Pages

ગમ્મત સાથે જ્ઞાન - વિજ્ઞાન કથાઓ વિજ્ઞાન બાળ વાર્તાઓ સામાન્ય જ્ઞાન

ગમ્મત સાથે જ્ઞાન

બાળક ગોખણપટ્ટી કરવાને બદલે સરળ વાર્તા સ્વરૂપે ગમ્મત સાથે જ્ઞાન મેળવે એ માટે વિજ્ઞાન, ભૂગોળની રસપ્રદ હકીકતો બાળ વાર્તાઓમાં આપી છે.

- તુષાર જ. અંજારિયા

જ્ઞાન સમૃદ્ધ વાતો

પશુ-પંખીઓની એકતાએ જંગલ બચાવ્યું!

બાળ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે માનવ વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. આપણને રહેવા માટે જગ્યા જ ક્યાં છે? આપણે ગામડાં ભાંગી, ખેતરો વેંચી શહેરોની સરહદ વધારતા જ જઈએ છીએ. આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે જંગલો પણ કાપી નાખીએ છીએ એમાં બિચારાં નિર્દોષ પશુ-પંખીઓનો ભોગ લેવાઈ જાય છે.

એક વખત શહેરના સ્થપતિઓએ (ઘર - મકાન બાંધનારા બિલ્ડરો) મકાન બાંધવા માટે જમીન મેળવવા અને માલ સામાન માટે લાકડાં મેળવવા શહેર નજીકનું એક નાનું જંગલ પસંદ કર્યું. જંગલમાંથી વૃક્ષો કાપી નાખે તો ખુલ્લી જગ્યા મળી જાય જયાં મકાનો બાંધી શકાય. વૃક્ષોનાં લાકડાં પણ મળી જાય. એ લોકો એમની મોંઘી ગાડીઓ લઇ જંગલમાં ગયા.

બધા ભેગા મળીને જંગલ કાપવાની યોજના નક્કી કરતા હતા. ત્યાં નજીકના વૃક્ષ પર દોડા દોડી કરતી ખિસકોલીઓએ એમની વાતો સાંભળી. જંગલ કપાવાનું છે એ જાણતાં જ ખિસકોલી તો ધ્રુજી ઉઠી. "અરે બાપ રે, જંગલ કપાઈ જશે તો આપણે સૌ જશું ક્યાં?"

ખિસકોલીઓએ રોકકળ કરી મૂકી અને બધાં પશુ પંખીઓને ભેગાં કરી દીધાં. ખિસકોલીઓએ જે સાંભળ્યું હતું એ સૌને કીધું. માણસો જંગલ કાપીને ઘર બનાવશે એવું સાંભળીને કાગડાઓ હસા હસ કરવા લાગ્યા અને ખિસકોલીઓની મશ્કરી કરવા લાગ્યા. પરંતુ પોપટભાઈઓ એકદમ ગંભીર બની ગયા.

શાણા પોપટે બધાંને કહ્યું, "મિત્રો, આ હસવાની વાત નથી. જો આ માણસો જંગલ કાપી નાંખશે તો આપણે સૌ ઘરબાર વગરના થઇ જઈશું અને પછી આપણા સંતાનોનું શું થશેઆપણી પેઢીઓ જ નાશ પામશે. માટે આપણે સૌએ ભેગાં થઈને આ દુષ્ટ માણસોને રોકવા જ પડશે."

શક્તિશાળી માણસ પાસે બાપડાં-બિચારાં પશુ પંખીઓનું શું ગજું? પરંતુ આ તો જીવન મરણનો સવાલ હતો એટલે સૌએ એક થઈને માણસોનો મુકાબલો કરવા યોજના ઘડી કાઢી.

રાત દિવસ જંગલની ચોકી કરીને, માણસો જંગલ કાપવા આવે ત્યારે સૌ પશુ પંખીઓને જાણ કરી દેવાનું નક્કી કર્યું. દિવસે અમુક પશુ પંખીઓ પહેરો ભરે અને રાતે નિશાચરો પહેરો ભરે.

દિવસની ચોકી કરવાનું કામ ઘોડાઓ, ઘેટાંઓ, વાંદરાઓ અને સસલાંઓએ ઉપાડી લીધું. ઘોડાની આંખો તમામ પ્રાણીઓની આંખો કરતાં મોટી હોય છે. વળી ઘોડાની આંખો એના માથાની બે બાજુઓએ હોય છે એટલે ઘોડો એક સાથે ૩૬૦ ડીગ્રીએ ગોળ ફેરવીને જોઈ શકે છે. એટલે કે બધી દિશાએ એક સાથે જોઈ શકે છે. સસલાં પણ મોઢું ફેરવ્યા વગર એમની પાછળ શું છે તે જોઈ શકે છે. ઘેટાં ભલે નીચું મોઢું કરી ચાલ્યાં જતાં હોય પણ તેઓ લગભગ ૩૦૦ ડીગ્રીએ જોઈ શકે છે. આથી ઘેટાંઓ મોઢું ફેરવ્યા વગર જ એમની પાછળ શું છે તે જોઈ શકે છે. પ્રાણીઓએ ઘોડા, સસલાં અને ઘેટાંની આ શક્તિઓનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું.

જંગલની એક દિશાએ ઘોડાઓ ઉભા રહી ગયા. બીજી દિશાએ ઘેટાં ઊભાં રહી ગયાં. બીજી બે દિશાઓએ વૃક્ષો પર મોટા વાંદરા ચડી ગયા. વાંદરાઓની પીઠ પર નાનાં સસલાં બેસી ગયાં. ઊંચા વૃક્ષો પરથી તેઓ ચારે બાજુ શું થઇ રહ્યું છે તે જોઈ શકતા હતા. આમ જંગલની ચારે બાજુએ સજ્જડ ચોકી પહેરો થવા લાગ્યો. માણસો આવતા દેખાય એટલે વાંદરા, સસલાં, ઘેટાં અને ઘોડા બધાં જ પશુ પંખીઓને સજાગ કરી દેતા.

પછી સમડી, બાજ, કાગડા અને બીજાં પંખીઓ એમના તીક્ષ્ણ નહોર વડે માણસોને મારવા લાગતા. વાંદરાઓ અને જંગલી કુતરાઓ એ દુષ્ટ લોકોને બચકાં ભરવા લાગતા. મોટાં શીંગડા વાળા પશુઓ જોર જોરથી દોડીને લોકોને અડફેટે લેતા. જંગલ કાપવા આવતા દુષ્ટ લોકોમાં તો હાહાકાર વ્યાપી ગયો. દુષ્ટો તોબા પોકારી ગયા. એમણે નક્કી કર્યું કે હવે દિવસે નહીં પણ રાતે જંગલ કાપીશું. આ જાનવરો અંધારામાં આપણને જોઈ નહીં શકે.

પરંતુ એમને ક્યાં ખબર હતી કે રાતે પણ જંગલનાં નિશાચરો ચોકી પહેરો કરવાના છે? ઘુવડ તો રાતના રાજા ગણાય. ઘુવડ અંધારામાં જોઈ શકે અને વળી પાછા માથું ૩૬૦ ડીગ્રીએ ગોળ ફેરવીને પાછળ પણ જોઈ શકે. ચામાચિડિયા પણ રાતે અંધારામાં જોઈ શકે છે. ચામાચિડિયા તો કોઈ પણ વસ્તુ કેટલા અંતરે છે તે પણ પારખી શકે છે. તેઓ અવાજ કરે અને પછી રાહ જુએ. અવાજના તરંગો આગળની વસ્તુઓ પર અથડાઈને કેટલી ઝડપમાં પાછા આવે છે તેના પરથી તેઓ નક્કી કરી શકે છે કે કોઈ પણ વસ્તુ એમનાથી કેટલી દૂર છે. ઘુવડ અને ચામાચિડિયાની આવી શક્તિઓનો ઉપયોગ કરીને પશુ પંખીઓએ રાતનો ચોકી પહેરો પણ એકદમ મજબૂત બનાવી દીધો.

દુષ્ટ માણસો રાતે જંગલ કાપવા આવ્યા ત્યારે ઘુવડો અને ચામાચિડિયા એમને જોઈ ગયા. તેઓ ડરામણા અવાજો કરવા લાગ્યા. કેટલાક ચામાચિડિયાઓને નાનાં પણ અતિ તીક્ષ્ણ દાંત હોય છે. તેનાથી તેઓ માણસના શરીરની ચામડી પણ ઉતરડી નાંખે. આવા ચામાચિડિયાઓએ દુષ્ટો પર હુમલાઓ કરીને એમના ગળા પર જ બચકાં ભરી લીધાવાંદરાઓએ સૂકા ઝાડ હલાવવા માંડ્યા. રાતના આછા અજવાળામાં ડોલતા વૃક્ષોનાં પડછાયાથી બિહામણા આકારો બનતા હતા. પશુ પંખીઓ ચિત્ર-વિચિત્ર અવાજો કરવા લાગ્યા.

પોપટ તો માણસની જેમ જ બોલી શકે! એટલે પોપટોએ માણસ જેવો જ ઘેરો અવાજ કાઢી બોલવા માંડ્યું, "દુષ્ટો, ભાગો અહીથી. નહીંતર પિશાચ આવીને તમારી ગરદન કરડીને તમારું લોહી ચૂસી લેશે". હકીકતમાં તો પિશાચ નહીં પણ ચામાચિડિયાઓ જ એમને ગળે કરડતા હતા!

દુષ્ટ માણસો "ભૂત, ભૂત" કરતા ભાગી ગયા.

આમ માણસ જાતની ભૂત-પ્રેતની ખોટી માન્યતાઓનો પશુ પંખીઓએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો! ભૂત-પ્રેત, પિશાચ આ બધું તો માણસના મનની જ ઊપજ છે. માણસના ડરપોક મનમાં આવા આવા વિચારો આવે અને પછી રાતમાં હાલતા આકારો જોઇને, અવાજો સાંભળીને ડરવા લાગે. ચામાચિડિયા કરડે તો માને કે પિશાચ બચકાં ભરે છે!

આ રીતે પશુપંખીઓએ એકતાથી અને એમની પાસેની કુદરતી શક્તિઓનો ઉપયોગ કરીને એમનું જંગલ બચાવી લીધું! ફરી પાછું "જંગલ માં મંગલ" થઇ ગયું!

દોસ્તો, આપણે પણ હંમેશા એકતા રાખીને અને આપણને મળેલ અસંખ્ય શક્તિઓનો ઉપયોગ કરીને રહેવું જોઈએ. તો જ આપણે આપણી પૃથ્વીને સ્વર્ગ સમી સુંદર બનાવી શકીશું અને આપણા જીવન ઊજાળી શકીશું.

મોનુનું અપહરણ અને પક્ષી મિત્રોની મદદથી છુટકારો

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે.

મોનુ દરરોજ અનેક પક્ષીઓને દાણા ખવરાવતો હોય છે. ઘર પાસે આવતા પશુઓને પણ ખાવાનું આપતો હોય છે. પશુ-પક્ષીઓને પાણી પીવરાવતો હોય છે. એમને ગરમી, ઠંડી અને વરસાદમાં આશરો આપતો હોય છે. આથી આ સૌ પશુ-પક્ષીઓ મોનુના ખુબ જ સારા મિત્રો બની ગયા છે.

એક દિવસ મોનુના ગામમાં કેટલાક ચોર આવ્યા. મોનુ એમને જોઈ ગયો એટલે આ ચોર મોનુને પકડીને લઇ ગયા. મોનુનું અપહરણ થઇ ગયું! મોનુનો ખાસ મિત્ર જુલ્લુ તો એકદમ સૂનમૂન થઇ ગયો. જુલ્લુએ મોનુના પશુ-પક્ષી મિત્રોની મદદ લઈને મોનુને શોધવા અને છોડાવવા નક્કી કર્યું.

કૂતરું ગંધ પારખવાની શક્તિ ધરાવે છે. એ ગંધ પરથી માણસનું  પગેરું શોધી શકે. આથી જ પોલીસદળમાં પણ કૂતરાની સહાય લેવાતી હોય છે. જુલ્લુ મોનુનું પગેરું શોધતું શોધતું ફરવા લાગ્યું.

આ બાજુ ચોર લોકોએ મોનુને એક અવાવરુ ઘરમાં પૂર્યો હતો. મોનુના પક્ષી મિત્રો તો ત્યાં પહોંચી જ ગયા. પરંતુ આ અબોલ પક્ષીઓ મોનુના ઘરનાને કેવી રીતે જાણ કરે? મોનુએ એક યુક્તિ વિચારી. એણે એના કબૂતર દોસ્ત મારફતે એક સંદેશો લખી મોકલ્યો. કબૂતર સંદેશ વ્યવહાર માટે ખુબ જ ઉપયોગી થતા હોય છે. સેંકડો વર્ષોથી કબૂતરનો ઉપયોગ સંદેશની આપ-લે માટે થાય છે. આથી મોનુએ એના કબૂતર દોસ્તની આ માટે સહાય લીધી.

એક નાનું હમીન્ગ્સ બર્ડ મોનુનું ખાસ દોસ્ત છે. હમીન્ગ્સ બર્ડ એ માણસના અંગુઠા જેવડા નાના કદનું હોય છે. એ ભૂરા રંગનું હોય છે. આ નાના પક્ષીને આપણે દેવચકલી કહીને બોલાવતા હોઈએ છીએ. આ હમીન્ગ્સ બર્ડ ઊંધું પણ ઊડી શકે છે. મોનુને જે ઘરમાં પૂર્યો હતો ત્યાં આ હમીન્ગ્સ બર્ડ પહોંચી ગયા અને ઊંધા ઊડવા લાગ્યા. ચોર લોકોને તો આ કૌતુક જોઈ ભારે અચરજ થયું. બધા ભેગા થઈને આ જાદુ જોતા હતા.

મોનુએ કબૂતર દોસ્ત મારફતે સંદેશ મોકલાવ્યો: "મને રાખ્યો છે એ ઘર પાસે દેવ ચકલીઓ ઊંધી ઊડે છે અને ચોર લોકો એ જાદુ જુવે છે". મોનુના ઘરનાં જુલ્લુને લઈને સંદેશ લાવનાર કબૂતરની પાછળ પાછળ ગયા. એમણે જોયું કે એક અવાવરુ ઘર પાસે દેવચકલી (હમીન્ગ્સ બર્ડ) ઊંધી ઊડે છે અને ઘરમાંથી થોડા લોકો આ જાદુ જુવે છે. એમણે તરત જ ઘર પર છાપો માર્યો અને ચોર લોકોને પકડી લીધા. મોનુ ઘરનાંને હેમખેમ મળી ગયો!

આમ પશુ-પક્ષીઓ સાથેની દોસ્તીએ મોનુને બચાવી લીધો. તો, આપણે સૌ પણ પશુ-પક્ષીઓ સાથે દોસ્તી કરીએ. એમને ખવરાવીએ, પીવરાવીએ અને આશરો આપીએ.

બાળકોએ પ્રાણીઓ સાથે શરત લગાવી

મોનુ અને એના મિત્રોએ એક વાર ગામમાં રહેતા કેટલાક પ્રાણીઓ સાથે શરત લગાવી. મોનુનો એક દોસ્ત ભોલુ હટ્ટોકટ્ટો છે. ભોલુ બધા જ બાળકો કરતાં વધારે ખાઈ શકે છે. ભોલુ જમવા બેસે ત્યારે એની મમ્મીએ એને વારંવાર પીરસવું પડે અને ટોકવો પણ પડે કે ભાઈ બહુ ખાધું, હવે ઉભો થઇ જા નહીંતર માંદો પડી જઈશ.

