તકનીકીની જાણકારી મેળવી. ૧૮૯૨માં તેઓ એડિનબર્ગ યુનિવર્સીટીમાં
ભણવા ગયા અને ૧૮૯૫માં તબીબી અભ્યાસ કરી ડોક્ટર બન્યા.
ભગવતસિંહ અને બાળકો /
યુવાનો
ભગવતસિંહજી
ઘણા જ સંવેદનશીલ હતા. ગોંડલમાં સૌ સલામત છે કે નહીં એ જાણ્યા પછી રાત્રે અગિયાર વાગ્યે
તેઓ ભોજન લેતા હતા. એક વાર એક બ્રાહ્મણ વિધવાનો પુત્ર ખોવાઇ ગયો. વિધવાની આંખમાં આંસુ
રોકાતા ન હતાં. ભગવતસિંહજીએ આદેશ કર્યો કે, ગમે તે ભોગે બાળકને શોધી લાવો. દોઢ દિવસે
બાળક સહી સલામત મળ્યું ત્યાર પછી જ ભગવતસિંહજીએ ભોજન લીધું હતું.
ભગવતસિંહજી
પ્રજા અને પોતાના વચ્ચે ક્યારેય ભેદભાવ કરતા નહીં. એમના અનુશાસનમાં દરેક માટે સમાન
કાયદા જ રહેતા. યુવાનો શિસ્ત શીખે તે એમની અગ્રીમતા રહેતી. એમના મહેલમાં એક બગીચો હતો.
આ બગીચામાં નિયમ હતો કે, ભગવતસિંહજીના આદેશ વગર પાંદડું પણ તોડી ન શકાય. પણ એકવાર એમના
દીકરા નટવરસિંહે માળી જોડે કેળાની લૂમ તોડવાની જીદ કરી. માળીએ બાપુનો નિયમ બતાવી ના
પાડી તો નટવરસિંહે માળીને તમાચો ચોડી દીધો અને કેળાની લૂમ તોડાવી. સાંજે ભગવતસિંહજી
બગીચામાં લટાર મારવા નીકળ્યા ત્યારે કેળાની લૂમ તૂટેલી જોઇ અને કારણ જાણ્યું.એટલું
જ નહીં, પોતાના પુત્ર નટવરસિંહને કાયદો તોડવા બદલ સજા કરી. એમના પાટવી કુંવર ભોજરાજસિંહને
દારૂની લત પડી તો એમને પણ રાજ્યની હદપાર કરી દીધા હતા.
ભગવતસિંહજીએ
સૌને શિક્ષણ મળે તે માટે દરેક ગામમાં શાળાઓ ખોલાવી હતી. તે સમયમાં કન્યાશિક્ષણને મહત્વ
નહોતું અપાતું ત્યારે એમણે કન્યાશાળા શરુ કરી દરેક કન્યાને શિક્ષણ મળે એની ખાસ વ્યવસ્થા
કરી.
કસ્તુરભાઈ લાલભાઇ
કસ્તુરભાઈ
એક ઉમદા વ્યક્તિ, સફળ ઉદ્યોગપતિ, ઉદાર દાતા, જૈન શ્રેષ્ઠી હતા. એમણે લોક કલ્યાણના અનેક
કાર્યો કર્યાં. તેઓ ધનપતિ હોવા છતાં એકદમ સાદગીથી રહેતા. માત્ર ૧૭ વર્ષની વયે એમણે
પિતાની છત્રછાયા ગુમાવી. પિતાના ઉદ્યોગ એમણે ત્યારથી જ સંભાળી લીધા હતા.
કસ્તુરભાઈ અને યુવાનો
કસ્તુરભાઈએ
એમની યુવાનીમાં યુરોપ અને ઇજિપ્તમાં ફરીને અનુભવ મેળવ્યો અને ભારતમાં વસ્ત્રઉદ્યોગ
ખીલવ્યો. એમની ૮૬ વર્ષની વયે પણ એમણે વિદેશ યાત્રાઓ ચાલુ રાખી હતી. એમણે યુવાનોને મંત્ર
આપ્યો કે ‘જીવ્યા કરતાં જોયું ભલું’. ગુજરાતના યુવાનોને ખાસ સૂચન કર્યું કે એમની પાસે
પાસપોર્ટ તો હોવો જ જોઈએ. તેઓ ઇચ્છતા કે યુવાનો વિદેશ જઈને બહોળો અનુભવ પ્રાપ્ત કરે,
સાહસિક બને અને દેશમાં કોઈ ઉદ્યોગ સ્થાપે.
દીર્ઘદ્રષ્ટા
કસ્તુરભાઈએ યુવાન વિક્રમ સારાભાઈને તેઓ જયારે ૨૮ વર્ષના હતા ત્યારે અટીરા - અમદાવાદ
ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનની સ્થાપના કરવાની સલાહ આપી હતી.