બાળકોએ ગાય અને ઘેંટા સાથે કોણ વધુ ખાઈ શકે એવી શરત લગાવી. ગાય અને ઘેંટાને તો હોજરીમાં ચાર ખાના હોય છે એટલે તેઓ તો ઘણું ખાવાનું પચાવી શકે. વળી માણસને તો એક વાર ખાય પછી એ પચાવતાં ૧૨ કલાક થાય. આથી ગાય અને ઘેંટા સાથે ખાવાની શરત બાળકો હારી ગયા.

પછી ઘોડા સાથે શરત લગાવી કે કોણ વધારે સમય ઉભા રહી શકે. બાળકો તો થોડા કલાક ઉભા રહીને થાકી ગયા. પણ ઘોડો તો લાંબો સમય ઉભો રહી શકે. એ તો ઉભા ઉભા જ સૂઈ જાય!

એક વાર મોનુ આફ્રિકાના જંગલ - આફ્રિકન સફારી જોવા ગયો. ત્યાં અલમસ્ત હિપ્પોપોટેમસને જોઈને ખુબ હસ્યો. હિપ્પો કહે કે હસ નહિ. મારામાં તારા કરતાં વધારે સ્ફૂર્તિ છે. ચાલ, દોડવાની શરત લગાવીએ. મોનુને એમ કે આવા જાડિયા હિપ્પોને તો સહેલાઇથી હરાવી શકાશે. હિપ્પો ભલે જાડિયો હોય પણ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. મોનુ હિપ્પો સાથે દોડવાની શરત હારી ગયો!

એક વાર ગામના નાના બાળકો ગાય, ભેંસ પાસે ઉભા ઉભા રંગ ઓળખવાની રમત રમતા હતા. બાળકોએ જાણ્યું કે ગાય, ભેંસ તો લાલ, લીલા રંગ ઓળખી શકતા નથી. બાળકોએ નક્કી કર્યું કે હવેથી પ્લાસ્ટિકની કોથળીઓ રસ્તા પર ન ફેંકવી. ગાય,ભેંસ રંગ ઓળખી ન શકે એટલે કોથળીઓને ખાવાનો ખોરાક સમજીને ખાય અને પછી પચાવી ન શકેઆપણને કોઈ આવું ખવરાવી દે તો?

મોનુએ દુનિયાની વિશેષતાઓ જોઈ

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે!

જુલ્લુ એને કહે, "બોલ મોનુ, તારે દુનિયામાં શું શું જોવું છે?".

મોનુએ જુલ્લુંને કહ્યું કે, "મારે દુનિયાના પર્વતો, નદીઓ, જંગલો જોવા છે."

જુલ્લુ કહે કે, "ચાલ,તૈયાર થઇ જા. હું તને આ બધું બતાવું!"

પછી મોનુ જુલ્લુ સાથે દુનિયા જોવા ઉપડયો.

જુલ્લુ સાથે એણે ઊંચો કુદકો લગાવ્યો અને એ સીધો જ માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચી ગયો! એને તરત જ યાદ આવ્યું કે માઉન્ટ એવરેસ્ટ એ હિમાલયની પર્વતમાળામાં આવેલું દુનિયાનું સૌથી ઊંચું શિખર છે જે સમુદ્રની સપાટીથી ૮૮૪૮ મીટર એટલે કે લગભગ ૨૯૦૨૯ ફીટની ઊંચાઈએ આવેલું છે. એવરેસ્ટ પરથી મોનુને હિમાલયની પર્વતમાળાઓ જોવાની બહુ જ મજા પડી ગઈ!

ત્યાર બાદ જુલ્લુ મોનુને નાઈલ નદીની સહેલ કરવા લઇ ગયું! એમણે નાઈલ નદીમાં હોડીમાં બેસીને સહેલ કરી! નાઈલ નદી એ દુનિયાની સૌથી લાંબી નદી છે. એની લંબાઈ ૬૮૫૩ કી.મી. એટલે કે લગભગ ૪૨૫૮ માઈલ છે. નાઈલ નદી સુદાન દેશના ખાર્ટુમ પાસેથી નીકળે છે અને દુનિયાના ૧૧ દેશોમાં થઈને વહે છે. આમ નાઈલ નદી એ એક "વૈશ્વિક નદી" છે. નાઈલ નદી ઈજીપ્તમાં થઈને ભૂમધ્ય સમુદ્રમાં મળે છે.

પછી જુલ્લુ મોનુને કહે કે,"તારે રેતીના ઢગલા જોવા છે?".

મોનુ કહે, "હા, હવે ક્યાં લઇ જઈશ?"

જુલ્લુ મોનુને સહરાનું રણ જોવા લઇ ગયું. સહરાનું રણ દુનિયાનું સૌથી મોટું રણ છે જે આફ્રિકાનો લગભગ ત્રીજો ભાગ રોકે છે.

પછી જુલ્લુ મોનુને એમેઝોનનું વરસાદી જંગલ જોવા લઇ ગયું. એમેઝોનનું જંગલ દુનિયાનું સૌથી વિશાળ વરસાદી જંગલ છે. વરસાદી જંગલોમાં ૧૦૦ ઇંચ થી ૨૦૦ ઇંચ જેટલો વરસાદ પડતો હોય છેઆ જંગલોમાં ઘણાં જ ઊંચાં વૃક્ષો થતાં હોય છે જે સૂર્યપ્રકાશને લગભગ રોકી જ લે છે. સામાન્ય જંગલોમાં સૂર્યપ્રકાશ મળતો હોય છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું "તારે દુનિયાના સૌથી મોટા પાણીના ધોધ પરથી પાણીમાં ભૂસકો મારવો  છે?"

મોનુ તો તૈયાર જ હોય ને?

બંને સૌથી મોટા ધોધ "નાયેગ્રા ફોલ્સ" ગયા. નાયેગ્રા ફોલ્સ એ અમેરિકા અને કેનેડા દેશની સરહદે આવેલો છે. નાયેગ્રા નદી પર લેક એરી (એરી તળાવ) અને લેક ઓન્ટેરીઓ (ઓન્ટેરીઓ તળાવ)ના પાણી ભેગાં થઈને ધોધ સ્વરૂપે નીચે ખાબકે છે.

ત્યાંથી બંને અમેરિકાના એરિઝોનામાં આવેલા ગ્રાન્ડ કેન્યોન જોવા ગયા. ગ્રાન્ડ કેન્યોન એ ખડકોનો સમુહ છે. તે લગભગ ૨૭૭ માઈલ્સ (૪૪૬ કિ.મી.) લંબાઈ ધરાવે છે અને ૬૦૦૦ ફીટ (૧૮૦૦ મીટર)ની ઊંડાઈ ધરાવે છે. ગ્રાન્ડ કેન્યોનમાં તળિયે આવેલ ખડક લગભગ ૨ કરોડ વર્ષ જુના હોવાનું તારણ છે!

ત્યાર બાદ જુલ્લુ મોનુને ઓસ્ટ્રેલિયામાં "ગ્રેટ બેરીયર રીફ" જોવા લઇ ગયું. જયાં પરવાળાના ખડકોની હારમાળા છે. "ગ્રેટ બેરીયર રીફ" એ દુનિયામાં આવેલી કુદરતની સૌથી મોટી જીવંત રચના છે.

પછી જુલ્લુ મોનુને કહે કે, "તારે મૃત સમુદ્ર જોવો છે?"

મોનુએ પૂછ્યું કે, "સમુદ્ર કદી મૃત હોતો હશે?" જુલ્લુ કહે કે, "હા છે ને. ચાલ તને ત્યાં લઇ જાઉં".

જુલ્લુ મોનુને મૃત સમુદ્ર જોવા લઇ ગયું. મૃત સમુદ્ર જોર્ડન અને ઇઝરાયેલ પાસે આવેલ છે. એ દરિયાની સપાટીથી ૪૨૭ મીટર (૧૪૦૭ ફીટ) નીચે આવેલ છે જે પૃથ્વી પરની સૌથી નીચેની સપાટીએ છે. આ સમુદ્ર સામાન્ય સમુદ્ર કરતાં અનેક ગણો ખારો છે માટે તેને ખારો સમુદ્ર પણ કહે છે. આને લીધે જ એમાં કોઈ જીવસૃષ્ટિ નથી આથી એને મૃત સમુદ્ર કહે છે. એના પાણીમાં આપણે ક્યારેય ડૂબી ના જઈએ! લોકો એના પાણીમાં અનેક ગમ્મત ભરી રમતો કરતા રહે છે. મોનુ અને જુલ્લુ પણ એના પાણીમાં સુતા સુતા વાર્તાની ચોપડીઓ વાંચવા લાગ્યા અને છતાં ડૂબ્યા નહીં!

આમ જાત જાતનું વાંચન કરીને મોનુ રાતે સપનામાં જુલ્લુ સાથે દુનિયાની કેટલીક વિશેષતાઓ જોઈ આવ્યો!

મોનુ સાત સમંદર પાર ગયો અને દુનિયાની અજાયબીઓ જોઈ આવ્યો

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે!

જુલ્લુ મોનુને કહે , "ચાલ તને દરિયા પારની મુસાફરી કરાવું અને વિશ્વના ખંડો-દેશો બતાવું.”

જુલ્લુ કહે, "ચાલ, પાણીના ઝરા ઉપરથી કુદીને વિવિધ ખંડોમાં જઈએ".  જુલ્લુ મહાસાગરોને પાણીના ઝરા કહેતું હતું! જુલ્લુએ મોનુને હિંદી મહાસાગર (ઇન્ડિયન ઓસન),  પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓસન) અને એટલાન્ટીક મહાસાગર બતાવ્યા. એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા અને એન્ટારટીકા ખંડો બતાવ્યા.

એશિયા ખંડમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર, અખાતના દેશો (એરેબીયા), ઈરાન, ઈરાક, ઉત્તર-દક્ષિણ કોરિયા જેવા દેશો જોયા. ચીન એ વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. ભારત એ પછી બીજે નંબરે છે.

જુલ્લુએ મોનુને એશિયા ખંડમાં આવેલી દુનિયાની કેટલીક અજાયબીઓ બતાવી. ચીનની પ્રસિદ્ધ દીવાલ બતાવી. ચીનના જંગલોમાં પાન્ડા નામનું મશહુર પ્રાણી જોયું. ભારતમાં તાજ મહાલ બતાવ્યો. ભારતમાં ગુજરાતમાં ગીરના સિંહ જોયા. આસામમાં ગેંડા, હાથીઓ જોયા. મધ્ય પ્રદેશમાં અને બંગાળમાં વાઘ જોયા. દુબઈનો બુર્જ ખલીફા ટાવર બતાવ્યો જે દુનિયાની હાલની સૌથી ઉંચી ઈમારત છે. એની ઉંચાઈ ૮૩૦ મીટર છે. દુબઈમાં ઘણી જ ઝાકઝમાળ છે. ત્યાં અને અખાતી દેશોમાં ઘણા ગુજરાતીઓ-ભારતીયો વસ્યા છે. મલેશિયાના પાટનગર કુઆલાલુમ્પુરમાં જગ મશહુર પેટ્રોન ટાવર બતાવ્યા. જાપાન દેશની સફર કરાવી. જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહે છે. ત્યાંની પ્રજા ખુબ જ ઉદ્યમી છે.

પછી તેઓ યુરોપ ખંડની સફરે ગયા. યુરોપ એક એવો અલાયદો ખંડ છે જે દરેક બાજુએથી મહાસાગરથી નથી ઘેરાયેલો! યુરોપ ખંડમાં યુનાઈટેડ કિંગડમ (બ્રિટન), ઇટાલી, સ્વીડન, સ્વીટઝરલેન્ડ, બેલ્જીયમ, ફ્રાંસ, ગ્રીસ, જર્મની, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્પેન, ખ્રિસ્તી ધર્મનું પવિત્ર સ્થળ વેટિકન સીટી જોયા. બ્રિટનમાં લંડન શહેરની સફર કરી. બકિંગહામ પેલેસ વિ. સ્થળો જોઇને ભારતની આઝાદી સાથેની ઘટનાઓને યાદ કરી.

ફ્રાન્સના પેરિસમાં જગ વિખ્યાત એફિલ ટાવર જોયો. ઇટાલીમાં પિસાનો ઢળતો ટાવર જોયો. પ્રાચીન ગ્રીસ - એથેન્સની સંસ્કૃતિ જોઇને મહાન સોક્રેટીસને યાદ કર્યા. આલ્પ્સની પર્વતમાળા જોઈ. ઇટાલીના વેનિસમાં પાણીમાં ફરવાની મજા માણી. વેનિસમાં ૧૧૮ નાના ટાપુઓ છે જે ઘણી નહેરો વચ્ચે આવેલા છે અને જુદા જુદા પૂલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. મોનુએ એક ખાસ બાબત નોંધી કે યુરોપમાં ઘણા ઘરોમાં લોકો બિલાડી પાળે છે!

પછી તેઓ આફ્રિકા ખંડ  જોવા ગયા. આફ્રિકા ખંડ ઘણા બધા નાના દેશોનો સમૂહ છે. ઈજીપ્ત, ઈથિયોપિયા, કેન્યા, નાઇજીરીયા, સાઉથ આફ્રિકા, સુદાન, યુગાન્ડા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વે જેવા દેશો છે. આફ્રિકન સફારી તો પ્રાણીઓ જોવા માટેનું જગતનું અત્યંત મશહુર સ્થળ છે. મોનુએ ત્યાં આફ્રિકન સિંહ, વિશાળકાય હાથીઓ, ગેંડા વિ. પ્રાણીઓ જોયા. ત્યાર બાદ ઈજીપ્ત જઈને પ્રાચીન સંસ્કૃતિના પીરામીડ જોયા. ઝામ્બીયા અને ઝીમ્બાબ્વેની સરહદે ઝામ્બેઝી નદી પર આવેલ વિખ્યાત વિક્ટોરિયા ધોધ જોયો. આફ્રિકામાં ગાઢ જંગલો અને રણ છે. ગાઢ જંગલોને લીધે આફ્રિકા "અંધારો" ખંડ કહેવાતો. વર્ષો પહેલા ઘણા ગુજરાતીઓ આફ્રિકામાં વેપાર અર્થે ગયા હોવાથી ત્યાં ગુજરાતી સંસ્કૃતિ પણ જોવા મળે છે. મોનુને ત્યાં ગુજરાતી ભાષામાં પણ વ્યવહાર થતો જોવા મળ્યો એટલે એ તો ખુબ જ રાજી રાજી થઇ ગયો. મહાત્મા ગાંધીજીએ આફ્રિકામાંથી જ સત્યાગ્રહની લડત શરુ કરી હતી એટલે મોનુ તો પૂ.બાપુનું કર્મ સ્થળ જોઇને ભાવ વિભોર થઇ ગયો.

ત્યાર બાદ જુલ્લુ મોનુને ઉત્તર અમેરિકા ખંડ જોવા લઇ ગયું. ઉત્તર અમેરિકામાં યુ.એસ.. (યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા),કેનેડા જેવા અતિ સમૃદ્ધ દેશો આવેલા છે. ઉપરાંત મેક્સિકો, ક્યુબા, બાર્બાડોસ, જમૈકા, હેઈતીટ્રીનીદાદ એન્ડ ટોબેગો જેવા ટાપુઓના સમૂહ પણ છે. અમેરિકા તો અત્યંત સમૃદ્ધિથી છલકાતો દેશ હોવાથી ઘણા ગુજરાતીઓ અને ભારતીયો ત્યાં વસવાટ કરવા જાય છેમોનુએ ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું જે સ્વતંત્રતાની દેવી ગણાય છે. મશહુર એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ જોયું. ૧૧ સપ્ટેમ્બરના કમનસીબ હુમલામાં જમીનદોસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યાએ જઈને મોનુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. જુલ્લુ અને મોનુએ વિખ્યાત નાયેગ્રા ધોધ જોયો.

સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેટ બ્રીજ જોયો. ગ્રાન્ડ કેન્યોન જોઈ. ગ્રાન્ડ કેન્યોન એ ખડકોનો સમૂહ છે. ગ્રાન્ડ કેન્યોનમાં તળિયે આવેલ ખડક લગભગ ૨ કરોડ વર્ષ જુના હોવાનું તારણ છે! પછી જુલ્લુ મોનુને નાના મોટા સૌની "સ્વપ્ન નગરી" ડીઝની લેન્ડ જોવા લઇ ગયું. મોનુએ આ સ્વપ્ન નગરીમાં મન ભરીને મજા માણી. બાળકોના પ્રિય મિકી માઉસ, ડોનાલ્ડ ડક વિ. સાથે ખુબ મસ્તી કરી. જાત જાતના રોલર કોસ્ટરમાં બેઠો અને ગમ્મત સાથે જ્ઞાન આપે એવા અસંખ્ય આકર્ષણો જોયા. એટલાન્ટીક મહાસાગરમાં સહેલ કરીને મોટી વિશાળકાય વ્હેલ જોઈ. બર્ફીલા પહાડોમાં જઈને બાળકોના માનીતા સાન્તાક્લોઝના હરણો (રેન ડીયર) જોયા.

પછી જુલ્લુ મોનુને દક્ષિણ અમેરિકા જોવા લઇ ગયું. દક્ષિણ અમેરિકામાં બ્રાઝીલ, આર્જેન્ટીના, પેરુ, વેનેઝુએલા, કોલમ્બિયા જેવા દેશો આવેલા છે. બ્રાઝીલ, આર્જેન્ટીના તો ફૂટબોલની રમત માટે જગ વિખ્યાત છે. દક્ષિણ અમેરિકામાં પનામા કેનાલ આવેલી છે જે આશરે ૭૭ કી.મી. (૪૮ માઈલ) લાંબો જળમાર્ગ છે. પનામા કેનાલ મારફતે એટલાન્ટીક અને પેસિફિક મહાસાગર વચ્ચે વહાણો અવરજવર કરે છે. આ કેનાલ ન હોય તો દક્ષિણ ધ્રુવ વટાવીને મુસાફરી કરવી પડે! આને લીધે  લગભગ ૧૨૮૭૫ કી.મી. (૮૦૦૦ માઈલ)ની મુસાફરી બચાવી શકાઈ છે! બ્રાઝીલના રીઓ--જેનેરિયોમાં ખ્રિસ્તની ૩૮ મીટર (૧૦૫ ફૂટ) ઉંચી પ્રતિમા છે. પેરુમાં પ્રાચીન સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમુનો "માચુ પીચ્છુ" આવેલ છે. દક્ષિણ અમેરિકામાં મોટા અજગર - એન્કોંડા જોયા. પીરાન્હા માછલીઓ જોઈ.

ત્યાર બાદ જુલ્લુ મોનુને ઓસ્ટ્રેલીયા જોવા લઇ ગયું. ઓસ્ટ્રેલીયા ખંડમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ફીજી જેવા દેશો આવેલા છે. જુલ્લુ મોનુને ઓસ્ટ્રેલીયામાં "ગ્રેટ બેરીયર રીફ" જોવા લઇ ગયું. જયાં પરવાળાના ખડકોની હારમાળા છે. "ગ્રેટ બેરીયર રીફ" એ દુનિયામાં આવેલી કુદરતની સૌથી મોટી જીવંત રચના છે. સિડની શહેરમાં ઓપેરા હાઉસ જોયું. શાહમૃગ પક્ષી ઓસ્ટ્રેલીયાનું રહેવાસી છે. શાહમૃગ દુનિયાનું સૌથી મોટું પક્ષી છે. એના ઈંડાં પણ સૌથી મોટા હોય છે. એની દોડવાની ઝડપ પણ સૌથી વધારે છે. શાહમૃગ કલાક ના ૯૭ કી.મી.ની ઝડપે દોડી શકે છે. ઈમુ પક્ષી પણ ઓસ્ટ્રેલીયાનું છે જે લગભગ ૨ મીટર ઊંચું હોય છે અને તે ઉડી શકતું નથી. ઓસ્ટ્રેલીયામાં કાંગારૂ હોય છે. માદા કાંગારૂ પેટની કોથળીમાં બચ્ચાને રાખતી હોય છે.

જુલ્લુ મોનુને એન્ટારટીકા ખંડ જોવા પણ લઇ ગયું. દક્ષિણ ગોળાર્ધમાં એન્ટારટીકા ખંડ આવેલો છે. એન્ટારટીકા ખંડ સૌથી ઠંડો, સુકો અને તેજ પવનો વાળો પ્રદેશ છે. ત્યાં મનુષ્યોનો કોઈ કાયમી વસવાટ નથી. પરંતુ જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો સંશોધન કરવા આવતા હોય છે જેના માટે સંશોધન પ્રયોગશાળાઓ બનાવેલી છે. પેંગ્વિન, બ્લ્યુ વ્હેલ, સીલ એ એન્ટારટીકા ખંડના રહેવાસીઓ છે. પેંગ્વિન ઉડી નથી શકતાં. એ સમૂહમાં રહેનારા છે. તેઓ હજારોની સંખ્યામાં જોડાં બનાવીને મોટા સમૂહમાં રહેતાં હોય છે. આ સજીવોની વસ્તી વિલુપ્ત ન થઇ જાય એના માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

આમ મોનુએ એના સપનામાં જુલ્લુ સાથે સાત સમંદર પારની સફર કરીને જુદા જુદા ખંડોના દેશો જોયા, ત્યાંની અજાયબીઓ જોઈ અને વિવિધ જીવસૃષ્ટિ જોઈ.

સમુદ્રની દુનિયામાં

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને સમુદ્રની દુનિયા જોવા લઇ ગયું. એણે જાત જાતની માછલીઓ સાથે વાતો કરી. માછલીઓએ મોનુને સમુદ્રની દુનિયાની ઘણી માહિતીઓ આપી.

પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિની શરૂઆત સમુદ્રમાં થઇ હતી - આશરે ૩.- .૪ કરોડ વર્ષ પહેલાં! જેલી ફીશ એ ડાઇનોસોર અને શાર્ક કરતાં પણ પહેલેથી અસ્તિત્વ ધરાવે છે. જેલી ફીશ એ માછલી નથી પણ એક દરિયાઈ જીવ છે.

પૃથ્વી પર પેસિફિક (પ્રશાંત), એટલાન્ટીક, હિન્દ, એન્ટારક્ટીક (દક્ષિણીય), આર્કટીક મહાસાગર આવેલા છે. આ મહાસાગરો પૃથ્વી પરનો લગભગ ૭૦% ભાગ ધરાવે છે. પૃથ્વી પરના કુલ પાણીનું આશરે ૯૭% પાણી આ મહાસાગરોમાં આવેલું છે! તમામ મહાસાગરોમાં એટલાન્ટીક મહાસાગર સૌથી ખારો સમુદ્ર છે. પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે જે પૃથ્વીના લગભગ ૩૦% ભાગમાં ફેલાયેલો છે. પેસિફિક મહાસાગર શાંત સમુદ્ર હોવાથી એ "પ્રશાંત" મહાસાગર તરીકે ઓળખાય છે. પૃથ્વી ઉપરની કુલ સજીવ સૃષ્ટિના આશરે ૫૦-૮૦% સજીવો સમુદ્રની સપાટી નીચે રહે છે! અરે, આપણે હજી સુધી અનેક દરિયાઈ જીવોથી અજાણ છીએ.

જુલ્લુએ મોનુને બીજી પણ કેટલીક રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી આપી. પાણીની અંદર અવાજની ઝડપ ૧,૪૩૫ મી/સેકંડ છે જે હવામાંની અવાજની ઝડપ કરતાં લગભગ પાંચ ગણી ઝડપી છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. સૂર્યપ્રકાશ સમુદ્રના પાણીની સપાટી ઉપરથી પરાવર્તિત થાય છે ત્યારે આકાશના ભૂરા રંગનું પરાવર્તન કરે છે. સમુદ્રના ઊંડા પાણીમાં મોટા ભાગનો સૂર્યપ્રકાશ પાણીમાંના ઓક્સીજનને લીધે ફેલાઈ જાય છે અને આમ ભૂરા રંગને પણ ફેલાવે છે. આથી સમુદ્રનું પાણી ભૂરા રંગનું દેખાય છે.

સમુદ્રમાં કેટલીક માછલીઓ સાથે વાતો કરતાં મોનુને અચરજભરી વાતો જાણવા મળી. સમુદ્રની જીવસૃષ્ટિમાં કેટલાક રહસ્યમય જીવો છે. સમુદ્રી વાદળી (સ્પોંજ - શરીરમાં છિદ્રો વાળું દરિયાઈ જીવ. વાદળી આપણે સફાઈ માટે વાપરતા હોઈએ છીએ), કોરલ, સ્ટાર ફીશ, જેલી ફીશ જેવા કેટલાક જીવો  પ્રાણી છે કે વનસ્પતિ છે એ કહેવું ઘણું મુશ્કેલ છે! મોનુ કહે કે હું નામ પરથી કહી શકું કે સમુદ્રી ઘોડો (જળ ઘોડો) એ પ્રાણી છે. તો મોનુની મિત્ર બનેલી માછલી હસવા લાગી. એ કહે કે સમુદ્રી ઘોડો એ પ્રાણી નથી પણ મારા જેવી જ એક માછલી છે. વાદળીને માથું, મગજ, હૃદય, ફેફસાં, મોઢું, હાડકાં નથી હોતા અને તેમ છતાંય એ જીવે છે! વાદળીના કટકા કરો તો દરેક કટકો વિકસિત જીવ બનશે! આ વાદળી સાવ નાના જંતુ જેવડી પણ હોય અને ગાય જેવા મોટા પ્રાણી જેવડી પણ હોય.

મોનુને એક માછલીને અડતાં વીજળીનો ઝટકો લાગ્યો હોય એવું લાગ્યું. એની મિત્ર માછલી એને કહે કે એ "ઈલ" નામે ઓળખાતી માછલીની એક જાત છે. આ ઈલ વીજળીના ૧૦ બલ્બ પ્રકાશિત કરી શકે એટલી વીજળી ઉત્પન્ન કરી શકે છે! મોનુએ એક ભયંકર મોટા અવાજ વાળી ચીસ સાંભળી અને એ એકદમ જ ગભરાઈ ગયો. એની મિત્ર કહે કે એ બ્લુ વ્હેલનો અવાજ છે. બ્લુ વ્હેલનો અવાજ ૧૮૮ ડેસીબલ્સ જેટલો હોય છે જે પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રાણીના અવાજ કરતાં સૌથી મોટો અવાજ છે. બ્લુ વ્હેલ હોય છે પણ મહાકાય. એ પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રાણી કરતાં વિશાળ કદ ધરાવે છે - પ્રાચીન સમયના વિશાળકાય ડાઈનોસોર કરતાં પણ મોટું! એનું હૃદય આપણી પાસેના કાર જેવા વાહનના કદ કરતાં પણ મોટા કદનું હોય છે!

મોનુની મિત્ર માછલી એને કહે કે, "ચાલ, તને સફેદ શાર્ક માછલી બતાવું". મોનુ કહે, "ના ના શાર્ક તો મને ખાઈ જાય". એની મિત્ર માછલી કહે, "અરે ભાઈ, તને કોણે એવું કીધું? સફેદ શાર્ક કોઈ દિવસ માણસને ન ખાય". આ શાર્ક એન્ટાર્કટીકા સિવાઈના દરેક ખંડમાં દરિયાના ઊંડા પાણીમાં થાય છે. એની એક વિશેષતા એ છે કે એમાં માદા કદમાં નર કરતાં મોટી હોય છે. સફેદ શાર્ક અવાજ ઉત્પન્ન નથી કરતી. તેઓ શરીરની સંજ્ઞા અને ગંધથી એક બીજા સાથે સંદેશા વ્યવહાર કરે છે. મોનુએ પૂછ્યું કે, "આ શાર્ક એનો શિકાર કેવી રીતે કરે છે?". એની મિત્રએ કહ્યું કે, "શાર્કની ઘ્રાણેન્દ્રિય - ગંધ પારખવાની શક્તિ ગજબ ની હોય છે. તેઓ પાણીના લાખો ટીપાંમાંથી એકાદ ટીપામાં પડેલા લોહીની ગંધ પારખી લે છે. તેઓ સમુદ્રમાં રહેતા પ્રાણીઓના શરીરમાંથી નીકળતો વીજ પ્રવાહ પકડી પાડે છે અને એના મારફતે એ પ્રાણીનો શિકાર કરવા પહોંચી જાય છે".

મોનુની મિત્ર માછલીએ એની મુલાકાત એક શાર્ક સાથે કરાવી! એ શાર્ક મોનુને કહે, "ભાઈ, અમે તમને ક્યાં નડીએ છીએ તે અમારો શિકાર કરો છો? તમે માણસો દર વર્ષે લાખોની સંખ્યામાં અમારો શિકાર કરો છો એમાં અમારી વસ્તી એકદમ જ ઘટી ગઈ છે. જીવ શાસ્ત્રીઓનું માનવું છે કે હવે માંડ ૧૦,૦૦૦ જેટલી જ શાર્ક બચી છે. તો ભાઈ, તમે માણસો સમજ કેળવો અને શાર્કનો શિકાર બંધ કરો".

પછી મોનુની મિત્ર માછલી એને દરિયાઈ કાચબાને મળવા લઇ ગઈ. દરિયાઈ કાચબા ધ્રુવીય પ્રદેશના સમુદ્ર સિવાયના બધા જ સમુદ્રમાં થાય છે. દરિયાઈ કાચબા પૃથ્વી ઉપરના ખુબ જ જુના રહેવાસીઓ છે. વિશાળકાય ડાઈનોસોર વાતાવરણના ફેરફાર સામે ટકી ન શક્યા પરંતુ દરિયાઈ કાચબાઓ વાતાવરણના ફેરફારો સામે ટકી શક્યા. દરિયાઈ કાચબા ખુબ જ કુશળ તરવૈયા છે. તેઓ લાંબા અંતર સુધી તરી શકે છે. મહાસાગરના એક છેડે થી બીજા છેડા સુધી તરીને જઈ શકે છે. આ કાચબાઓને દાંત નથી હોતા પણ તેઓ મુખ મારફતે એમનો ખોરાક લઇ શકે છે. કેટલાક દરિયાઈ કાચબા શાકાહારી પણ હોય છે!