એમણે
વલસાડ પાસે અતુલ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી ત્યારે નાનામાં નાની બાબતમાં પણ અંગત રસ
લેતા. તેઓ ઇચ્છતા કે વધારે યુવાનો એમના આ સાહસમાં જોડાય અને એ માટે તેઓ યુવાનોને તમામ
પ્રકારે મદદરુપ થતા. એક વખત તબીબી અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ એમની પાસે અભ્યાસ માટે
મદદ માંગી. કસ્તુરભાઈએ એને સ્કોલરશીપ તો આપી સાથે સાથે વિચાર્યું કે અતુલ ઇન્ડસ્ટ્રીમાં
કામ કરતા લોકો અને એમના પરિવાર માટે તબીબી સારવારની જરુર પડશે માટે તબીબી વ્યવસ્થા
પણ હોવી જોઈએ. એમણે એ યુવાનને કહ્યું કે અભ્યાસ પૂરો કરીને તેને અતુલ ઇન્ડસ્ટ્રીમાં
તબીબ તરીકે નિમણુંક આપવામાં આવે છે! એક વખત એમના ધ્યાનમાં આવ્યું કે અતુલમાં જોડાયેલા
એક નવપરિણીત યુવાનના ઘરમાં પૂરતી સગવડ નથી. એમણે તાત્કાલિક એના ઘરમાં પૂરતી સગવડ કરી
આપી. એમના માટે કામ કરતા લોકોને કોઈ જ અગવડ ન પડે તેનો તેઓ ખ્યાલ રાખતા.
ઇન્દિરા ગાંધી
ઇન્દિરા ગાંધીનું બાળપણ
જવાહરલાલ
નહેરુના પુત્રી અને મોતીલાલ નહેરુના પૌત્રી હોવાથી ઇન્દિરા ગાંધીનો ઉછેર ભારતની સ્વતંત્રતા
ચળવળના વાતાવરણમાં થયો હતો. એમને મહાત્મા ગાંધી અને અન્ય મહાનુભાવોના આશીર્વાદ મળ્યા
હતા. આ સૌ મહાન નેતાઓ એમના ઘરે અવારનવાર આવતા.
મહાત્મા
ગાંધીએ દેશવાસીઓને તેમની પાસેની વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની વિનંતી કરી ત્યારે
નાનકડી ઇન્દિરાએ તેની અતિ પ્રિય ઢીંગલીઓ પણ વિદેશી વસ્તુઓની હોળીમાં પધરાવી દીધી. એમણે
'બાળ ચરખા સંઘ'ની સ્થાપના કરી હતી. ૧૯૩૦માં એમણે 'વાનર સેના' બનાવી. આ વાનર સેના અસહકારની
લડત દરમ્યાન કોંગ્રેસ પક્ષના નેતાઓને મદદ કરતી હતી. આ સેનાના બાળકો ઝંડા સીવીને, આંદોલનકારીઓને
ખાવાનું આપીને અને સ્વતંત્રતા માટે જેલમાં ગયેલા અભણ સ્વાતંત્ર્યસેનાનીઓને પત્ર લખી
આપીને મદદ કરતા હતા. પાછળથી ઇન્દિરા શાંતિનિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોર પાસે ઘડાયા હતાં.
ઇન્દિરા ગાંધી અને બાળકો
ભારતના
એક માત્ર મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી એક પ્રેમાળ માતા અને દાદીમા પણ હતાં. ઘણી
વાર તેઓ એમના પૌત્ર -પૌત્રી રાહુલ, પ્રિયંકા અને વરુણ સાથે રમત રમતાં જોવા મળતાં. લગભગ
દરેક વર્ષે દશેરાના દિવસે તેઓ એમના આ બાળકોને દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણ દહન જોવા
લઇ જતાં.
ઇન્દિરા
ગાંધીના માતૃસહજ માયાળુ સ્વભાવનો પરિચય કરાવતી એક જાણીતી ઘટના છે. એક વાર એમણે કેટલાક
બાળકોને પ્રધાનમંત્રી નિવાસસ્થાને આમંત્રિત કર્યાં હતાં. ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી
નંદિની શતપથી પણ ત્યાં હતાં. તેઓ બાળકો સાથે રમતાં હતાં ત્યારે ઇન્દિરાજીએ જોયું કે
એક નાનું બાળક કાંઈક અકળાતું હતું. તેઓ તરત જ એ બાળકની મૂંઝવણ પારખી ગયાં. એમણે એ બાળકને
તરત જ બાથરુમ જવાની સગવડ કરી આપી. ત્યાં હાજર સૌ કોઈ ભારતના પ્રધાનમંત્રીની એક નાનકડા
બાળક તરફની માતૃસહજ સંભાળ જોઈને લાગણીવશ થઇ ગયા.
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીનું બાળપણ
નરેન્દ્ર
મોદી વડનગર, ગુજરાતના એક સાધારણ કુટુંબમાંથી આવે છે. એમણે બાળપણમાં ગરીબાઈ જોઈ છે.
એમના પિતા ચાની દુકાન ચલાવતા એમાં તેઓ એમને મદદ કરતા.