દરિયાઈ કાચબાએ મોનુને કહ્યું, "અમે પ્લાસ્ટીકની કોથળીને જેલી ફીશ સમજીને મોઢામાં મુકીએ છીએ અને પછી એના લીધે મોત થાય છે તો તમે લોકો દરિયામાં આવો કચરો ન નાંખો. વળી જમીન ઉપરના કાચબાની જેમ અમે અમારું માથું અને પગ અમારા કવચમાં નથી નાંખી શકતા એટલે માણસોનો શિકાર થઇ જઈએ છીએ. હવે અમારી પ્રજાતિ લુપ્ત થઇ જાય છે. કુલ ૭ જાતના દરિયાઈ કાચબાઓ હોય છે એમાંથી ૬ જાતિ તો લગભગ નામશેષ જ થઇ ગઈ છે. પ્લીઝ, પ્લીઝ, તમે માણસો અમને પણ જીવવા દો".

મોનુએ બાફેલા બટાકા જેવું દેખાતું કથ્થાઈ રંગનું એક દરિયાઈ પ્રાણી જોયું. મોનુએ એની મિત્રને પૂછ્યું કે આ કયું પ્રાણી છે? એની મિત્રએ કહ્યું કે એ મેનાટીસ છે જેને તમે લોકો દરિયાઈ ગાય તરીકે ઓળખો છો. "દરિયાઈ ગાય" તમારી જમીન ઉપરની ગાય જેવું જ શાંત પ્રાણી છે અને દરિયાના પાણીમાં ધીમે ધીમે તરતું હોય છે.

મોનુની મિત્ર માછલીએ એને બીજા કેટલાક દરિયાઈ જીવો વિષે પણ માહિતી આપી. ઓક્ટોપસને ૩ હૃદય હોય છે અને એના લોહીનો રંગ લાલ નહિ પણ ભૂરો હોય છે! શેવાળ જેવા દરિયાઈ જીવો તો વ્હેલની ચામડીને વળગીને રહે છે!

પછી મોનુની મિત્ર માછલીએ દરિયાઈ સીલ સાથે એની મુલાકાત કરાવી. દરિયાઈ સીલ શીત અને ગરમ પાણીમાં રહી શકે છે. તેઓ દરિયા કિનારે રહે ત્યારે હજોરોની સંખ્યામાં એક સમૂહમાં રહે છે. સીલના દૂધમાં ૫૦% ચરબી હોય છે. આથી એના બચ્ચાંઓનું વજન રોજ ૮-૧૦ કિલો જેટલું વધે છે!  મોનુએ પૂછ્યું કે આવી સીલ મોટી થાય ત્યારે કેટલું વજન થાય? સીલ કહે કે "એલીફન્ટ સીલ" (હાથી જેવી સીલ) તરીકે ઓળખાતી સીલ ૧૩ ફીટ લંબાઈ ધરાવે છે અને એનું વજન ૨૦૦૦ કિલો જેટલું હોય છે!

સીલ મોનુને કહે કે તે સાંભળ્યું હશે કે યોગીઓ ધ્યાન ધરે ત્યારે શ્વાસ રોકી રાખે છે. મોનુ કહે, "શ્વાસ રોકી રાખવાનું તો અઘરું પડે. બધા ન કરી શકે". સીલ કહે, "અમે ૨ કલાક સુધી શ્વાસ રોકી શકીએ છીએ". મોનુ કહે, "એટલું બધું? કેવી રીતે?". સીલ કહે કે, "અમારા શરીરમાં બીજા પ્રાણીઓ કરતાં વધારે લોહી હોય છે. એટલે અમને ઘણો વધારે પ્રાણવાયુ (ઓકસીજન) મળે. આને લીધે અમે જયારે પાણીમાં ડૂબકી મારીએ ત્યારે ઘણે ઊંડે સુધી જઇ શકીએ. એલીફન્ટ સીલ તો ૧૦૦૦ ફીટ ઊંડે સુધી જઇ શકે છે".

મોનુને એ જાણી દુઃખ થયું કે દરિયાઈ પ્રદુષણ અને સીલની રુંવાટી માટે માનવો દ્વારા સીલની કરાતી હત્યાને લીધે સીલની સંખ્યા ઘટતી જાય છે.

પછી મોનુએ દરિયાઈ વનસ્પતિઓ વિષે માહિતી મેળવી. દરિયાઈ વનસ્પતિને સૂર્ય પ્રકાશ નથી મળતો એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી થઇ શકતી. તેઓ દરિયાની નીચે રહેલી રેતીમાંથી જરૂરી પોષક તત્વો મેળવી લે છે.

કેલ્પ નામની વનસ્પતિ ઠંડા પાણીમાં થાય છે. તે ૨૫૦ ફીટ વધી શકે છે. તે દુનિયાની કોઈ પણ વનસ્પતિ કરતાં વધારે ઝડપથી વધતી વનસ્પતિ છે. તે દરિયાના પાણીની સપાટી ઉપર હોય છે. કેલ્પની જેમ જ દરિયાઈ ઘાસ પણ સપાટી ઉપર તરે છે. દરિયાઈ ઘાસ અસંખ્ય નાની નાની શેવાળનો સમૂહ છે. દરિયાઈ ઘાસને પુષ્કળ સૂર્ય પ્રકાશ જોઈએ એટલે એ સપાટી ઉપર હોય છે જયારે એના મૂળિયાં સમુદ્રના તળિયે હોય છે. લોકો દરિયાઈ ઘાસ ખોરાક તરીકે, મકાનો બાંધવા, દોરડા બનાવવા ઉપયોગમાં લે છે.

પરવાળા (કોરલ) એ વનસ્પતિ નથી પણ દરિયાઈ જીવ છે. પરવાળા રંગીન હોય છે. એમનો રંગ એમના ઉપર થતી શેવાળને લીધે હોય છે.

જુલ્લુએ મોનુને એક ચોંકાવનારી હકીકત કહી કે હાલમાં જે રીતે દરિયાઈ વનસ્પતિ ઘટી રહી છે એ જોતાં એવું સ્પષ્ટ જણાય છે કે આવનારા ૧૦૦ વર્ષમાં કદાચ બધી જ દરિયાઈ વનસ્પતિઓ નાશ પામશે. પ્રદુષણ નહિ અટકે તો એની સાથે માણસ જાત માટે પણ ખતરો છે. સમુદ્રની સપાટી વધતી જાય છે એ જોતાં એવું લાગે છે કે સમુદ્ર કિનારે વસતા મહાનગરો ડૂબી જશે! ન્યુયોર્ક, મુંબઈ જેવા મહાનગરો ઉપર આ ખતરો તોળાઈ રહ્યો છે.

મોનુને ખુબ ચિંતા થઇ ગઈ. પણ એમ માત્ર ચિંતા કર્યે થોડું ચાલે? આપણે સૌએ સાથે મળીને પ્રદુષણ અટકાવવા સક્રિય પ્રયાસ કરવા જ પડશે. તો જ જીવ સૃષ્ટિ બચી શકશે. આપણા પોતાના સ્વાર્થ માટે પણ આપણે આ કરવું જ રહ્યું.

બ્રહ્માંડની સફરે

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને બ્રહ્માંડની સફરે લઇ ગયું.

મોનુએ વાંચ્યું હતું કે બ્રહ્માંડ એટલે અસંખ્ય ગ્રહો, તારાઓ, નક્ષત્રો, આકાશગંગાઓ અને અવકાશમાં રહેલા અનેક પદાર્થોનો સમૂહ. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઇ? બીગ બેંગ નામે જાણીતા સિધ્ધાંત મુજબ એક નાના ધગધગતા ગોળામાંથી એની ઉત્પત્તિ થઇ. આ ગોળો વિસ્તાર પામતો ગયો અને ઠંડો પડતો ગયો. ચાલો, માની લીધું કે આ બીગ બેંગ પ્રમાણે બ્રહ્માંડ સર્જાયું. તો પછી એ પ્રશ્ન થાય કે બીગ બેંગ પહેલાં શું? હજી સુધી આ રહસ્ય વણ ઉકલ્યું જ છે. બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપુર છે.

આ બ્રહ્માંડની ઉંમર ૧૩.૭ અબજ વર્ષની માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં રહેલા ગ્રહો ગોળાકાર છે. પરંતુ બ્રહ્માંડ પોતે સપાટ હોવાનું મનાય છે. બ્રહ્માંડમાં રહેલા અગણિત પદાર્થોમાંથી ફક્ત ૫% જેટલા પદાર્થો જ જોઈ શકાય છે. જે અસંખ્ય પદાર્થો જોઈ શકાતા નથી એ "ડાર્ક પદાર્થો" (ડાર્ક મેટર) અને ડાર્ક એનર્જી તરીકે ઓળખાય છે.

બ્રહ્માંડમાં પ્રત્યેક ક્ષણે કોઈક ને કોઈક પ્રક્રિયા થતી જ રહેતી હોય છે. પ્રત્યેક ક્ષણે બ્રહ્માંડમાં ક્યાંક કોઈ એક તારાનો વિસ્ફોટ થતો હોય છે.

બ્રહ્માંડમાં અબજો આકાશગંગાઓ છે. આકાશગંગા એ ગુરુત્વાકર્ષણને લીધે એકબીજાની સાથે રહેલા વાયુ, ધૂળ અને તારાઓનો સમૂહ છે. દરેક આકાશગંગામાં અબજો તારાઓ રહેલા છે. કેટલીક આકાશ ગંગા લંબગોળાકાર છે તો કેટલીક નળાકાર (ગૂંચળા વાળી) છે અને કેટલીક આડા અવળા આકારની છે.

મોનુએ જુલ્લુને પૂછ્યું, "આટલી બધી આકાશ ગંગામાં આપણે ક્યાં છીએ?"

જુલ્લુ કહે કે, "આપણે મિલ્કી વે નામે ઓળખાતી આકાશ ગંગામાં છીએ. આ આકાશ ગંગા નળાકાર છે. એમાં આપણી સૂર્યમાળા આવેલી છે. આપણી પૃથ્વી આ આકાશ ગંગાને લગભગ છેવાડે જ આવેલી છે."

આપણી સૂર્યમાળામાં આપણો સૂર્ય, ૮ ગ્રહો, કેટલાક લઘુ ગ્રહો, સૂર્યની આસપાસ ફરતા અવકાશી પદાર્થો તેમજ ગ્રહોની આસપાસ ફરતા એમના ચંદ્રો નો સમાવેશ થાય છે. સુર્યમાળાના કુલ દળનું ૯૯% દળ તો સૂર્ય જ ધરાવે છે અને બાકીના ગ્રહો તો ફક્ત સૂર્યમાળાનું ૧% દળ જ ધરાવે છે. મોનુ એ પ્રશ્ન કર્યો કે આમ કેમ? જુલ્લુ એ કહ્યું, "સૂર્યમાળાના ૮ ગ્રહોમાંથી ફક્ત બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ ૪ ગ્રહો જ ખડકો અને ધાતુ ધરાવે છે. જયારે બીજા ૪ ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ટયુન તો હાઇડ્રોજન અને હિલીયમ વાયુના ગોળાઓ જ છે". આપણે આકાશમાં તારાઓ જોઈએ છીએ. આપણો સૂર્ય પણ એક તારો જ છે. સૂર્ય અહીંથી આપણને ગોળ દેખાય છે પણ એની ઉપર-નીચે સપાટ છે. જુલ્લુ એ મોનુને એક રસપ્રદ વાત કહીકે સૂર્યમાળાની પાર જવાનું કોઈ વિચારી શકે? અમેરિકાનું યાન વોયેજર-૧ ૨૦૧૨માં સૂર્યમાળાની હદ પાર કરી ગયું હોવાનું મનાય છે.

જુલ્લુ મોનુને કહે કે ચાલ, તને સૂર્યમાળાની સફરે લઇ જાઉં. મોનુ તો ખુશ ખુશ થઇ ગયો. હવે તો ભારત દેશ પણ મંગળ ઉપર પહોંચી ગયો છે. આપણું મંગળયાન મંગળની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે અને આપણને મંગળ વિષે માહિતી આપી રહ્યું છે. માનવને મંગળ ગ્રહમાં બહુ જ રસ પડ્યો છે. ભવિષ્યમાં ત્યાં માનવ વસાહત પણ ઉભી કરવા માંગે છે. એ માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. મોનુ તો બધા કરતાં પહેલાં જ મંગળ પર જવા તૈયાર થઇ ગયો.

મંગળ પર મોનુને લાગ્યું કે એનું વજન સાવ હળવું થઇ ગયું છે. આમ કેમ? મંગળ પર ઓછું ગુરુત્વાકર્ષણ હોવાથી, પૃથ્વી પર વજન હોય એના ૩૮% જેટલું જ વજન ત્યાં હોય. જુલ્લુએ મોનુને મંગળ વિષે સરસ માહિતી આપી. મંગળ નામ રોમન લોકોના યુદ્ધના દેવ ઉપરથી પડ્યું છે. મંગળ એ સૂર્યમાળાનો એક માત્ર ગ્રહ છે જેની સપાટી આપણે પૃથ્વી ઉપરથી જોઈ શકીએ છીએ. મંગળની સપાટી ઉપર જવાળામુખીના ખડકો, રણ, ખીણો અને એના ધ્રુવ પ્રદેશ પર બરફના પડ આવેલા છે. મંગળને રાતો ગ્રહ કેમ કહે છે? કારણકે એ કાટ જેવી ધૂળથી છવાયેલો છે. એનું વાતાવરણ પણ સપાટી પરથી સતત ઉડ્યા કરતી ધૂળને લીધે લાલાશ ધરાવે છે. મંગળ ઉપર ધૂળની ડમરીના ઝંઝાવાત સતત ચાલતા રહે છે જેને લીધે એની સપાટી સતત બદલાતી રહે છે. મંગળ ઉપર કેટલાય જવાળામુખીના ખડકો છે. એમનો એક જવાળામુખી "ઓલીમ્પસ મોન્સ" તો સૂર્યમાળામાં આવેલા તમામ જવાળામુખીમાં સૌથી મોટો છે જે ૨૧ કી.મી. ઉંચો અને ૬૦૦ કી.મી.નો ઘેરાવો ધરાવે છે. આપણી પૃથ્વી પર ઓક્સીજન વધારે છે જયારે મંગળ પર કાર્બન ડાયોકસાઈડનું પાતળું આવરણ છે. મંગળ પર પણ આપણી પૃથ્વીની જેમ જ ઋતુઓ બદલાતી રહે છે.

વાતાવરણ ચોક્ખું હોય ત્યારે પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત થઇ ગયા બાદ નાના ટમટમતા તારા જેવો બુધ દેખાય છે. મોનુ એને જોતાં જોતાં કહે કે મારે બુધના ગ્રહ પર જઈ એની માહિતી મેળવવી છે. જુલ્લુ તો તૈયાર જ હોય. બુધ એ સૂર્યમાળામાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. એની સપાટી ખડકાળ અને ખાડાવાળી છે. મોનુને પ્રશ્ન થયો કે સૂર્યની સૌથી નજીક હોવાથી ત્યાં ગરમી પણ વધારે જ હોય ને? બુધ ઉપર દિવસે ૪૦૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. તો રાત પણ કેવી ગરમ હોય? પરંતુ એવું નથી. બુધ ઉપર કોઈ બાહ્ય વાતાવરણ જ ન હોવાથી દિવસની ગરમી જાળવી શકાતી નથી અને એટલે રાતે ત્યાં -૧૮૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થઇ જાય છે. બુધ ઉપર કોઈ વાતાવરણ ન હોય તો ત્યાં કેવી અસર હોય? ત્યાં પવન કે હવામાન ન હોય. બુધની સપાટી ઉપર પાણી નથી. કદાચ નીચે હોઈ શકે. તેમજ એની સપાટી ઉપર હવા પણ નથી હોતી. બુધ ઉપર ગુરુત્વાકર્ષણ અત્યંત ઓછું હોય છે. મોનુને બુધ પરથી કોઈ ચંદ્ર ન દેખાયો. જુલ્લુ કહે કે બુધને કોઈ જ ચંદ્ર નથી.

શિયાળો ઉતરતાં, ઉનાળાની સાંજે પશ્ચિમ દિશામાં સુર્યાસ્ત થઇ ગયા બાદ તેજસ્વી તારો દેખાય છે તે શુક્રનો ગ્રહ છે. આપણને પૃથ્વી ઉપરથી દેખાતા આકાશી ગ્રહોમાં સૌથી વધારે સરળતાથી એ જોઈ શકાય છે. નારી આંખે પણ આપણે શુક્રને જોઇને ઓળખી શકીએ છીએ. શુક્ર કદમાં લગભગ પૃથ્વી જેવડો જ છે, સહેજ નાનો. ત્યાં ગુરુત્વાકર્ષણ પણ લગભગ પૃથ્વી પર હોય એટલું જ છે. આવી સામ્યતાઓ હોવાથી શુક્રને પૃથ્વીનો "જોડીદાર" પણ ગણાય. પરંતુ આપણે ત્યાં જવાનું વિચારી ન શકીએ કારણકે ત્યાંના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધારે છે. ત્યાં અત્યંત ગરમી છે અને પાણીનું કોઈ નામોનિશાન નથી. જો કે ભારત સહીત અમુક દેશો શુક્રનો વધુ અભ્યાસ કરવા માટે એની આસપાસ ભ્રમણ કરે એવો ઉપગ્રહ મોકલવા માંગે છે. મોનુ જુલ્લુ સાથે શુક્ર પર ગયો ત્યારે એકદમ જ નવાઈ પામીને બોલી ઉઠ્યો, "અરે આ શું? અહીં સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે?" જુલ્લુ કહે કે, "હા, શુક્ર પર સૂર્ય પશ્ચિમમાંથી ઉગીને પૂર્વમાં આથમતો દેખાય છે".

શિયાળામાં રાતે પૂર્વ દિશામાં ભૂરાશ પડતો ગુરુ જોઈ શકાય છે. જુલ્લુએ મોનુને ગુરુ ગ્રહ વિષે વિશેષ માહિતી આપતાં કહ્યું કે ગુરુનો ગ્રહ સૂર્યમાળામાં અનેક વિશેષતાઓ ધરાવતો ગ્રહ છે. તે સૂર્યમાળાનો સૌથી વિશાળ ગ્રહ છે. તેમાં આપણી ૧૩૦૦થી પણ વધુ પૃથ્વી સમાઈ જાય!  તે સૌથી વધુ ઝડપે સૂર્યની આસપાસ ફરે છે. આપણો એક દિવસ ૨૪ કલાકનો હોય છે જયારે તેનો દિવસ ફક્ત ૧૦ કલાકનો જ હોય છે. ત્યાં ચુંબકીય બળ એટલું વધારે છે કે પૃથ્વી ઉપર આપણું વજન હોય એના કરતાં ત્યાં અઢી ગણું (૨.૫ ગણું) વધારે વજન થાય! ગુરુને અનેક ચંદ્રો છે. એમના ૪ ચંદ્ર તો પ્લુટો કરતાં પણ મોટા છે. ગુરુનો એક ચંદ્ર "જેનીમેડ" તો બુધના ગ્રહ કરતાં પણ મોટો છે. તે સૂર્યમાળાના ગ્રહોના તમામ ચંદ્રોમાં સૌથી મોટો ચંદ્ર છે. ગુરુની એક વિશેષતા એ છે કે તેની સપાટી પર સતત વાવાઝોડા આવ્યા જ કરે છે. એક વાવાઝોડું તો ૩૦૦ વર્ષથી છે!

મંગળની જેમ આપણી પૃથ્વીવાસીઓનો પ્રિય ગ્રહ શનિ છે. શનિ એ ગુરુ પછીનો સૌથી ગ્રહ છે. મોટો શનિના ગ્રહ ફરતે આવેલા વલયોથી તે ખુબ જ સુંદર ગણાય છે. આ વલયો હજારો કિલોમીટર સુધી ફેલાયેલા છે. આ વલયો બરફના લાખો કણોના બનેલા છે. આમાંના કેટલાક કણો તો આપણા મકાન જેટલા મોટા હોય છે તો કેટલાક રેતીના કણ જેટલા હોય છે. શનિને પણ ઘણા ચંદ્રો છે. શનિ પર પણ તોફાની પવન હોય છે જે ક્યારેક તો કલાકના ૮૦૦ કી.મી. ની ઝડપ ધરાવે છે.

જુલ્લુ મોનુને કહે કે તું યુરેનસ ગ્રહ પર જાય તો તારી ઉંમર એકદમ જ નાની થઇ જાય. એમ કેમ? કારણકે યુરેનસને સૂર્યનું પરિભ્રમણ કરતાં પૃથ્વીના ૮૪ વર્ષ જેટલો સમય લાગે છે! એટલે ત્યાં ૪૨ વર્ષનો દિવસ અને ૪૨ વર્ષની રાત હોય છે. એની ધરી પર એ ત્રાંસો ફરે છે. યુરેનસના વાતાવરણમાં હાઈડ્રોજનનું પ્રમાણ વધારે છે. એના વાતાવરણમાં મીથેન વાયુ પણ છે. મીથેન વાયુ સૂર્ય કિરણોનો લાલ રંગ શોષી લે છે અને ભૂરો રંગ ફેલાવી દે છે. આથી ભૂરા-લીલા રંગનું આવરણ બની જાય છે. આને લીધે આપણે પૃથ્વી ઉપરથી યુરેનસને જોઈએ તો એની સપાટી પર શું છે તે નથી જોઈ શકાતું. પરંતુ વૈજ્ઞાનિકો એવું માને છે કે યુરેનસની સપાટી નીચે પાણી, એમોનીયા અને મીથેનનો સમુદ્ર હજારો કિલોમીટર સુધી ફેલાયેલો હશે.

નેપ્ટયુન ગ્રહ સૂર્યમાળામાં સૌથી દુર આવેલો ગ્રહ છે. પહેલાં આપણે પ્લુટોને સૌથી દુરનો ગ્રહ માનતા હતા પરંતુ હવે તો પ્લુટોને આપણે ગ્રહ તરીકે જ નથી માનતા એટલે નેપ્ટયુન જ સૌથી દુરનો ગ્રહ ગણાય. નેપ્ટયુન પૃથ્વી કરતાં ૪ ગણો મોટો છે. સૂર્યમાળાના ગ્રહોમાં સૌથી વધારે તોફાની વાતાવરણ ત્યાં છે.

૨૦૦૬ સુધી આપણે પ્લુટોને સૌથી નાનો અને સૌથી દુરનો ગ્રહ કહેતા હતા. પરંતુ ૨૦૦૬માં વૈજ્ઞાનિકોએ પ્લુટોની સૂર્યમાળાના ગ્રહ તરીકેની માન્યતા રદ કરી દીધી. હવે એ લઘુ ગ્રહ ગણાય છે. એ સૂર્યથી એટલો બધો દુર આવેલો છે કે ત્યાં સૂર્યકિરણો ભાગ્યેજ પહોંચે. ત્યાં -૨૩૫ થી -૨૧૦ ડીગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન રહે છે.

આ ઉપરાંત સૂર્યમાળામાં એસ્ટેરોઈડ અને ધૂમકેતુઓ પણ હોય છે. ધૂમકેતુ એ સૂર્યમાળાનો એક નાનો પદાર્થ છે. બ્રહ્માંડના સર્જન વખતે ગ્રહોની ઉત્પત્તિ થયા બાદ ધૂમકેતુ જેવા નાના પદાર્થોનું સર્જન થયું. અવકાશમાં "ઊર્ટ" નામે ઓળખાતા વાદળોમાંથી ધૂમકેતુઓનું સર્જન થાય છે.ઘણા બધા ધૂમકેતુઓ સૂર્યની આસપાસ ફરે છે. જયારે કોઈ ધૂમકેતુ સૂર્યની નજીક હોય છે ત્યારે એને પ્રકાશિત પૂંછ હોય એવું દેખાય છે. આપણે હેલીના ધૂમકેતુથી ઘણા પરિચિત છીએ જે દર ૭૬ વર્ષે આપણને દેખાય છે. આપણું મંગળયાન મંગળ ગ્રહ ફરતે ફરે છે ત્યારે એક વિશિષ્ટ ઘટના બની. એના માર્ગમાં આવો એક ધૂમકેતુ આવી ગયો એટલે આપણે મંગળયાનનો પથ સહેજ બદલવો પડ્યો!  હવે તો ધૂમકેતુનો અભ્યાસ કરવા રોસેટટા નામના પ્રયોગમાં ફીલાએ લેન્ડર નામનું નાનું યાન ૬૭પી નામના ધૂમકેતુ ઉપર ઉતારવામાં આવ્યું છે. આ અભ્યાસ પૃથ્વીની ઉત્પત્તિ સમજવામાં ઘણો ઉપયોગી થશે.  ઘણા એસ્ટેરોઈડ પણ સૂર્યની આસપાસ ફરે છે. એસ્ટેરોઈડ અવકાશી ખડકો છે જે મોટે ભાગે મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે હોય છે.

જુલ્લુ મોનુને કહે કે આપણા જ્યોતિષીઓ માત્ર આપણી સૂર્યમાળાના ગ્રહોના નામ જ જાણે છે એટલે આપણા પર આ ગ્રહોની કેવી કેવી અસર થાય એવી વાતો કર્યા કરે છે. જરા વિચાર કર. આટલી બધી આકાશગંગાની અસંખ્ય સૂર્યમાળાઓ અને એ બધાના અગણિત ગ્રહો-તારાઓ છે. જો આપણને આવા અવકાશી ગ્રહો નડતા જ હોય તો કેટકેટલાથી બચવું પડે? માટે આપણને ગ્રહો નડે એવી અવૈજ્ઞાનિક વાતો કદાપી ન જ માનતો. વિજ્ઞાનનો જ આધાર લઈને આગળ વધજે. આપણા કાર્યો અને મહેનત જ આપણું ભવિષ્ય ઘડે છે.

અવકાશની સફરે

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ એક જીન બની ગયું છે! જુલ્લુ મોનુને અવકાશની સફરેની સફરે લઇ ગયું.

અવકાશ એટલે શું? પૃથ્વી સહિતના અવકાશી પદાર્થો (ગ્રહો, તારાઓ, ધૂમકેતુ, એસ્ટેરોઈડ) વચ્ચે જે ખાલીપણું છે તે અવકાશ. અવકાશ પ્લાઝમાનું બનેલું છે. જયારે પ્લાઝમા ભેગું થઈને તારાઓ, આકાશગંગાઓ બનાવે છે. બીગ બેન્ગ સિધ્ધાંત મુજબ આકાશગંગાઓ અને તારાઓની રચના બાદ જે શૂન્યાવકાશ સર્જાયો તેમાં અવકાશનું સર્જન થયું. કિરણોત્સર્ગ અને શૂન્યાવકાશની અસરને લીધે અવકાશની સફર કરવી ખુબ જ મુશ્કેલ છે. મોનુ સાથે તો જુલ્લુ હતું એટલે એ તો અવકાશની સફર પણ કરી જ શકે ને?

મોનુએ જુલ્લુને પૂછ્યું, "આપણે ઉંચે આકાશમાં જોઈએ છીએ. પરંતુ અવકાશ ક્યાંથી શરુ થાય છે?"

જુલ્લુ કહે, "એના માટે બે મત છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના મત મુજબ સમુદ્રની સપાટીથી લગભગ ૮૦ કી.મી. ઉંચાઈએ અવકાશ શરુ થાય છે. જયારે અમુક આંતરરાષ્ટ્રીય જૂથના મતે સમુદ્રની સપાટીથી લગભગ ૧૦૦ કી.મી. ઉંચાઈએ શરુ થાય છે". આને કરમન રેખા પણ કહે છે.

સૌપ્રથમ વખત અવકાશનો ખ્યાલ કોને આવ્યો? ઈ.સ. પૂર્વે ૩૫૦માં એરિસ્ટોટલે અવકાશ અંગે ખ્યાલ આપ્યો હતો.

સૌપ્રથમ વખત બાહ્ય વાતાવરણમાં જવાનો પ્રયોગ બલુન દ્વારા કરવામાં આવ્યો હતો.

મોનુને કુતુહલ થયું કે ગ્રહો સતત ઘૂમ્યા જ કરે છે એ કેવી રીતે શક્ય બને? જુલ્લુ કહે કે અવકાશમાં ઘર્ષણનું બળ નથી લાગતું એટલે ગ્રહો સતત ગતિમાન રહે છે.

જુલ્લુ મોનુને કહે કે જો ધાતુના બે ટુકડાઓ અવકાશમાં એક બીજાને અથડાય તો બંને એકમેકમાં ભળી જાય અને એક જ ટુકડો બની જાય.

પ્રવાહી અવકાશમાં તરી ન શકે પણ એના નાના નાના ગોળા બની જાય.

જુલ્લુ મોનુને કહે કે અવકાશયાત્રી અવકાશની સફરે હોય ત્યારે કોઈ પ્રવાહી ગળી ન શકે કારણકે અવકાશમાં ગુરુત્વાકર્ષણ અત્યંત ઓછું હોય છે. પ્રવાહી પેટમાં જાય તો વાયુમાં રૂપાંતરિત નથી થતું.

ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાને લીધે કરોડરજ્જુ લંબાય છે આથી અવકાશયાત્રીની ઊંચાઈમાં ૫-૮ સે.મી.નો વધારો થઇ જાય છે. જો કે, આને લીધે એમને વાંસાનો કાયમી દુખાવો થઇ શકે છે.

મોનુએ જોરથી ચીસ પાડી તો જુલ્લુ કહે કે અવકાશમાં તારી ચીસ નહીં સંભળાય કારણકે અવકાશમાં અવાજના મોજાંનું વહન કરી શકે એવી હવા જ નથી હોતી.

ચન્દ્ર ઉપર પવન જ નથી હોતો આથી જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ગયા છે એમના પગલાંની છાપ હંમેશ માટે રહેશે.

મોનુને ઈચ્છા થઇ આવી કે એનો પોપટ પણ અવકાશમાં આવ્યો હોત તો કેવી મજા આવેત? તો જુલ્લુ કહે કે અવકાશમાં પક્ષીઓ ન રહી શકે કારણકે પક્ષીઓને કોઈ પણ ખોરાક ગળવા માટે ગુરુત્વાકર્ષણ જોઈએ જે અવકાશમાં ન હોય.

મોનુને ઊંઘવાની ઈચ્છા થઇ હતી પણ એ સુઈ જ નહોતો શકતો કારણકે ૨૪ કલાકમાં ૧૬ વખત સૂર્યોદય થાય છે! દર દોઢ કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતા હોવાથી આપણી પૃથ્વી ઉપર હોય છે એવા દિવસ-રાત શક્ય જ નથી હોતા.

અવકાશમાંના કિરણોત્સર્ગને લીધે અવકાશમાં આંખો આંજી નાંખે એવા ઝબકારા દેખાય છે. જુલ્લુ મોનુને કહે કે અપોલોયાનના અવકાશયાત્રીઓએ એકવાર એક અદભુત નજારો માણ્યો હતો. અવકાશના કાળા અંધકારમાં આપણી પૃથ્વી ભૂરા રંગની તેજસ્વી રકાબી જેવી દેખાઈ હતી! આપણે પૃથ્વી પરથી ચંદ્રની એક બાજુ જ જોઈ શકીએ છીએ. એમણે ચંદ્રની દૂરની બાજુ પણ જોઈ હતી.