એક
વખત કેટલાક બાળકો વડનગરના શર્મિષ્ઠા તળાવ પાસે રમત રમી રહ્યા હતા. એમનો દડો તળાવમાં
પડી ગયો. તળાવમાં ઘણા મગર હતા. નરેન્દ્ર દડો લેવા તળાવમાં કૂદી પડયા અને દડા સાથે મગરનું
એક બચ્ચું પણ લેતા આવ્યા. તેઓ તે બચ્ચું એમની માતાને બતાવવા ઘરે લઇ આવ્યા. એમની માતાએ
એમને કહ્યું કે એક માતાથી એના બાળકને વિખુટું પાડી દેવાથી માતાને અત્યંત દુઃખ થાય છે.
નરેન્દ્ર મગરનું બચ્ચું તળાવમાં પાછું મૂકી આવ્યા.
એક
વખત ચાર છોકરાઓ ભેગા થઈને એક છોકરાને મારતા હતા. નરેન્દ્રએ એમના શર્ટની પાછળ શાહી છાંટી
દીધી જેથી તે એમને શાળાના આચાર્ય સમક્ષ ઓળખી બતાવે. નરેન્દ્રને બાળપણથી જ દુઃખી, પીડિત
લોકો પ્રત્યે કરુણા હતી.
એક
વાર સુરતમાં તાપી નદીમાં પૂર આવ્યું ત્યારે નરેન્દ્રએ એમના ગામના મેળામાં ચાની દુકાન
રાખીને પૂરપીડિતો માટે ફાળો એકઠો કર્યો હતો. એમની શાળાની તૂટી ગયેલી દીવાલનું સમારકામ
કરાવવા એમણે નાટક ભજવીને ફાળો એકઠો કર્યો હતો.
એમના
કાકાએ એમને સફેદ બુટ આપ્યા હતા. તેઓ શાળામાંથી વધેલા ચોક લઇ આવીને આ બૂટને ચમકતા રાખતા.
તેઓ સળગતા કોલસા ભરેલા વાસણનો ઉપયોગ કરીને એમના ગણવેશને ઈસ્ત્રી કરતા.
નરેન્દ્ર મોદી અને બાળકો
/ યુવાનો
એક
વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાંથી બોલાવેલા શાળાના બાળકો સાથે વાર્તાલાપ યોજ્યો
હતો. ઈમ્ફાલ, મણિપુરથી આવેલા એલ બાળકે એમને પૂછ્યું, "હું ભારતનો વડાપ્રધાન કેવી
રીતે બની શકું?" નરેન્દ્ર મોદીએ એને ઉત્તર આપ્યો, "ભારત એક લોકશાહી દેશ હોવાથી
કોઈ પણ નાગરિક વડાપ્રધાન બની શકે. તું જયારે વડાપ્રધાન પદના શપથ લે ત્યારે મને જરુર
બોલાવજે! ખુબ જ મહેનત કર, કસરત કર અને મજબૂત બન. સ્વપ્ન જોવાં સારી વાત છે. પરંતુ આપણે
કાંઈક બનવાના નહિ પણ કાઇંક કરી છૂટવાના સ્વપ્ન જોવાં જોઈએ."
કેરળથી આવેલા એક વિદ્યાર્થીએ પૂછ્યું, “તમે કોના ઉપર વધુ ધ્યાન આપો?
એક હોશિયાર પણ આળસુ હોય એવા વિદ્યાર્થી ઉપર કે જે સામાન્ય હોય પણ ખુબ જ મહેનતુ હોય
એવા વિદ્યાર્થી ઉપર?”
નરેન્દ્ર મોદીએ એને ઉત્તર આપ્યો, “શિક્ષકે ક્યારેય ભેદભાવ ન રાખવો
જોઈએ. શિક્ષક માટે તો તમામ વિદ્યાર્થીઓ સરખા જ હોવા જોઈએ. દરેક બાળકમાં કોઈક ક્ષમતા
હોય જ છે. હું જો શિક્ષક હોઉં તો ક્યારેય ભેદભાવ ન રાખું.”
નરેન્દ્ર મોદીએ બાળકોને એવી સલાહ આપી છે કે એમણે બાળપણ બરાબર માણવું
જોઈએ. એમણે કહ્યું છે, “તમારામાંના બાળકને કદાપિ મરવા ન દેશો. એ જ તમને જીવન જીવવાનું
બળ આપે છે. આપણે સદા હસતા રહીને સુખી થઈએ.
આ ઉંમર જ આનંદ કરી લેવાની છે. આપણે એવી રીતે જીવવું જોઈએ કે જેથી આપણે હંમેશા યુવાન
રહીએ અને હસતી રમતી જીંદગી ભણી આગળ ધપીએ.”
નરેન્દ્ર મોદીએ બાળકોને આત્મકથાના વધુમાં વધુ પુસ્તકો વાંચવાનું
સૂચન કર્યું છે. વિદ્યાર્થીઓએ જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત અને સફળ લોકોના જીવન વિષે
વાંચવું જોઈએ. આપણે કોઈ પણ ક્ષેત્રના મહાન લોકોની આત્મકથા વાંચીએ તો આપણે ઇતિહાસને
વધારે સારી રીતે સમજી શકીએ અને તે આપણને ઘણું જ મદદરુપ થાય.
No comments:
Post a Comment