અવકાશમાં સંશોધન કરવા માટે ઉપર અવકાશમાં આંતર રાષ્ટ્રીય અવકાશ મથક ઉભું કરવામાં આવ્યું છે. આ અવકાશ મથક પૃથ્વીથી ૪૦૦ કી.મી. જેટલી ઉંચાઈએ છે અને પૃથ્વીની પ્રદક્ષિણા કરતું રહે છે. પૃથ્વીથી ૨૦૦ કી.મી.થી વધુ ઉંચાઈએ રહેવા માટે અવકાશયાન અથવા એને લઇ જતા રોકેટએ એક સેકંડના ૮ કી.મી. ની ઝડપે ઉડવું પડે. જેમ ઝડપ વધે એમ એની પૃથ્વીના ગુરુક્વાકર્ષણથી ખેંચાઈને નીચે પડી જવાની શક્યતાઓ ઓછી થઇ જાય.

મોનુને પ્રશ્ન થયોકે આટલા બધા અવકાશયાનો અવકાશમાં ભ્રમણ કરતા રહે છે તો આપણા રસ્તાઓ પર થાય છે એવા અકસ્માત ત્યાં ન થાય? જુલ્લુ કહે કે ૧૯૯૩માં યુરોપના ઓલીમ્પસ નામના અવકાશયાન સાથે એક ઉલ્કા (ખરતો તારો) અથડાઈ ગયો હતો. એ અગાઉ અમેરિકાનું સ્કાયલેબ નામનું અવકાશમથક તૂટી પડ્યું હતું.  અવકાશયાન સાથે કોઈ અવકાશી પદાર્થ અથડાઈ જાય તો એનું રક્ષણ કરવા માટે એને બે આવરણ હોય છે.

અવકાશયાનો કાર્ય કરતાં બંધ થઇ જાય પછી પણ ભંગાર બનીને ભ્રમણ કરતાં જ રહે છે. અવકાશમાં લગભગ ૫ લાખ જેટલા આવા ભંગારના ટુકડાઓ ઘૂમી રહ્યા છે. કોઈ વખત મોટો અકસ્માત ન થઇ જાય તો સારું!

અવકાશયાત્રીઓએ ખાસ બનાવટનો અવકાશ સુટ પહેરવો પડે. એમણે સતત ખાસ પ્રકારની હેલ્મેટ પહેરી રાખવી પડે. આ હેલ્મેટમાં વાઈસર હોય છે (કારમાં આગળના કાચ પર પડતા વરસાદના પાણીને દુર કરવા સતત ફરતું રહેતું હોય છે એવું વાઈસર). આ વાઈસર થીજી ન જાય એ માટે હેલ્મેટમાં સતત ઓક્સીજન ફરતો રાખવો પડે છે.

અવકાશયાત્રીના અવકાશ સુટમાં એક કરતાં વધારે આવરણ હોય છે. એના વચ્ચેના આવરણને ફુગ્ગાની જેમ ફુલાવીને અવકાશયાત્રીના શરીર સાથે દબાણ આપવું પડે છે. જો આવું દબાણ ન આપે તો અવકાશયાત્રીનું શરીર ઉકળી જાય. અવકાશયાત્રી જે હાથ મોજાં પહેરે છે એમાં ખાસ પ્રકારના સીલીકોન રબર વપરાય છે જેથી તેઓ આંગળી વડે કરાતા સ્પર્શને અનુભવી શકે.

ખાસ બનાવટના આવા અવકાશી સુટ ખુબ જ મોંઘા હોય છે. ૬ કરોડથી પણ વધારે કિંમતનો એક સુટ થાય! આ સુટ માં ઈલેક્ટ્રોનિક સર્કીટ જ વધારે હોય છે.

અવકાશયાત્રા તો કોઈ પણ દેશને ખુબ જ મોંઘી પડે. પૃથ્વી પર રહીને અવકાશનો અભ્યાસ કરવા ખાસ પ્રકારના ટેલીસ્કોપ વપરાય છે. હબલ ટેલીસ્કોપ ઘણું જાણીતું છે. એના થકી ઘણો અભ્યાસ થયો છે. હવે તો મેક્સિકોના રણમાં મોટા મોટા અરીસા વાળા ટેલીસ્કોપ મુકાયા છે. ઊંચા પ્રદેશોમાં પણ ટેલીસ્કોપ ગોઠવીને અવકાશનો અભ્યાસ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો અવકાશ મથક પર પણ ટેલીસ્કોપ મુકીને અવકાશના દુરના પ્રદેશનો અભ્યાસ કરવાનું પણ વિચારી રહ્યા છે.

જુલ્લુ મોનુને કહે કે હવે તો ખાનગી સંસ્થાઓ મારફતે અઢળક કિંમત લઈને કોઈને પણ અવકાશમાં લઇ જવાનો વ્યવસાય જ શરુ થયો છે. આના માટે આકરી તાલીમ તો લેવી જ પડે.

મોનુએ પૂછ્યું કે ભારતમાંથી કોઈ અવકાશમાં ગયું છે? જુલ્લુ કહે કે રાકેશ શર્મા નામના ભારતીય હવાઈદળના ઈજનેર રશિયાના યાનમાં અવકાશમાં ગયા હતા. તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે એમણે અવકાશમાંથી વાત પણ કરી હતી. જયારે ઇન્દિરા ગાંધીએ એમને પૂછ્યું કે "ત્યાંથી ભારત દેશ કેવો દેખાય છે?" ત્યારે રાકેશ શર્માએ ત્વરિત જવાબ આપ્યો કે, "સારે જહાં સે અચ્છા...". આપણું પ્રિય ગીત છે ને? "સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા...". એમનો આવો ત્વરિત અને શ્રેષ્ઠ જવાબ સાંભળીને ઈન્દિરાજી એકદમ જ મલકાઈ ગયાં હતાં.

ઘરે પાછા ફરતાં જુલ્લુએ મોનુને થોડે ઉંચે જઈને બતાવ્યું કે પૃથ્વી એકદમ જ ગોળ નથી પરંતુ ઉત્તર ધ્રુવ  અને દક્ષિણ ધ્રુવ આગળ સહેજ ચપટી છે એટલે નારંગી જેવા આકારની છે!

મોનુ અવકાશ યાત્રાની આવી અજનબી વાતો સાંભળીને ભારત દેશના એક મહાન અવકાશ યાત્રી બનવાનું સપનું જોતાં સુઈ ગયો.

ઈલેક્ટ્રોનિક દુનિયા

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયર બની ગયું છે! જુલ્લુએ મોનુને ઇલેક્ટ્રોનીક્સ જગતનો પરિચય કરાવ્યો.

જુલ્લુએ મોનુને પૂછ્યું: "તું ઈલેક્ટ્રોનિકસમાં શું જાણે છે?"

મોનુ કહે કે, "મેં ટેલીવિઝન, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, વિડીયો ગેમ્સ, રોબોટ વિષે સાંભળ્યું છે. ટેલીવિઝન પર હું રોજ કાર્ટુન જોઉં છું અને વિજ્ઞાનની વાતો પણ જોઉં છું."

પછી જુલ્લુએ મોનુને આ સાધનો વિષે વિશેષ માહિતી આપી.

૨૦મી સદીમાં ટેલીવિઝનની શોધ સાથે મનોરંજનની દુનિયામાં આનંદ વ્યાપી ગયો. આપણે એને ટીવી એ ટૂંકા નામે ઓળખીએ છીએ.એનું સૌપ્રથમ વેચાણ ૧૯૨૦માં થયું હતું. ટેલીવિઝન દ્વારા હલન ચલન કરતાં ચિત્રો પ્રસારિત કરાય છે. રેડિયોની જેમ ટેલીવિઝનમાં પણ ખાસ તરંગ લંબાઈના તરંગો દ્વારા પ્રસારણ થાય છે. પહેલાં એનેલોગ પધ્ધતિથી પ્રસારણ થતું હતું. હવે ડીજીટલ પધ્ધતિથી પ્રસારણ થાય છે. પહેલાં શ્વેત-શ્યામ (બ્લેક એન્ડ વ્હાઈટ) ચિત્રો જ દેખાતાં. ૧૯૭૦થી રંગીન ચિત્રો પ્રસારણ થવા લાગ્યાં. ૧૯૮૦માં રીમોટ કંટ્રોલ આવ્યું. પહેલાંના ટીવી સ્ક્રીન બહુ જ ભારે અને વધારે જગ્યા રોકતા. એમાં કેથોડ રે ટ્યુબ (CRT) વપરાતું. ત્યાર બાદ ટ્રાન્ઝીટર વપરાતાં. હવે તો લીક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) અને પ્લાઝમા વપરાય છે. સમય સાથે ટીવીની દુનિયામાં પણ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે.

અત્યારે સૌથી વધુ વપરાતું ઈલેક્ટ્રોનિક સાધન કયું? બહુ જ સહેલો જવાબ છે - મોબાઈલ ફોન! કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે ફટ કરતાંકને વાતચીત થાય, સંદેશા (એસ.એમ.એસ) મોકલી શકાય. હવે મોબાઈલનો માત્ર આવા સંદેશા વ્યવહાર પુરતો જ ઉપયોગ નથી રહ્યો. કેમેરા, વિડીયો, ઈન્ટરનેટ, ગેમ રમવા, ઈમેલ, ફોટા મોકલવા વિ અનેક સુવિધાઓ આંગળીના એક ટેરવે જ મળી રહે છે. બેંકના કામો, બીલ ભરવાના કામો, ખરીદી કરવા વિ અનેક કામો ઘેર બેઠાં મોબાઈલ થકી કરી શકાય છે. આમ મોબાઈલ એ આધુનિક યુગનું સૌથી વધારે જરૂરીયાત વાળું સાધન બની ગયું છે.

જુલ્લુ મોનુને કહે કે મોબાઈલ ભલે આટલું બધું ઉપયોગી હોય પરંતુ એના ગેરફાયદાઓ પણ જાણી લેવા જોઈએ. મોબાઈલમાંથી નીકળતા વિકિરણો હાનીકારક નીવડી શકે છે. એનાથી મગજના કોષોને નુકસાન થઇ શકે છે, શ્રવણ ક્ષમતા ઘટી શકે છે.

મોબાઈલ ટાવર નજીક રહેતા લોકોની તબિયત પર અસર થઇ શકે છે. વળી આ વિકિરણોને લીધે ચકલી જેવાં નાનાં પક્ષીઓ તો અત્યંત ઝડપથી ઘટી રહ્યાં છે. ઘણા લોકો મોબાઈલનો સમજ્યા વગર ઉપયોગ કરે છે. વાહન ચલાવતાં મોબાઈલ વાપર્યા કરે એમાં અકસ્માતો થાય છે. કોઈ અગત્યના કામ થતા હોય, શાળામાં ભણતા હોવ કે મિત્રો-કુટુંબીઓ સાથે રૂબરૂ વાતો કરતા હો ત્યારે મોબાઈલ ન વાપરવો જોઈએ.

ટેકનોલોજી આપણી પર હાવી ન થઇ જવી જોઈએ.

મોબાઈલની જેમ જ રોજીન્દા જીવનમાં વપરાતું ઈલેક્ટ્રોનિક સાધન કોમ્પ્યુટર છે. ચાર્લ્સ બેબેજ નામના એન્જીનીયરે કોમ્પ્યુટરની શોધ કરી. ૧૯૪૦ના દાયકામાં ખુબ જ મોટા દોરડા જેવા વાયરો વાળા, મોટા ઓરડાઓ રોકે એવા જબરદસ્ત મોટા કોમ્પ્યુટર હતા. પછી ટેબલ પર મૂકી શકાય એવા ડેસ્કટોપ કોમ્પુટર આવ્યા. હવે તો ખોળામાં મુકીને વાપરી શકાય એવા લેપટોપ આવી ગયા. હાથમાં રાખીને વાપરી શકાય એવા ટેબ્લેટ આવી ગયા.

કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વડે સંચાલિત થાય છે. પ્રોસેસિંગ યુનિટ, મેમરી, હાર્ડ ડીસ્ક, ડીસ્પ્લે સ્ક્રીન, કીબોર્ડ, માઉસ હાર્ડવેર ગણાય. રેન્ડમ એક્સેસ મેમરી (RAM)માં સૂચનાઓની આપલે થઇ શકે છે - એટલે કે પ્રોસેસિંગ યુનિટ દ્વારા સૂચનાઓ લખી અને વાંચી શકાય છે. રીડ ઓન્લી મેમરી (ROM)માં સૂચનાઓ લખી શકાતી નથી. પ્રોસેસિંગ યુનિટ માત્ર એમાંની સૂચનાઓ વાંચી જ શકે છે. કોમ્પ્યુટરમાં બાઈનરી પધ્ધતિથી સૂચનાઓની આપલે થાય છે. ૦ અને ૧ એ બે એકમોમાં જ બધી સૂચનાઓ, માહિતીઓ સચવાય છે અને ગણતરી થાય છે. કોમ્યુટર સાથે પ્રિન્ટર જોડીને માહિતી પ્રિન્ટ કરી શકાય છે. સ્કેનર જોડીને માહિતીની ઝેરોક્ષ કાઢી શકાય છે.

સોફ્ટવેર એટલે કોમ્પ્યુટરનું સંચાલન કરવા માટેની પધ્ધતિસર સૂચનાઓ. આ પધ્ધતિસરની સૂચનાઓ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. મુખ્ય સોફ્ટવેરને ઓપરેટીંગ સિસ્ટમ કહે છે જેના થકી જ હાર્ડવેરને સૂચનાઓ મળે છે અને બીજા તમામ સોફ્ટવેરનું સંચાલન કરાય છે. ખુબ જ જાણીતી માઈક્રોસોફ્ટ વિન્ડોઝ એ એક ઓપરેટીંગ સિસ્ટમ છે. યુનિક્સ, લીનક્ષ પણ ઓપરેટીંગ સિસ્ટમ છે. મોબાઈલમાં અને ટેબ્લેટમાં એન્ડ્રોઈડ નામની ઓપરેટીંગ સિસ્ટમ હોય છે. કોમ્પ્યુટર દ્વારા થતા તમામ કામ કરવા માટે જરૂર મુજબના સોફ્ટવેર પ્રોગ્રામ લખવામાં આવે છે. આ પ્રોગ્રામ માણસ દ્વારા જ લખાતા હોવાથી એમાં ભૂલ પણ થઇ શકે. આવી કોઈ ભૂલને લીધે સાચી સૂચનાઓ ન મળતાં કોમ્પ્યુટર ધાર્યા મુજબનું  કામ ન પણ આપે. એ વખતે કોમ્પ્યુટર સાધનને ન વખોડાય!

એક કરતાં વધારે કોમ્પ્યુટર એકબીજા સાથે નેટવર્ક દ્વારા જોડી શકાય છે. જુદા જુદા સ્થળે મુકેલા કોમ્પ્યુટરને નેટવર્ક દ્વારા જોડીને એમાંની માહિતી આપલે કરી શકાય છે. નાના અંતરે રાખેલા કોમ્પ્યુટરને લોકલ એરિયા નેટવર્ક (LAN) દ્વારા અને લાંબા અંતરે રાખેલા કોમ્પ્યુટરને વાઇડ એરિયા નેટવર્ક (WAN) દ્વારા જોડી શકાય છે. ઈન્ટરનેટ મારફતે તો દુનિયાભરમાં અલગ અલગ સ્થળે રાખેલા કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડી શકાય છે.

કોમ્પ્યુટરની મદદ વિના હવે જાણે કોઈ મોટા કામ શક્ય જ નથી! ઝડપી ગણતરી ઉપરાંત ખુબ જ ઝડપથી અનેક કામો કરી શકાય છે.

કોમ્પ્યુટર અને મોબાઈલ યુગમાં ઈન્ટરનેટની મદદથી જબરદસ્ત ક્રાંતિ આવી છે. એક કરતાં વધારે કોમ્પ્યુટરને નેટવર્ક દ્વારા જોડી શકાય છે. દુનિયાભરના આવા અસંખ્ય નેટવર્કને સાંકળતું-જોડતું નેટવર્ક એટલે ઈન્ટરનેટ. આ બધા નેટવર્કને વાયરો મારફતે કે વાયરો વિના (વાયરલેસ) જોડ્યા હોય છે. દરિયાની નીચે ઓપ્ટીકલ ફાઈબરના વાયરો નાંખીને ઈન્ટરનેટના નેટવર્ક જોડ્યા હોય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ઉપગ્રહો મારફતે પણ ઈન્ટરનેટના નેટવર્ક માહિતીની આપલે કરે છે.

આ બધા નેટવર્કમાંના કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને ખાસ રીતે ગોઠવીને બનાવેલા "લીંકડ પેજીસ" ને બ્રાઉઝર દ્વારા કોઈ પણ સ્થળે રાખેલા બીજા કોમ્પ્યુટરમાં વાંચી શકાય છે. આ રીતે ઈન્ટરનેટ દ્વારા માહિતીની આપલે કરવાનું માળખું એટલે "વર્લ્ડ વાઇડ વેબ". વર્લ્ડ વાઇડ વેબ મારફતે માહિતીની આપલે કરવાની શોધ ૧૯૮૯માં બ્રિટીશ ભૌતિક વિજ્ઞાની સર ટીમ બર્નસ લી એ કરી હતી.

સંદેશા વ્યવહાર માટે ઈન્ટરનેટ સૌથી ઝડપી ફેલાવો ધરાવતું માધ્યમ બન્યું છે. રેડિયોની શરૂઆત થઇ પછી તેને ૫ કરોડ લોકો સુધી પહોંચતાં ૩૮ જેટલા વર્ષ લાગ્યાં. ટેલીવિઝનને ૧૩ વર્ષ લાગ્યાં. જયારે ઈન્ટરનેટ તો એની શરૂઆત પછી ફક્ત ૪ વર્ષમાં જ ૫ કરોડ લોકો સુધી પહોંચી ગયું!
ઈન્ટરનેટના માધ્યમથી વર્લ્ડ વાઈડ વેબનો ઉપયોગ કરી જુદી જુદી માહિતી મેળવવા માટે એ માહિતી જયાં રાખેલી છે એનું સ્થાન યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) દ્વારા નક્કી થાય છે. આ માહિતી જે તે વેબ સાઈટ પર હોય છે. દાખલા તરીકે ગુજરાત શિક્ષણ બોર્ડની માહિતી એની વેબ સાઈટ "www.gujarat-education. gov.in" પર રાખેલ છે. આ રીતે "www" દ્વારા શરુ થતું નામ એ વેબ સાઈટનું એડ્રેસ કહેવાય છે જે યુનિફોર્મ રિસોર્સ લોકેટર (URL) છે. વેબ સાઈટના નામમાં પાછળ ".com", ".org", ".gov" આવે છે તેને ડોમેઈન કહે છે. આમાં દેશના નામ પ્રમાણેનું ડોમેઈન પણ હોય છે. જેમ કે ભારત (ઇન્ડિયા) માટે ".in" છે.

ઈન્ટરનેટ પર કોઈ પણ માહિતી ક્યાં હશે તે શોધવા માટે "સર્ચ એન્જીન" તરીકે ઓળખાતી વેબ સાઈટનો ઉપયોગ થાય છે. ગુગલ આવું એક સૌથી પ્રચલિત "સર્ચ એન્જીન" છે. રોજ દુનિયાભરમાંથી કરોડો લોકો કેટલીય માહિતીઓ શોધવા માટે એનો ઉપયોગ કરતા હોય છે.

વેબ સાઈટ પરથી માહિતીઓ લેવા ઉપરાંત ઈન્ટરનેટનો ઉપયોગ ઇમેઈલ કરવા, ફોન કરવા, વિડીયો ફોન કરવા જેવી બાબતો માટે પણ થાય છે. ફેસબુક, વ્હોટસએપ, ટવીટર થકી કરોડો લોકો એકબીજા સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે અને અનેક માહિતીઓની આપલે કરતા હોય છે. આને સોશિઅલ મીડિયા કહે છે. જે રીતે આનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઓનલાઈન ખરીદી, બેંકના નાણાકીય વ્યવહારો વિ કરતી વખતે ગફલત થઇ જાય તો ઘણું નુકસાન થઇ શકે છે. વળી કોઈ પણ અજાણ્યા માણસોને પોતાની ખાનગી માહિતી ન મળી જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

તમે રોબોટ વિષે તો સાંભળ્યું જ હશે. રોબોટ એટલે માણસની જેમ કામ કરી શકતું એક મશીન. ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલે કહ્યું હતું: "જયારે કોઈ પણ સાધન તેના દ્વારા જે કામ કરાવવાનું હોય તે કરી શકશે ત્યારે માણસને સહાયકોની જરૂર નહિ રહે". મતલબ કે માણસ કોઈ સાધનની મદદથી માણસ કરી શકે એવું કામ કરી શકે એ કલ્પના જ રોબોટનો પહેલો વિચાર કહી શકાય!  ઈ.સ.૧૪૯૫માં પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્સીએ રોબોટ જેવા સાધનનું ચિત્ર દોર્યું હતું. ઈ.સ.૧૭૦૦-૧૯૦૦ વચ્ચે ઘણા સ્વયં સંચાલિત સાધનો બન્યા. જેક્સ દે વૌકેન્સન નામના એન્જીનીયરે "હાલતું-ચાલતું" બતક બનાવ્યું હતું જે એની મેળે જ પાંખો ફફડાવી શકતું, ડોક હલાવી શકતું અને કોઈ વસ્તુ મૂકી હોય તો ગળી શકતું.

રીતસર ઉપયોગમાં લઇ શકાય એવું સ્વયં સંચાલિત સાધન ઈ.સ.૧૯૧૩માં હેન્રી ફોર્ડે એની મોટર કાર બનાવતી ફેક્ટરીમાં બનાવ્યું. એમણે કન્વેયર બેલ્ટનો ઉપયોગ કર્યો. કન્વેયર બેલ્ટ એટલે લોખંડનો પટ્ટો જે સતત ફરતો રહે અને એ રીતે એના પર મુકેલી વસ્તુઓ ફરતી રહે જેથી કોઈ માણસે વસ્તુને એક સ્થાનેથી બીજે સ્થાને ન લઇ જવી પડે. આ ઉપયોગથી એમની ફેકટરીમાં કાર બનાવવાની ઝડપ વધી જતાં કારનું ઉત્પાદન વધી ગયું.

અત્યારે આપણે જેવા રોબોટ જોઈએ છીએ તેવો પહેલો રોબોટ ઈ.સ.૧૯૩૨માં જાપાને બનાવ્યો. "લીલીપુટ" નામે ઓળખાતો આ રોબોટ ચાલી શકતો હતો! એ ટીનના પતરામાંથી બનાવ્યો હતો અને ૧૫ સે.મી. ઉંચો હતો.

ઈ.સ.૧૯૯૪માં કાર્નેગી યુનીવર્સીટીએ ડાન્ટે ૧૧ નામનો ૮ પગ વાળો ચાલી શકે એવો રોબોટ બનાવ્યો. એનો હકીકતમાં ઉપયોગ કર્યો. માઉન્ટ સ્પર નામના જવાળામુખી પર્વત પર એને ઉતાર્યો અને ત્યાના વાયુના નમુના એકઠા કર્યા! માણસની જેમ જ "મગજ વાપરી શકે" એવો રોબોટ પણ બન્યો! ઈ.સ.૧૯૯૭માં આઈ.બી.એમ. કંપનીએ "ડીપ બ્લ્યુ" નામનું કોમ્પુટર બનાવ્યું. આ કોમ્પ્યુટરે એ સમયના ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવી દીધો! હવે તો ફૂટબોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમી શકે એવા રોબોટ પણ બને છે!

ઈ.સ.૨૦૦૨માં "રુમ્બા" નામનું રોબોટિક વેક્યુમ ક્લીનર બન્યું જે સ્વયં સંચાલિત કચરો સાફ કરી નાખે! આ રોબોટની માંગ ઘણી જ વધી ગઈ છે કારણકે લોકોને આવી રીતે કામ કરી આપે એવા રોબોટની ઘણી જરૂર છે. હવે તો આવા રોબોટની મદદથી વાહનો ચલાવી શકાશે, ઘરના નાના-મોટા કામ કરાવી શકાશે. માણસ આળસુ ન થઇ જાય તો સારું!

મેડીકલ ક્ષેત્રે રોબોટ ઘણો જ ઉપયોગી સાબિત થશે. માણસ અત્યંત જટિલ સર્જરી (વાઢકાપ - ઓપરેશન) ન કરી શકે પરંતુ રોબોટની મદદ લઇને આવી સર્જરી થઇ શકે.

આ ઉપરાંત આપણે અનેક ઈલેક્ટ્રોનિક સાધનો ઉપયોગમાં લઈને જાણે કે ક્રાંતિ કરી છે. ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, મોબાઈલ, વેબ કેમ જેવા સાધનોની મદદથી આપણે અંતરના સીમાડા હટાવી દીધા છે. દુનિયાના કોઈ પણ સ્થળેથી અત્યંત દુર ક્યાંય પણ બેઠેલી બીજી વ્યક્તિ સાથે પ્રત્યક્ષ જોઇને વાતો થઇ શકે છે.

તમે કોમ્પુટરની સાથે પ્રિન્ટર જોયું હશે જે માહિતી પ્રિન્ટ કરે છે. ૩-ડી પ્રિન્ટરની શોધ સાથે જબરદસ્ત ક્રાંતિ થઇ છે. એની મદદથી કોઈ પણ મશીનના ભાગો બનાવી શકાય છે. અરે, માણસના શરીરના અંગો પણ બનાવી શકાય છે!

આપણે ઈલેક્ટ્રોનિક દુનિયાના ગુલામ ન બની જઈએ પણ એનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરીએ તો આવનાર પેઢીને ઘણી જ સરળતા મળશે. અનેક કામો વધારે કુશળતાથી થશે જેથી માણસ વધારે સુખથી રહી શકશે.

માનવ શરીરમાં પરિભ્રમણ!

મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે.

એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ખુબ જ સૂક્ષ્મ બની ગયું છે અને આપણા શરીરમાં પણ ફરી શકે છે! મોનુ જુલ્લુને કહે કે, "દોસ્ત, મને પણ સૂક્ષ્મ બનાવી દે ને. મારે પણ માનવ શરીરની અંદર ઉતરીને જોવું છે".

પછી જુલ્લુએ મોનુને સૂક્ષ્મ બનાવી દીધો અને એ માનવ શરીરમાં પરિભ્રમણ કરવા લાગ્યો!

મોનુ મગજ જોવા ગયો. આપણું મગજ અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર જેવું છે. એ આપણી અસંખ્ય યાદોને સંગ્રહી રાખે છે અને જરૂર પડે ત્યારે તરત જ કોઈ બાબત યાદ અપાવી દે છે. આપણે જે રીતે વિચારીએ છીએ કે પ્રતિક્રિયા આપીએ છીએ તેનું સંચાલન આપણા મગજ મારફતે થાય છે.

મગજ એ આપણા સમગ્ર જ્ઞાનતંતુ ચક્ર (મજજા તંત્ર)નું સંચાલક છે. તે આપણા વિચારો, યાદો, આપણી હલનચલન, આપણા નિર્ણયોનું નિયંત્રણ કરે છે. માનવ જાતની ઉત્પત્તિ થઇ ત્યારથી મગજ વધારે ને વધારે જટિલ બનતું જાય છે. હજી સુધી વૈજ્ઞાનિકો આપણા મગજની અસંખ્ય બાબતો નથી જાણી શક્યા.
મગજ અબજો જ્ઞાનતંતુઓ ધરાવે છે જે આપણા શરીરમાં માહિતીઓનું સતત આદાન પ્રદાન કરતા રહે છે. મગજને ડાબી અને જમણી બાજુઓ હોય છે. મગજની ડાબી બાજુ આપણા શરીરના જમણા ભાગનું નિયંત્રણ કરે છે જયારે મગજની જમણી બાજુ આપણા શરીરના ડાબા ભાગનું નિયંત્રણ કરે છે.

આપણું મગજ ખોપરી દ્વારા રક્ષિત થયેલું છે. ખોપરી એક બીજા સાથે મજબુત રીતે જોડાયેલા ૨૨ હાડકાંઓનું બનેલું કવચ છે.

મોનુને એમ હતું કે મગજમાં આટલી બધી યાદો સંગ્રહાતી હોય એટલે એનું કદ પણ મોટું જ હોય ને? પણ એવું નથી. પુખ્ત વયના માણસનું મગજ માંડ દોઢ કિલોગ્રામ જેટલું જ વજન ધરાવે છે! આટલું નાનું મગજ આપણા શરીરની ૨૦% જેટલી ઉર્જા વાપરે છે!

મોનુએ જુલ્લુને પૂછ્યું કે, "આપણી જેમ બીજા પ્રાણીઓના મગજ પણ આવડા જ હશે ને?" જુલ્લુ કહે કે, "આપણા જેટલા જ કદના બીજા પ્રાણીઓના મગજ કરતાં આપણું મગજ ૩ ગણું મોટું હોય છે".

મગજ મેરુદંડ (મગજ અને કરોડરજજુનો દંડ-પટ્ટો) ના પ્રવાહીમાં રીતસર તરતું હોય છે! આને લીધે કુદરતી રીતે જ કોઈ જોરદાર અથડામણ સામે એને રક્ષણ મળી જાય છે. ઉપરાંત ચેપી જીવાણુંઓ સામે પણ રક્ષણ મળે છે.

માનવ શરીરમાં પરિભ્રમણ કરતો મોનુ હૃદય સુધી પહોંચી ગયો. હૃદય છાતીમાં ડાબી બાજુએ આવેલું છે અને પાંસળીઓ વડે સુરક્ષિત છે.

હૃદય માનવ શરીરનું સૌથી અગત્યનું અંગ છે જે સતત લોહીને શિરા (રક્ત વાહિની) દ્વારા શરીરના દરેક ભાગ સુધી પહોંચાડતું રહે છે. મોનુએ જોયું કે હૃદયમાં ૪ ખાનાં હોય છે. હૃદયમાં ૪ વાલ્વ હોય છે જેના લીધે લોહી કાં તો હૃદયમાંથી બહાર જાય છે કાં તો બહારથી હૃદયમાં આવે છે. હૃદયમાંથી બહાર જતું લોહી ધમની નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા બહાર જાય છે. હૃદયમાં આવતું લોહી શિરા નામે ઓળખાતી રક્ત વાહિની દ્વારા હૃદયમાં આવે છે.

મોનુએ જોયું કે હૃદયના ધબકારા કેવી રીતે થાય છે. હૃદય જયારે સંકોચાય છે ત્યારે એના ખાનાં નાના બને છે અને લોહીને રક્ત વાહિનીઓમાં ધકેલે છે. હૃદય પાછું મૂળ કદમાં આવે છે ત્યારે એના ખાનાં મોટા બને છે હૃદયમાં આવતા લોહીથી ભરાય છે. હૃદય સંકોચાય છે કેવી રીતે? હૃદયમાંથી પસાર થતો સુક્ષ્મ વીજ પ્રવાહ એના સ્નાયુઓને સંકોચે છે.

હૃદય અને એને લગતા રોગ, હૃદયમાં થતી મુશ્કેલીઓનો અભ્યાસ કાર્ડીઓલોજી નામે ઓળખાય છે. તમે કોઈ વખત હોસ્પીટલમાં ગયા હો અથવા ટી.વી.માં કે કોઈ ચલચિત્રમાં જોયું હોય કે દર્દીની સાથે એક મશીન જોડ્યું હોય છે જેમાં સ્ક્રીન પર એક લાઈન (રેખા) ફરતી દેખાય છે. આને ઇલેક્ટ્રો કાર્ડીઓ ગ્રામ (ઈ.સી.જી.) કહે છે. આ મશીન દ્વારા દર્દીના હૃદયમાંથી પસાર થતો વીજ પ્રવાહ માપી શકાય છે. એમાં લાઈન ઉપર નીચે જતી દેખાય છે. ડોક્ટર આ જોઇને નક્કી કરી શકે છે કે હૃદયના ધબકારા બરાબર ચાલે છે કે અનિયમિત છે. અત્યંત અનિયમિત ધબકારા હોય તો ડોક્ટરને ખબર પડી જાય છે કે દર્દીને હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે. જો સ્ક્રીન પર દેખાતી લાઈન સીધી-સપાટ થઇ જાય તો દર્દી મૃત્યુ પામી રહ્યો છે એવો ખ્યાલ આવી જાય છે.

મોનુએ જુલ્લુને પૂછ્યું કે આ મશીનથી તો ખબર પડી જાય કે હૃદયરોગનો હુમલો આવી રહ્યો છે પણ એ સિવાય કેવી રીતે ખબર પડે? જુલ્લુ કહે કે જો તમારી આસપાસ કોઈ છાતીમાં દુખાવાની ફરિયાદ કરે તો તાત્કાલિક ૧૦૮ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લેવાની. દરમ્યાનમાં છાતી પર ખુબ જ જોર જોરથી હાથ ઘસવાના જેથી દર્દીના હૃદયના ધબકારા બંધ ન પડી જાય.

હૃદય મજબુત રહે અને નિયમિત ધબકતું રહે એ જીવવા માટે અત્યંત જરૂરી હોવાથી આપણે એની ખુબ જ કાળજી લેવી જોઈએ. શુદ્ધ સાત્વિક ખોરાક જ લેવો જોઈએ. લારી-હોટેલમાં મળતા ખાદ્ય પદાર્થોના બહુ ચટાકા નહીં કરવાના. આળસ કર્યા વગર નિયમિત કસરત કરવાની જ. હૃદય તંદુરસ્ત તો જીવન તંદુરસ્ત!

મોનુને લોહી વિષે જાણવાની ઈચ્છા થઇ એટલે જુલ્લુએ એને સમજ આપી. લોહી માનવ શરીરના વજન ના ૭% જેટલું હોય છે. લોહીમાં લાલ, સફેદ રક્તકણો અને પ્લેટેલેટ હોય છે. આ રક્તકણો પ્લાઝમા નામે ઓળખાતા પીળા રંગના પ્રવાહીમાં તરતા હોય છે. પ્લાઝમામાં ૯૦% પાણી હોય છે. ઉપરાંત પોષક તત્વો, ગ્લુકોઝ, પ્રોટીન, હોર્મોન્સ હોય છે.

આપણને જીવવા માટે સૌથી વધુ જરૂર ઓક્સીજનની છે. લાલ રક્તકણો ઓક્સીજનને આખા શરીરમાં ફરતો રાખે છે.

લોહીનો રંગ લાલ કેવી રીતે બને છે? લાલ રક્તકણોમાં હિમોગ્લોબીન નામે ઓળખાતું પ્રોટીન પણ હોય છે. આ હિમોગ્લોબીનમાં આયર્ન હોય છે જે ઓક્સીજન સાથે ભળીને લોહીને લાલ રંગ આપે છે.

આ રક્તકણો કેટલાક હાડકાની અંદરની ચરબીમાં (જે બોન મેરો તરીકે ઓળખાય છે) બને છે અને શરીરમાં લગભગ ૧૨૦ દિવસ સુધી ફરતા રહે છે.

સફેદ રક્તકણો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ખુબ જ ઉપયોગી છે. તે આપણા શરીરનું કેટલાક બેક્ટેરિયા, વાઇરસ, કેન્સર, ચેપી રોગો અને એવા બિન ઉપયોગી પદાર્થો સામે રક્ષણ કરે છે.

આપણને કશુંક વાગે ત્યારે લોહી નીકળે છે. આ લોહી નીકળતું બંધ જ ના થાય તો? પ્લેટેલેટ લોહી નીકળતું હોય ત્યારે એને જામી જવામાં મદદ કરે છે.

લોહી આપણા શરીરમાંથી નકામા પદાર્થો બહાર કાઢી નાખવામાં પણ ઉપયોગી બને છે.

તમે લોહીના દબાણ વિષે સાંભળ્યું છે? જે બ્લડ પ્રેશર તરીકે ઓળખાય છે. લોહી રક્તવાહિનીઓમાં ફરતું હોય ત્યારે એની દીવાલ પર જે દબાણ થાય એને બ્લડ પ્રેશર કહે છે. સામાન્ય રીતે લોહીનું દબાણ ૧૨૦/૮૦ હોવું જોઈએ (મહત્તમ એટલે કે ઉપરનું દબાણ ૧૨૦ અને લઘુત્તમ એટલે કે નીચેનું દબાણ ૮૦). જો બ્લડ પ્રેશર વધી જાય તો હૃદય રોગનો હુમલો આવી શકે કે લકવો પણ થઇ શકે.

તમને તમારા લોહીનો પ્રકાર કયો છે તે ખબર છે? લોહીના પ્રકાર એટલે કે બ્લડ ગ્રુપ વિષે તમે કદાચ સાંભળ્યું હશે. આપણને કોઈ કારણસર બહારથી લોહી આપવાની જરૂર પડે તો બ્લડ ગ્રુપને આધારે જ નક્કી કરાય કે કયા ગ્રુપનું લોહી આપણા શરીરમાં આપી શકાય. બ્લડ ગ્રુપ ઓ, એ, બી, અને એબી નામે ઓળખાય છે. એમાં એ+, એ- એવી રીતે પ્રકારો નક્કી થાય છે. આવા લગભગ ૩૦ ગ્રુપ બને છે.

જુલ્લુ મોનુને કહે કે જયારે કોઈને અકસ્માત થાય ત્યારે શરીરમાંથી ઘણું બધું લોહી વહી જાય છે. આવા માણસને તાત્કાલિક નવું લોહી બહારથી આપવું જ પડે. અનેક બાળકો થેલેસેમિયા નામના રોગથી પીડાય છે. આવા બાળકોને દર ૩ અઠવાડિયે લોહી આપવું પડે છે! આમ લોહીની કેટલી બધી જરૂર પડે છે? આટલું બધું લોહી કેવી રીતે મળે? તંદુરસ્ત માણસો દર ૩ મહીને લોહી આપી શકે. જો દરેક તંદુરસ્ત માણસ આવી રીતે દર ૩ મહીને પોતાનું લોહી આપે (જેને રક્તદાન - બ્લડ ડોનેશન કહે છે) તો કેટલીયે જીન્દગી બચાવી શકાય. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એ મોટો થઈને નિયમિત રીતે રક્તદાન કરશે જ. તમે પણ કરશો ને?

બ્લડ કેન્સરના દર્દીઓને એમના લોહીને અનુકુળ બોન મેરો મળી જાય તો એમને જીવતદાન મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આથી બોન મેરો ડોનેટ (દાન) કરવા માટે જાગૃતિ લાવવાની જરૂર છે. મોનુએ તો નક્કી કરી લીધું છે કે એનું બોન મેરો કેન્સરના દર્દીને કામમાં આવશે તો એ જરૂર ડોનેટ કરશે. તમે પણ આવું નક્કી કરી લો.

પછી મોનુએ ત્વચા-ચામડી વિષે જાણકારી મેળવી. ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ કહી શકાય. 

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ત્વચા શું કામમાં આવે?" મોનુ કહે કે, "ત્વચા એની નીચે શરીરમાં આવેલા હાડકાં, સ્નાયુઓ અને અંદરના અંગોનું રક્ષણ કરે છે". જુલ્લુ કહે, "એ ઉપરાંત ત્વચા બહારના રોગ સામે પણ રક્ષણ આપે છે. ઠંડી અને ગરમીની સંવેદના કરાવે છે. લોહીની મદદ વડે શરીરનું તાપમાન જાળવી રાખે છે".

મોનુએ જુલ્લુને પૂછ્યું, "લોકોની ત્વચાનો રંગ જુદો જુદો કેમ હોય છે?" જુલ્લુ કહે કે, "ત્વચાના રંગનો આધાર મેલાનીન રંગદ્રવ્ય પર છે. મેલાનીન ઓછી માત્રામાં હોય તેની ત્વચાનો રંગ ઉજળો હોય. મેલાનીન વધારે માત્રામાં હોય એની ત્વચા કાળી હોય".

એક અચરજભરી બાબત એ છે કે આપણા ઘરમાં આપણે ધૂળની રજકણો જોઈએ છીએ તેમાં ઘણી માત્રામાં મૃત ત્વચા (જે ખરી પડી હોય છે) હોય છે!

મોનુ સુક્ષ્મ સ્વરૂપે આંખ જોવા પહોંચી ગયો.

આંખની અંદરના ભાગમાં પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ સ્નાયુ છે તે રેટીના કહેવાય છે. અત્યારે તો ડીજીટલ કેમેરા આવી ગયા છે પણ પહેલાં ફિલ્મના રોલ વાળા કેમેરા હતા. આવા કેમેરામાં ફિલ્મનું જે કામ છે તેવું જ કામ રેટીના કરે છે. રેટીનાના શંકુ કોષ રંગ પારખે છે. રેટીનાના દંડ કોષ રંગછટાઓ વચ્ચેની ભેદ માત્રા પારખે છે.

આંખમાં જે લેન્સ હોય છે તે જુદા જુદા અંતરે રહેલા પદાર્થો પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. લેન્સ એનો આકાર બદલીને આ રીતે મદદરૂપ થાય છે. આંખ પર જે પારદર્શક પડદો છે તે કોર્નિયા કહેવાય છે. કોર્નિયા અને લેન્સ પ્રકાશનું વક્રીભવન કરે છે જેથી પ્રકાશ રેટીના પર કેન્દ્રિત થાય. આંખ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશની તીવ્રતા મુજબ કીકીનું કદ બદલાતું રહે છે. આંખની કીકીની આસપાસ એક રંગીન કુંડાળું હોય છે તે કથ્થાઈ, ભૂરા, લીલા કે બીજા રંગનું હોય છે.

આપણને દ્રષ્ટિ મળી છે અને આપણે જોઈ શકીએ છીએ એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. અનેક લોકોને દ્રષ્ટિ નથી મળી. જો માણસ મૃત્યુ બાદ ચક્ષુદાન કરે તો કોઈ અંધ વ્યક્તિને દ્રષ્ટિ મળી શકે. અને એ રીતે મૃત્યુ બાદ પણ એ આંખો દ્વારા દુનિયા જોતા રહેવાનો લાભ પણ મળે! તો તમે ચક્ષુદાન કરવાનો નિર્ણય લઇ લો અને બીજાને પણ એ માટે સમજાવો.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "શરીરમાં સૌથી મજબુત શું?" મોનુ કહે કે, "લે, એતો ખબર જ હોય ને! હાડકાં સૌથી મજબુત હોય". જુલ્લુ કહે, "હાડકાં કઠણ લાગે પણ એની અંદરના ભાગે વાદળી જેવાં પોચાં હોય છે. આમ હાડકાં મજબુત પણ હળવાં હોય છે".

શરીરને મજબૂતાઈ આપવા સિવાય હાડકાં શું કામમાં આવે? કેટલાક હાડકામાં અંદર ચરબી હોય છે જે બોન મેરો તરીકે ઓળખાય છે. આ બોન મેરોમાં અસંખ્ય કોષો હોય છે જે લાલ રક્તકણો બનાવે છે. કેટલાં ખબર છે? દર સેકન્ડે લગભગ ૨૦ લાખ જેટલા લાલ રક્તકણો બને છે! આ રક્તકણો આખા શરીરમાં ઓક્સીજનનું વહન કરે છે. આમ જોયું ને કે હાડકામાંનું બોન મેરો કેટલું બધું કામમાં આવે છે?

આપણા હાથ જુદા જુદા હાડકાના બનેલા હોય છે જેની મદદથી હાથનું હલનચલન શક્ય બને છે. હથેળી, આંગળીઓ અને કાંડા વચ્ચે ૫૪ હાડકાં હોય છે.

શરીરનું સૌથી મોટું હાડકું થાપાનું હાડકું છે. શરીરનું સૌથી નાનું હાડકું કાનની મધ્યમાં આવેલું છે જે માંડ ૦.૧ થી ૦.૧૩ ઇંચ જેટલી જ લંબાઈ ધરાવે છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "ગુનેગારને પકડવા શું કરવામાં આવે છે?" મોનુ કહે, "ગુનાના શકમંદ માણસના આંગળાની છાપ લેવામાં આવે છે?" કેમ એમ? કારણકે દરેક વ્યક્તિના આંગળાની છાપ જુદી જ હોય છે. જુલ્લુ મોનુને કહે કે આંગળાની જેમ જીભની છાપ પણ દરેક વ્યક્તિમાં જુદી જ હોય છે! જીભ નાની હોય છે પણ તે શરીરનું સૌથી મજબુત સ્નાયુ છે! જીભ એક માત્ર એવું સ્નાયુ છે જેની એક બાજુ ક્યાંય બંધાયેલી નથી-છુટ્ટી હોય છે.

જુલ્લુએ મોનુને પૂછ્યું, "એવું કેમ કે જાડા માણસ વધારે ખાઈ શકે અને પાતળા ઓછું ખાય?" મોનુ કહે, "જાડાનું પેટ મોટું એટલે વધારે ખવાય અને પાતળાનું પેટ નાનું એટલે ઓછું ખવાય". જુલ્લુ કહે, "ના એવું નથી. દરેક માણસનું પેટ સરખા કદનું જ હોય છે!" તો પછી કોઈ વધારે ખાઈ શકે ને કોઈ ઓછું ખાઈ શકે એવું કેમ? પેટ દ્વારા મગજને સંદેશો પહોંચાડાય છે કે હવે તે ભરાઈ ગયું છે. કોઈના પેટ દ્વારા આ સંદેશો વહેલો પહોંચે તો કોઈના પેટ દ્વારા આ સંદેશો મોડો પહોંચે! હંમેશા ભૂખ હોય એના કરતાં થોડું ઓછું જ ખાવું જોઈએ.

શરીરમાં પ્રભુનો વાસ છે તો આપણે શરીરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવું જોઈએ, ખરું ને?


No comments: